Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આપણા જીવનના નિર્ણયો કોણ-કોણ લે છે?

આપણા જીવનના નિર્ણયો કોણ-કોણ લે છે?

Published : 23 April, 2026 01:00 PM | Modified : 23 April, 2026 01:01 PM | IST | Mumbai
Jayesh Chitalia

બે દેશો વચ્ચેના યુદ્ધની અસરો અનેક દેશો પર થાય છે, અમુક મુઠ્ઠીભર શાસકોના નિર્ણયોની અસર કેટલાય કરોડો લોકો પર પડે છે. સવાલ માત્ર દેશો વચ્ચેના યુદ્ધનો નથી, મૂળભૂત રીતે શક્તિશાળી માણસો કેમ બીજાના જીવનના નિર્ણયો લેતા રહે છે એ કાયમી સવાલ છે.

આપણા જીવનના નિર્ણયો કોણ-કોણ લે છે?

PoV

આપણા જીવનના નિર્ણયો કોણ-કોણ લે છે?


આપણા જીવનના નિર્ણયો કોણ-કોણ લે છે? આ સવાલ આપણને કોઈ હાલમાં પૂછે તો આપણો જવાબ શું હોય? યસ, સમજી ગયા. હાલ તો આવા નિર્ણય અમેરિકા અને ઈરાન લે છે. ટુ બી સ્પેસિફિક, અમુક વાર માત્ર ટ્રમ્પ એકલા જ લે છે. આ બન્ને દેશો નક્કી કરે કે યુદ્ધ બંધ કરવું છે તો આપણા દેશ સહિત અનેક દેશોને અને ત્યાં રહેતા લોકોના જીવનને પણ રાહત થાય. એ બન્ને યુદ્ધ અંગે સમાધાન-સમજૂતી ન કરે તો આપણે સૌ પરેશાન. આપણા માથે મોંઘવારી વધે, તનાવ વધે. નોકરીઓની, બિઝનેસની સમસ્યા વકરવા સહિત કેટલીયે નેગેટિવ અસરો થાય. આપણા જીવનનું ગણિત અસ્તવ્યસ્ત બની જાયઽ આપણાં આર્થિક-સામાજિક-રાજકીય સમીકરણો બદલાઈ જાય. આમ તો આ બન્ને દેશો જુદા-જુદા, તેમના વિવાદ કે યુદ્ધ પણ તેમના પોતાના. એમ છતાં તેમના યુદ્ધ-વિવાદની અસર હેઠળ આપણો દેશ, આપણી પ્રજા, આપણે પણ પિસાતા રહીએ. આમ બે દેશોની લડાઈ સાથે પ્રત્યક્ષ રીતે આપણને કંઈ લાગેવળગે નહીં તોય આપણા જીવનના વર્તમાન અને ભાવિ અંગે તેઓ નિર્ણય લે છે અને એને બદલી પણ નાખે છે. બાય ધ વે, હાલ તો આ બે-ત્રણ દેશોના શાસકોએ જગત આખાને અધ્ધર રાખી દીધું છે. શાંતિમંત્રણા પછી પણ પરિણામમાં ખરેખર શાંતિ થાય છે કે કેમ એ પણ સવાલ તો ઊભો જ રહે છે. 
છેલ્લા કેટલાક સમયથી આપણે યુદ્ધના માહોલ તેમ જ એની અસરો સતત અનુભવી રહ્યા છીએ, જેની આપણા મનોજગત અને રોજબરોજના જીવન પર અસર પણ ચાલી રહી છે. અનેક દેશો એની સતત ચિંતામાં રહ્યા છે. આવું કેમ? જેઓ આમાં ઇન્વૉલ્વ નથી તોય કેમ તેમણે સહન કરવું પડે છે? તેમને પણ આ યુદ્ધમાં રસ નહીં હોય. એમ છતાં આ બન્ને દેશોના કરોડો નિર્દોષ લોકો પણ વગર વાંકે આ સહન કરી રહ્યા છે. બે સત્તા, બે શક્તિ બીજા કરોડો લોકોના જીવન પર અસર થાય એવા નિર્ણય લે એને કુદરતનો ન્યાય ગણી શકાય? શું આપણા જીવનના નિર્ણય આ લોકો લેતા ન કહેવાય?
પરિવારોમાં વર્ચસની લડાઈ
આ તો વિશ્વના, વિવિધ દેશોના પ્રવર્તમાન સંજોગોની વાત થઈ. આપણા અંગત જીવન પર પણ નજર કરીએ તો ઘણી વાર આપણા જીવનના નિર્ણયો બીજાઓ લેતા હોવાનું જોવા મળે છે. સંતાનોએ શું ભણવું? કોની સાથે લગ્ન કરવાં? યુવતીઓએ રાતના કેટલા વાગ્યે ઘરે આવી જવાનું? કેવાં કપડાં નહીં પહેરવાનાં? કોની સાથે સંબંધ રાખવાના કે નહીં રાખવાના? આથી માંડીને કેટલાય પારિવારિક નિર્ણયો ઘરના વડીલો યા સમાજના કથિત ઠેકેદારો લેતા રહે છે. ઘણાં ઘરોમાં તો રીતસરની જોહુકમી હોય છે. પતિ તેની પત્નીના જીવનના નિર્ણયો લેતો રહે છે, પત્ની તેના પતિના જીવનના. એમાં ભરપૂર વિરોધ-વિવાદ ચાલતો હોય તો પણ તેઓ બન્ને એકબીજાના જીવનમાં પોતાનું વર્ચસ જમાવ્યા કરે છે. અનેક પરિવારોમાં સાસુ-સસરા તેમની વહુના જીવનના નિર્ણય લેતા હોવાના કિસ્સા હજી સાવ બંધ થઈ ગયા નથી. અલબત્ત, અપવાદરૂપ કિસ્સા પણ હોય છે. આમ તો પરિવારોના મામલે બહુબધા બદલાવ આવી રહ્યા છે, પરંતુ જીવનના નિર્ણયોના મુદા એ પછી પણ ઊભા રહે છે. 
પરિવારની બહાર સમાજની સમસ્યા 
ઘરની બહાર નીકળીએ કે સમાજ આવી જાય, જે આપણા જીવન પર એક યા બીજી રીતે અસર કર્યા કરે છે. કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહના, છોડો બેકાર કી બાતોં મેં કહીં... એમ ફિલ્મી ગીત ગાઈ શકાય છે, પરંતુ એમ જીવવું સરળ રહેતું નથી. આપણે સમાજની કેટલીયે બાબતોમાં સહમત ન હોઈએ એમ છતાં આપણા પર સમાજનો પ્રભાવ કે ભય છવાયેલો રહે છે અને કથિત પરંપરા-પ્રથા પ્રમાણે આપણા જીવન પર અસર કર્યા કરે છે. આ સમાજ એટલે કોણ? એ સવાલનો જવાબ સામે હોવા છતાં અધ્ધર જ રહે છે. ઘણી વાર એ સમાજ એટલે આપણી આસપાસના લોકો જ હોય છે - આપણાં સગાં-સંબંધી, મિત્રો, પાડોશીઓ, જ્ઞાતિજનો, વગેરે. 
ધર્મ અને રાજકારણ 
આપણા જીવનના નિર્ણયો પર અસર કરતાં પરિબળોમાં એક મોટું પરિબળ ધર્મનું પણ આવી જાય છે, જેમાં આપણે કયા ભગવાનને માનવા-ભજવા જેવી બાબત પરિવાર નક્કી કરે છે. બાળકને ધર્મ અને તેના ભગવાન જન્મ સાથે આપી દેવામાં આવે છે. આ બાબત ક્યારેક શ્રદ્ધા તો ક્યારેક અંધશ્રદ્ધાનો વિષય બની જતી હોય છે. આ જ રીતે રાજકારણના મેદાનમાં રમાતી જુદી-જુદી રમતોની અસર પણ આપણી લાઇફ પર થયા કરે છે. એમાં આપણી મરજી કે સહમતી વિના આપણા જીવનને અસર કરે એવા નિર્ણયો લેવાતા રહે છે. આપણે કઈ ભાષા બોલવી, લખવી તથા આપણા ધંધાનાં પાટિયાં કઈ ભાષામાં લખવાં જેવા નિર્ણયો મારફત આપણા પર રાજકારણ હાવી થાય છે. આમાં કોઈ પણ રાજકીય પક્ષનો ભાષાપ્રેમ નથી હોતો, બલ્કે વોટબૅન્ક હોય છે. કોઈ પણ રાજકીય પક્ષો માટે કોઈની બહેન લાડકી હોતી નથી, પરંતુ વોટ માટે એ કથિત લાડકી બહેનોને નાણાં આપવા લોભામણી યોજના લાવતા હોય છે જે ખરેખર તો પ્રજાના જ ટૅક્સનાં નાણાં હોય છે. સત્તા પર બિરાજમાન લોકો ચોક્કસ વર્ગને મફત વીજળી, અનાજ, પાણી આપવાનો નિર્ણય પોતાના વોટ માટે લે છે જેમાં પણ નોટ તો આપણી જ વપરાય છે. 
સમાજમાં મોટા ભાગનો સક્ષમ વર્ગ તેમના સામ, દામ, દંડથી નબળા વર્ગ પર હકૂમત ચલાવે છે. આજકાલ વળી ધર્મપરિવર્તનનાં કૌભાંડો પુનઃ શરૂ થયાં છે. આવા લોકો બીજાના ધર્મ સાથે ચેડાં કરીને તેમનું જીવન જ બદલી નાખે છે. આપણું જીવન આપણે આપણી મરજી મુજબ જીવીએ છીએ કે લોકોની મરજી કે નિર્ણય મુજબ એ સવાલનો જવાબ અધ્ધર જ રહે છે. દરેકે પોતાના જીવન વિશે આ મામલે વિચારવા જેવું ખરું.


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2026 01:01 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK