કોઈ આપણને અરીસો બતાવે ત્યારે પોતાની ભૂલ સ્વીકારીને સુધારવાની હિંમત જરૂરી છે. નેતૃત્વ હોય કે પરિવાર, સત્તા હોય કે સંબંધો, અવાજ દબાવવાને બદલે એને સાંભળવાથી જ સાચા સુધારા અને લાંબા ગાળાની શાંતિનો માર્ગ મોકળો થાય છે.
પ્રતીકાત્મક તસવીર
દરેક ઘરના દરેક રૂમમાં અરીસો હોય છે. સલૂનથી લઈને બ્યુટીપાર્લર સુધી, ડ્રેસિંગરૂમથી લઈને મંદિર સુધી અરીસો રાખવાની પરંપરા છે. અરીસામાં માણસ પોતાનું મોઢું જુએ એ જરાય નવું નથી, પરંતુ જ્યારે અન્ય કોઈ માણસને અરીસો બતાવે છે ત્યારે મોઢું જોવું બહુ અઘરું છે. ‘અરીસો બતાવવો’ અહીં બહુ ટેક્નિકલ છે.
ગોરખનાથ નામના શિષ્યે ગુરુ મછંદરનાથને અરીસો બતાવીને તેમને માર્ગ પર લાવી દીધા હતા. ક્યારેક વિદ્યાર્થી શિક્ષકને તો નોકર માલિકને અરીસો બતાવે છે. કર્તવ્યથી વિમુખ રહેનારાં મા-બાપને સંતાનો ઘણી વાર અરીસો બતાવતાં રહે છે. આવા સમયે અરીસામાં મોઢું જોવું ઘણું કપરું છે. ચહેરો ત્યારે કદરૂપો લાગવાની દહેશત રહે છે. આવા સમયે અરીસામાં મોઢું જોવાની તત્પરતા એટલે પોતાની દર્શાવાયેલી ભૂલને સાંભળવાની, સ્વીકારવાની અને સુધારવાની હિંમત.
મોટાઈ, સિનિયોરિટી કે નેતૃત્વ માત્ર બધું સીધું ઊતરે એની ક્રેડિટ લેવાથી નહીં પરંતુ સિસ્ટમ પડી ભાંગે ત્યારે જવાબદારી સ્વીકારવાથી વધુ ઝળકી ઊઠે છે. ગીતા નેતૃત્વને પાવર સાથે નહીં પણ જવાબદારી સાથે જોડે છે. ચાણક્ય પણ કહે છે કે ‘પ્રજાના સુખમાં જ રાજાનું સુખ સમાયેલું છે.’ સત્તાનો અર્થ ભલે શાસન થતો હોય, પણ એનું પ્રયોજન તો પોષણ અને રક્ષણમાં સમાયેલું છે. આ પ્રયોજન યોગ્ય રીતે જળવાય નહીં ત્યારે રાષ્ટ્રથી લઈને ઘર સુધી અવાજ ઊઠે છે. આ અવાજ ઘરનાનો જ હોય છે. અવાજ ઉઠાવનારે ચોક્કસ વિવેક, લક્ષ્યની સ્પષ્ટતા અને પદ્ધતિની શાલીનતા જાળવવાની હોય છે. એની સાથે સામે પક્ષે એ પણ જરૂરી છે કે અવાજ દબાવવાથી નહીં પણ સાંભળવાથી વધુ સારી અસર ઊપજે છે. લાંબા ગાળાની શાંતિ અવાજને દબાવી દેવાથી નહીં પણ એને અનુસરવાથી સ્થપાઈ શકે છે.
ઊંડા અંધારેથી પરમ તેજે લઈ જવાની વાત એ માત્ર પ્રભુની પ્રાર્થનારૂપે રાખવાની નથી. કોઈ આંગળી ચીંધીને કે આપણને અરીસો બતાવીને ભૂલ દર્શાવે ત્યારે આ પંક્તિને જીવી બતાવવાની છે. સાચા અને તંદુરસ્ત રિફૉર્મ્સ કાયદાની કલમ કરતાં જાગરૂક મનના સ્વસ્થ વલણમાંથી જન્મે છે.
દીકરાને લાગે કે પપ્પા જરાય સમય નથી આપતા ત્યારે પપ્પાએ દીકરાની વાતમાં રહેલી અપેક્ષા અને ડોકાતી પીડાને સમજી લેવાની છે. પત્ની આવી જ કોઈ અપેક્ષા પતિ માટે રાખે ત્યારે પતિએ એ વ્યથામાં વિરહની પીડાને સમજી લેવાની છે. ઘરનાં વૃદ્ધ મા-બાપ પણ દીકરા પાસે ૧૫,૦૦૦ રૂપિયા નહીં, માત્ર ૧૫ મિનિટ ઝંખતાં હોય છે. નોકર કે સ્ટાફ-મેમ્બરની પગારવધારાની માગણીને ગેરવાજબી ઠેરવતાં પહેલાં બૉસે વિચારવું જોઈએ કે મોંઘવારી વર્ષે ૪ વખત વધી હોય તો માણસ વર્ષે એક વાર કંઈક વધારો ઇચ્છે એમાં ખોટું શું છે? કેટલાંક આંદોલનો પાસે અવાજ નથી હોતો છતાં ચૂપચાપ ચાલતાં રહે છે. દરેક અવાજ આંદોલન પણ નથી હોતો છતાં ગરમીથી ચાલ્યા કરતો હોય છે.
પીસફુલ પ્રોટેસ્ટના અધિકારની ના નથી હોતી, પણ સજેસ્ટનું બટન દબાવ્યા વગર સીધું જ પ્રોટેસ્ટનું બટન દબાવવું બધી વખત જરૂરી નથી. અવાજ ઉઠાવનાર અને સાંભળનાર બન્ને મુદ્દાને મહત્ત્વ આપે ત્યારે મુદ્દો સૉલ્વ થઈ જાય છે. બાકી તો ક્રિકેટના ગ્રાઉન્ડ પર થર્ડ અમ્પાયરના રિવ્યુને પણ મેદાન પરના અમ્પાયર સામેનો અવાજ ગણી શકો. એમાં અવિવેક અને અતિરેક નથી હોતો માટે એ માન્ય રહે છે.
