Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ઉપવાસ હોય કે ન હોય, શ્રાવણમાં ફરાળી વાનગીઓનો આસ્વાદ જરૂર માણજો

ઉપવાસ હોય કે ન હોય, શ્રાવણમાં ફરાળી વાનગીઓનો આસ્વાદ જરૂર માણજો

Published : 12 August, 2026 08:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રાવણના ઉપવાસથી લઈને ફરાળી ખીચડી અને નવીન ફરાળી વાનગીઓ સુધી, ગુજરાતી ખાનપાનની પરંપરા, સ્વાદ અને સંયમની આ અનોખી સફર માણો.

રાજેશ ચાવડા

રાજેશ ચાવડા


ચોમાસા દરમ્યાન ઉપવાસ કરવાની અથવા તો સંયમિત આહારની વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિમાં, ખાસ કરીને હિન્દુ અને જૈન પરંપરામાં, ઉપવાસનું મહત્ત્વ માત્ર ધાર્મિક નથી; વૈજ્ઞાનિક પણ છે. વર્ષાઋતુમાં પાચનશક્તિમાં ફેરફાર થતો હોવાથી ઉપવાસ કરવાની અથવા તો હળવો અને સંયમિત આહાર લેવાની પરંપરા આપણા પૂર્વજોએ વિકસાવી છે. કદાચ આપણા પૂર્વજોને એ ખબર હતી કે જે વાત ધર્મના નામે સરળતાથી ગળે ઊતરે છે એ જ વાત વિજ્ઞાનના નામે સમજાવવા જઈશું તો કોઈ નહીં માને એટલે ઉપવાસને ધર્મ સાથે જોડીને અષાઢી અગિયારસથી શરૂ કરીને શ્રાવણ અને ત્યાર બાદ આસો મહિનાની નવરાત્રિ સુધી ઉપવાસની પરંપરા શરૂ કરી.
આજે ભલે આપણા પરિવારોમાં ઉપવાસનું મહત્ત્વ થોડું ઓછું થઈ ગયું હોય, પરંતુ આપણામાંથી ઘણાને એ દિવસો ચોક્કસ યાદ હશે જ્યારે ઘરના વડીલો ઉપવાસ કરતા અને ઘરમાં બટાટામાં સાબુદાણા અને સિંગદાણા નાખેલી ફરાળી ખીચડી બનતી અને એનો લાભ આખા પરિવારને મળતો. અગિયારસ કે વ્રતના દિવસોમાં મળતી આ ખીચડી ઘણા લોકોને તો અમૃત સમાન લાગતી. કદાચ એટલે જ મોટા થયા પછી પણ આ અમૃતપાન માટે શ્રાવણ મહિનાની ખાસ રાહ જોવાય છે, કારણ કે શ્રાવણ મહિનામાં જ આ ફરાળી રસથાળ વારંવાર માણવા મળે છે.
હવે આ ફરાળ એટલે ખરેખર તો ફળનો આહાર કહેવાય, પણ સમયાંતરે ફરાળ શબ્દનો ઉપયોગ ઉપવાસ દરમ્યાન લેવાતા વિશિષ્ટ આહાર માટે થવા લાગ્યો અને આજે આ ફરાળ શબ્દની સાથે અનેક એવી વાનગીઓ જોડાતી ગઈ કે ફરાળ નામ પડતાં જ આંખ સામે અનેક ફરાળી વાનગીઓ તરવરી ઊઠે છે. હવે જ્યારે આવતી કાલથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે સ્વાદશોખીનો માટે તો જાણે સ્વર્ગના દરવાજા ખૂલી ગયા હોય એવો અહેસાસ થઈ રહ્યો છે. 
હવે વાત કરીએ ખાનપાનની. આમ તો ભારતના દરેક રાજ્યની પોતાની આગવી અને ચટાકેદાર વાનગીઓ છે, પરંતુ ગુજરાતીઓની વાત કંઈક અલગ છે. આપણે બીજાની ભાષા, સંસ્કૃતિ અને પરંપરા સ્વીકારવામાં જેટલા ઉદાર છીએ એટલા જ ખાનપાનની બાબતમાં પણ સર્વસમાવેશી છીએ. આપણી પોતાની પરંપરાગત અનેક વાનગીઓ હોવા છતાં પંજાબથી લઈને તામિલનાડુ સુધીની વાનગીઓને આપણે ફક્ત અપનાવી જ નથી, એમાં પોતાનું ગુજરાતીપણું પણ ઉમેરી દીધું છે. દક્ષિણના સાંભારને આપણે ગળ્યો બનાવી દીધો, ઇડલીના ટુકડા કરીને ચણાના લોટમાં ઝબોળીને ઇડલીનાં ભજિયાં બનાવી નાખ્યાં, મહારાષ્ટ્રના મિસળ (સેવ ઉસળ) પર ચીઝ ભભરાવી દીધું, વડાપાંઉ સાથે ખજૂર-આમલીની ચટણી ઉમેરી દીધી, પંજાબી કઢી જે તીખી અને પકોડાવાળી હોય એને સફેદ અને મીઠી બનાવી દીધી. ઉત્તર ભારતના સમોસા અને સેવપૂરી, ચાટ જેવી વાનગીઓમાં પણ ગુજરાતી સ્વાદનો તડકો મારી દીધો.
આપણી સર્જનાત્મકતા ભારતીય વાનગીઓ સુધી જ અટકી નથી. વિદેશી વાનગીઓને પણ આપણે ગુજરાતી સ્વાદ પ્રમાણે એવી રીતે ગોઠવી દીધી છે કે મૂળ વાનગી બનાવનારને પણ એક વખત ખવડાવીએ તો તે પૂછે, ‘આ વાનગી મેં જ બનાવી હતી?’ દાબેલી પીત્ઝા, પાંઉભાજી પીત્ઝા, પનીર ટિક્કા પીત્ઝા, ગરમ મસાલા ટોસ્ટ સૅન્ડવિચ, ચીઝ-સેવ સૅન્ડવિચ, મસાલા પાસ્તા, ચીઝ-મસાલા મૅગી, તંદૂરી મોમોઝ, મસાલા મોમોઝ અને કાજુ, બદામ તથા ચીઝ નાખેલી ચાઇનીઝ ભેળ જેવી વાનગીઓ એના જીવંત પુરાવા છે. એટલે વિદેશી વાનગી ભારતમાં આવે ત્યારે એનો પાસપોર્ટ ભલે વિદેશી હોય, પરંતુ ગુજરાત સુધી પહોંચે ત્યાં સુધીમાં એમાં ગળાશ-ખટાશ અને ઘણુંબધું મસાલેદાર ગુજરાતીપણું આવી જ જાય.
હવે વાત ઉપવાસની વાનગીઓની આવે તો ગુજરાતીઓ ત્યાં પણ પાછળ રહ્યા નથી. પહેલાં ફરાળી ખીચડી, સાબુદાણાનાં વડાં, ફરાળી કચોરી, રાજગરાની પૂરી કે બટાટાનું શાક જેવી ગણતરીની વાનગીઓ બનતી. આજે તો ફરાળી વાનગીઓની યાદી એટલી લાંબી થઈ ગઈ છે કે જો અગિયારસથી વાંચવાનું શરૂ કરીએ તો આ યાદીને પૂરી કરતાં પૂનમ આવી જાય. ફરાળી ઢોસા, ફરાળી રગડા પૅટીસ, ફરાળી સમોસા, ફરાળી સૅન્ડવિચ, ફરાળી ઢોકળાં, ફરાળી ઉત્તપમ, ફરાળી ખાંડવી, ફરાળી પીત્ઝા અને ત્યાં સુધી કે ફરાળી સીઝલર પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત મીઠી વાનગીઓનો પણ અંબાર છે. એમાં સાબુદાણાનો દૂધપાક, રતાળુની ફરાળી ખીર, રાજગરાનો શીરો, સૂરણનો હલવો, ફરાળી સુખડી, દૂધીની બરફી અને ફરાળી પૂરણપોળી જેવી અનેક વાનગીઓનાં નામ સાંભળતાં જ મોઢામાં ૧૦૦ મિલીલીટર પાણી આવી જાય.
વાત અહીં નથી અટકતી. હવે તો 
નાનાં-મોટાં અનેક શહેરોમાં ફરાળી થાળીઓ પણ મળવા લાગી છે. ફરાળી પૂરી, પરાઠા, ફરાળી શાક, ફરાળી કઢી, ફરાળી ફરસાણ, મિષ્ટાન્ન, સામાનો ભાત, છાશ અને મીઠી લસ્સી સુધીની આ થાળી જોઈને ઉપવાસ કરનાર વ્યક્તિ પણ એક ક્ષણ માટે વિચારમાં પડી જાય કે ‘આ ઉપવાસ છે કે ઉત્સવ?’ દેવોને પણ દુર્લભ લાગે એવી આ ફરાળી થાળી જો મને જમવામાં મળે તો હું રોજેરોજ ઉપવાસ કરું હોં.
ચોમાસા અને ખાણી-પીણીનો સંબંધ પણ કંઈ નવો નથી. વરસાદ પડે એટલે ગરમાગરમ અને ચટપટી વાનગીઓની યાદ આવવી અને યાદ આવતાં જ મોઢામાં પાણી આવવું એ આપણા દેશની લોકસંસ્કૃતિનો જ એક ભાગ બની ગયો છે. વિજ્ઞાન કહે છે કે આપણા મોઢાની લાળમાં ખાધેલા ભોજનને પચાવવાની અદ્ભુત શક્તિ છે અને એટલે જ આપણી ભોજન-સંસ્કૃતિમાં ચટપટી વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી ખાતી વખતે મોઢામાંથી ભરપૂર લાળ નીકળે અને ભોજન સાથે ભળીને ખાધેલા ખોરાકને બરાબર પચાવી દે. આમ ચટપટા અને સ્વાદિષ્ટ ભોજનની પરંપરા પાછળ શરીરવિજ્ઞાનનો એક સુંદર તર્ક છુપાયેલો છે.
એટલે આ શ્રાવણમાં ઉપવાસ કરો તો શ્રદ્ધા સાથે કરજો અને ઉપવાસ ન કરો તો પણ જ્યારે મોકો મળે ત્યારે ચટપટી ફરાળી વાનગીનો આસ્વાદ જરૂર માણી લેજો, કારણ કે શ્રાવણમાં ભક્તિ પણ જોઈએ અને આપણો ગુજરાતી સ્વાદ પણ.
અંતિમ વિચાર 
જીવનમાં સુખી રહેવું હોય તો જેમ કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, હર્ષ, ગ્લાનિ, શોક જેવી લાગણીઓ પર સંયમ રાખવો જરૂરી છે એમ સ્વસ્થ રહેવું હોય તો ખાનપાનમાં પણ એટલો જ સંયમ જરૂરી છે. કોઈ પણ બાબતનો અતિરેક અંતે તકલીફનું કારણ બને છે. જીવનની સાચી મજા તો એ છે કે ભોજનમાં સ્વાદ હોય, જીવનમાં આનંદ હોય અને બન્નેમાં સંયમ હોય.


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2026 08:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK