પહેલાંના વખતમાં સોશ્યલ મીડિયા જેવું કંઈ ન હોવાને લીધે સત્તાવાળાઓએ અન્ય માધ્યમો દ્વારા આપેલી સૂચનાઓનું જ પાલન કરવાનું રહેતું.
પ્રતીકાત્મક તસવીર
હાલ સમગ્ર દેશમાં યુદ્ધની જ વાતો ચાલી રહી છે. એ પહેલાં મૉક ડ્રિલ વિશે ચર્ચા થઈ રહી હતી. પહેલાંના વખતમાં સોશ્યલ મીડિયા જેવું કંઈ ન હોવાને લીધે સત્તાવાળાઓએ અન્ય માધ્યમો દ્વારા આપેલી સૂચનાઓનું જ પાલન કરવાનું રહેતું.
આવા વખતમાં બાહ્ય પરિબળો તો અસર કરતાં જ હોય છે, પરંતુ આપણે આંતરિક પરિબળોને પણ ધ્યાનમાં લેવાં પડે છે. લડાઈ હોય કે આર્થિક બાબતો હોય, આપણે મૅક્રો અને માઇક્રો બન્ને પરિબળોને ધ્યાનમાં લેવાનાં હોય છે. હાલના સમયમાં આર્થિક દૃષ્ટિએ આપણે કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવા જોઈએ એની વાત કરી લઈએઃ
ADVERTISEMENT
1) ઇમર્જન્સી ફન્ડ : સામાન્ય રીતે નાણાકીય આયોજનની વાત થતી હોય ત્યારે ઇમર્જન્સી ફન્ડનો મુદ્દો ઉપસ્થિત થતો હોય છે. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં પણ એ જરૂરી હોય છે. અગાઉ કોરોના રોગચાળા વખતે પણ આ જ ફન્ડ લોકોને અણીના સમયે ઉપયોગી થયું હતું. ઘરખર્ચ પૂરો કરવા માટે પૂરતી રકમ ઘરમાં રોકડ સ્વરૂપે હોવી જોઈએ. ઇલેક્ટ્રિસિટી કે ઇન્ટરનેટ કનેક્શનના વાંધા હોય એવા સમયે રોકડ નાણાંથી જ કામ ચાલતું હોય છે. રોકડ તો ઠીક, ઘરમાં એક મહિનાનું રૅશન તથા બીજી રોજિંદા વપરાશની વસ્તુઓ પણ હોવી જોઈએ.
2) ગભરાવું નહીં : કટોકટીના વખતમાં નાણાકીય બજારોમાં ઘણી ઊથલપાથલ થતી હોય છે. જેમણે પોતાનાં નાણાકીય લક્ષ્યોના આધારે યોગ્ય રીતે રોકાણ અને ઍસેટ અલોકેશન કર્યું હોય તેમને આવા સમયે કોઈ વાંધો આવતો નથી. ઘણી વાર લોકો બીજું બધું બરાબર હોવા છતાં ડરી જતા હોય છે. આથી કહેવાનું કે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ગભરાઈ જવાથી બાજી બગડે છે અને નિર્ણયશક્તિ કુંઠિત થઈ જાય છે. જે માર્ગ સારા સમયમાં સમજી-વિચારીને નક્કી કર્યો હોય એના પર અડગ રહેવું.
3) પરિવારને વાકેફ રાખો : તાકીદના સમયે કોની મદદ લેવી, પરિવારની આર્થિક સ્થિતિ અને રોકાણ, બૅન્ક-અકાઉન્ટ, વીમો વગેરેને લગતી તમામ માહિતી ઘરના તમામ સભ્યોને આપેલી હોય એ ઉત્તમ સ્થિતિ કહેવાય.
4) દસ્તાવેજો ડિજિટલ સ્વરૂપે રાખો : હવે સમગ્ર દેશમાં ડિજિટાઇઝેશન થઈ ગયું છે. આથી દરેક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ ડિજિટલ સ્વરૂપે તમારી પાસે હોવો જોઈએ અને એનું ઍક્સેસ પરિવારના તમામ સભ્યો પાસે હોવું જોઈએ. બૅન્ક-અકાઉન્ટનાં સ્ટેટમેન્ટ, વીમા પૉલિસીઓ, સરનામું અને ઓળખનો પુરાવો વગેરે તમામ દસ્તાવેજો ડિજિટલી હાથવગા રાખવા.
આપણે યુદ્ધના સમયગાળાના આધારે વાત શરૂ કરી છે અને હવે એનો અંત યુદ્ધ લડનારા સૈનિકોના ઉદાહરણથી કરીએ. કોઈ પણ સૈનિક એક દિવસમાં તૈયાર થતો નથી. એની પાછળ વર્ષોની મહેનત અને શિસ્ત હોય છે. તેઓ સુસજ્જ હોય છે તેથી જ આપણે આપણાં ઘરોમાં શાંતિથી રહી શકીએ છીએ. સરકારે જે રીતે યુદ્ધને અનુલક્ષીને મૉક ડ્રિલ રાખી છે એ જ રીતે ઘરમાં નાણાકીય બાબતોમાં ઉક્ત મુદ્દાઓના આધારે મૉક ડ્રિલ કરવા જેવી છે.

