રસ્તાના ખાડાઓ અને તંત્રની બેદરકારીને કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. વિકાસ ગોરે અને સુનીતા પાલ જેવી દુર્ઘટનાઓ માત્ર અકસ્માત નથી, પરંતુ જવાબદારીના અભાવનું કરુણ પરિણામ છે. હવે કડક કાર્યવાહી અને ખાડામુક્ત રસ્તાઓ માટે અસરકારક આયોજનની તાતી જરૂર છે
અકારણ જિંદગી છીનવી લેતાં હત્યારા ખાડા-ખાબોચિયાંથી મુક્તિ ક્યારે?
મુંબઈનાં પરાંમાં ગયા રવિ અને સોમ એ બે દિવસમાં બે વ્યક્તિની જિંદગી મૃત્યુએ અચાનક છીનવી લીધી. આટલું વાંચતાં સવાલ થશે કે આવડા મોટા મહાનગરમાં તો આવાં કેટલાંય મૃત્યુ થતાં હશે, એમાં આ વાતની અગત્ય શું? એમાં શું નવું છે? ના, નવું કંઈ જ નથી. આ બેમાંથી એક ૨૩ વર્ષનો જવાન વિકાસ ગોરે થાણે ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સનો સભ્ય હતો અને બીજી હતી ૪૬ વર્ષની સ્ત્રી સુનીતા પાલ જે પુત્રને પરણાવવાનાં સપનાં જોતી હતી. આ વાંચીને પણ તમારા મનની દલીલ આગળ ચાલવાની કે એમ તો કેટલાય જવાનો શહીદ થાય છે, કેટલીયે જિંદગીઓ અને કેટલાંય સપનાં મૃત્યુ તહસનહસ કરી નાખે છે! હા, તમારી વાત સાચી છે, પરંતુ આ બે કમનસીબોની વાત કરવાનું કારણ છે મારી પાસે.
આ બન્નેની જિંદગી છીનવી લેવામાં હાથ છે તેમના વિસ્તારના મ્યુનિસિપલ કૉર્પોરેશનની જાનલેવા બેદરકારી. તે બન્નેએ રસ્તા પરના ખાડાઓમાં ભરાયેલા પાણીનાં ખાબોચિયાંને કારણે જાન ગુમાવવા પડ્યા. થાણે ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સના જવાન વિકાસે ગયા અઠવાડિયે ભિવંડીમાં ધસી પડેલી ઇમારતના ફસાઈ ગયેલા રહેવાસીઓને બચાવવાની કામગીરીમાં સક્રિય સેવા આપેલી. પોતાની ફરજ પૂરી કરીને તે રવિવારની રજા પોતાના પરિવાર સાથે ગાળવા પોતાના ગામ બામણે ગયેલો અને સોમવારે વહેલી સવારે ફરજ પર જવા નીકળ્યો હતો. ત્યારે મુંબઈ-નાશિક હાઇવે પર શહાપુર પાસે પાણી ભરેલા એક મોટા ખાડા સાથે તેની બાઇક ટકરાઈ હતી અને વિકાસ પુલની દીવાલ સાથે જોરથી ભટકાયો હતો. એ અક્સ્માત વિકાસ માટે જીવલેણ નીવડ્યો. પરિવારનો એકનો એક કમાનાર સભ્ય વિકાસ હજી એક વર્ષ પહેલાં જ ટ્વિન્સ દીકરીઓનો પપ્પા બન્યો હતો. કુદરતી કે માનવસર્જિત આપત્તિઓમાં ફસાયેલા લોકોની મદદે પહોંચતા તે જવાનની કોઈ પણ ભૂલ કે વાંક વિના તેણે જિંદગીને અલવિદા કહેવું પડ્યું.
આના આગલા જ દિવસે રવિવારે થાણેની રહેવાસી સુનીતા પાલ સ્કૂટર પર પોતાના પતિ સાથે થાણે-ભિવંડી રોડ પરથી પસાર થઈ રહી હતી. દીકરાનાં લગ્ન કરવાનાં સપનાં જોતાં પતિ-પત્ની પોતાના નવા ઘરનું કામ કેટલે પહોંચ્યું એ જોવા જઈ રહ્યાં હતાં. ત્યાં રસ્તા પરના ખાબોચિયામાંથી પસાર થતાં સ્કૂટર પરનું સંતુલન ગયું અને પતિ-પત્ની બન્ને ઊછળીને રસ્તાની બે બાજુએ પડ્યાં. પૂરઝડપે આવતી ટ્રક સુનીતા પર ફરી વળી અને તે મૃત્યુ પામી. પતિને પણ ગંભીર ઈજાઓ થઈ. સૌની સપોર્ટ સિસ્ટમ જેવી સુનીતાની આવી અચાનક વિદાયથી એ સાધારણ સ્થિતિના પરિવારમાં સોપો પડી ગયો છે. તેનો પતિ નોધારો બની ગયાની લાગણી અનુભવે છે. આ બન્ને પરિવારોને આવા ભયંકર સંજોગોમાં ધકેલી દેવા માટે આ રસ્તાઓની સ્થિતિ અને એમની જાળવણીની જવાબદારી જેના પર છે એ તંત્ર જ જવાબદાર છે. અને હા, આમ કોઈની બેદરકારીને કારણે બલિ ચડનારા આવા એક નહીં અનેક પરિવારો વિશે દર વર્ષે આપણે છાપાંમાં વાંચીએ છીએ, ટીવી અને સોશ્યલ મિડિયા પર જોઈએ છીએ. એટલે જ શું આપણે આ દુર્ઘટનાઓથી ટેવાઈ જઈએ છીએ?!
કરોડો રૂપિયાના ખર્ચે રસ્તાઓ બંધાય, એમના મેઇન્ટેનન્સ પાછળ પણ લાખો રૂપિયા ખર્ચાય; પરંતુ રસ્તાની હાલત તો એવી જ બીમાર અને જોખમી રહે. દર વર્ષે રસ્તાની મરામત થાય અને તોય દર વર્ષે એ રસ્તાના ખાડાઓ અને ખાબોચિયાંઓ કેટલાય નિર્દોષ નાગરિકોનો ભોગ લે. આ તે કેવી અસહ્ય અને અક્ષમ્ય બેદરકારી? માનવજીવનની કેટલી ગંભીર ઉપેક્ષા. આ કામ જેમને સોંપાયું હોય તે કૉન્ટ્રૅક્ટરે કેવું અને કેટલું કામ કર્યું છે એની ગુણવત્તાની કોઈ ચકાસણી ન થાય? એનાં કોઈ ધોરણો ન હોય જેની સાથે એને કસોટીની સરાણે ચડાવીને કહી શકાય કે કામ બરાબર થયું છે?
ચોમાસું આવે એટલે રસ્તાઓ, બિલ્ડિંગો, પુલો, ગટરો, વૃક્ષો, ઇલેક્ટ્રિકના ખુલ્લા વાયરો આ બધાં જ જાણે જીવલેણ હત્યારાની ભૂમિકામાં આવી જાય. હા, મુંબઈ શહેરની પણ આ જ હાલત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દુનિયાના અનેક રાજ્ય કરતાંય વધુ આવક અને મોટું બજેટ ધરાવે છે અને છતાં એની કામગીરી આ બાબતમાં જરાય બહેતર નથી. દર વર્ષે તંત્રની બિનકાર્યક્ષમતા, ભ્રષ્ટાચાર અને માનવજિંદગી પ્રત્યેની સરેઆમ લાપરવાહી કેટલાય નિર્દોષોને મોતને ઘાટ ઉતારે છે, કેટલાય પરિવારોને ખેદાનમેદાન કરી નાખે છે. શું આ બધાને અટકાવવાનો કોઈ ઉપાય નથી? આપણો કોઈ વાંક ન હોય અને કોઈ આપણને ગુનેગાર ગણીને સાચી-ખોટી સંભળાવે તોય આપણે કેટલા ઊકળી જઈએ? તો આ તો આપણી જિંદગી જ લઈ લે, કોઈ વાંક વિના! ત્યારે કેમ ચૂપ રહેવાય? ખરેખર આવા પ્રત્યેક મૃત્યુને ભયંકર ગણીને એ માટે જવાબદારોને અસહ્ય અને આકરામાં આકરી સજા થવી જોઈએ.
આજથી ૧૧ વર્ષ પહેલાં ૨૦૧૫માં દાદારાવ બિલ્હોરેનો કિશોર વયનો દીકરો પ્રકાશ જોગેશ્વરી-લિન્ક રોડ પર બાઇક પર જઈ રહ્યો હતો અને રસ્તાના ખાડાને કારણે અકસ્માતનો ભોગ બન્યો હતો. એ આઘાત જીરવવો અત્યંત આકરો હતો. ભણી-ગણીને એન્જિનિયર બનેલા પ્રકાશના દોસ્તોને જોતા ને દાદારાવ એ બધામાં પ્રકાશને શોધતા. ૨૦૧૮માં તેમણે દીકરાની સ્મૃતિમાં રસ્તાના ખાડાઓ પૂરવાનું કામ શરૂ કર્યું. શહેરના સુધરાઈ વહીવટી તંત્રની અન્ય કોઈની મદદ વિના તેમણે એક જ હેતુથી રસ્તાના ખાડાઓ ભરવાનું શરૂ કર્યું કે મારા જેવી સ્થિતિમાં મુકાવામાંથી કોઈ બાપ બચી જાય. પછી તો એકલપંડે આ રીતે તેઓ રસ્તાના ખાડાઓ ભરતા અને સડક દુરસ્ત કરતા એ જોઈને કેટલાક સ્વૈચ્છિક કાર્યકરો પણ તેમની સાથે જોડાયા. પૉટહોલ વૉરિયર્સ તરીકે ઓળખાતા આ ગ્રુપે ખાડાઓ શોધી કાઢવા માટે એક ઍપ પણ બનાવી છે. પૉટહોલ રિપોર્ટિંગ ઍપ એ આવી એક પહેલ છે. લોકો ખાડાવાળા આ રસ્તાઓના ફોટો પાડીને એની વિગત સાથે આ ઍપ પર અપલોડ કરી દે જેથી એ પૂરવાનું કામ કરનારા ત્યાં પહોંચી જાય. મુંબઈના પૉટહોલ દાદા તરીકે ઓળખાતા દાદારાવે અત્યાર સુધીમાં ૧૫૦૦થી વધુ ખાડાની મરામત કરી છે. આધેડ વયના આ નાગરિકની એકલપંડે શરૂ થયેલી આ કામગીરી કરોડોની આવક અને લાખો લોકોના સ્ટાફ ધરાવતા નાગરી વિભાગની આ ગંભીર સમસ્યા પ્રત્યેની ઉદાસીનતાનો આંખઉઘાડ જવાબ છે. જોકે એ પૂરતું નથી. સમસ્યા એટલી વિરાટ છે કે તંત્રની ઉદાસીનતા તોડવી જ પડશે.
ઓ દેશના ઇનોવેટર્સ, એન્જિનિયર્સ, મૅનેજર્સ, ટાસ્ક માસ્ટર્સ, ડિસિઝનમેકર્સ અને સત્તાધીશો... કસો, કસો તમારા દિમાગને. આ અકારણ અને નિવારી શકાય એવો મૃત્યુદર અટકાવવા માટે કોઈ પ્લાનિંગ, કોઈ સ્ટ્રૅટેજી, કોઈ ટાસ્કફોર્સ ન રચી શકાય? ખાડામુક્ત રસ્તાઓ માટેના ટાર્ગેટ અને ડેડલાઇન કેમ ન અપાય અને એમાં નિષ્ફળ જનારાને આકરી સજા કેમ ન થાય?
