રોકાણની દુનિયાનું આ મોટું સત્ય ખાસ ધ્યાનમાં લેવા જેવું છે : ‘મોટા ભાગના લોકો બીજા લોકોની સલાહથી ઓછું અને પોતાના અનુભવોથી વધુ શીખે છે.’
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
રોકાણની દુનિયાનું આ મોટું સત્ય ખાસ ધ્યાનમાં લેવા જેવું છે : ‘મોટા ભાગના લોકો બીજા લોકોની સલાહથી ઓછું અને પોતાના અનુભવોથી વધુ શીખે છે.’
લોકો નવા IPO, સ્પેક્યુલેટિવ ટ્રેડિંગ અથવા ક્રિપ્ટોમાં ટ્રેડિંગ જેવી લાલચભરી તકમાં પૈસા ગુમાવીને જ એ સમજી શકે છે કે રોગના ઇલાજ કરતાં એનું નિવારણ અગત્યનું હોય છે.
અહીં એ પણ કહેવું રહ્યું કે ભૂલ કરવી ખરાબ નથી, પણ એ ભૂલમાંથી વધુ મોટા નુકસાન વગર શીખવા મળે એ જરૂરી છે.
વહેલી ભૂલો, સસ્તો પાઠ
રોકાણમાં દરેક વ્યક્તિ ક્યારેક ખોટા નિર્ણયો લે છે. મહત્ત્વનું એ છે કે શરૂઆતમાં જ નાની રકમથી પ્રયોગ કરવો, જેથી નુકસાન ઓછું થાય અને અનુભવ મોટો મળે. આને આપણે ‘રોકાણની દુનિયાનું રસીકરણ’ કહી શકીએ છીએ. જે રીતે રસીકરણમાં રોગના જંતુ નિષ્ક્રિય કરીને કે સાવ ઓછા પ્રમાણમાં મનુષ્યશરીરમાં દાખલ કરીને રોગપ્રતિકારક શક્તિ કેળવવામાં આવે છે અને મોટા રોગથી બચી શકાય છે એ જ રીતે સાવ ઓછા રોકાણ દ્વારા ઓછું જોખમ લઈને ભવિષ્યની મોટી ખોટથી બચી શકાય છે.
અનુભવથી જ શિખાય છે
લોકો જેટલું પુસ્તકો કે સલાહથી નથી શીખતા એટલું જાતે પૈસા ગુમાવીને શીખે છે. ઉદાહરણ તરીકે ૨૫ વર્ષની કોઈ યુવતી ૫૦,૦૦૦ રૂપિયાની પોતાની બચતમાંથી ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ કરીને છ મહિનામાં ૨૫,૦૦૦ રૂપિયા ગુમાવે એ બાબત દુઃખદ જરૂર છે, પરંતુ તેને ફક્ત ૨૫,૦૦૦ રૂપિયાની નાનકડી ફી ભરીને મોટા નુકસાનથી બચવાનો કીમતી પાઠ શીખવા મળી જાય છે. આ અનુભવ દ્વારા તેને સમજાઈ જશે કે અતિ જોખમી રોકાણો કરવા માટે પોતાની જીવનભરની મૂડી દાવ પર લગાડી દેવાય નહીં. આ જ રીતે IPO કે ક્રિપ્ટોમાં થોડા રૂપિયા લગાડી જોવાનું, જેથી ખોટા પ્રચાર અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત સમજાઈ જાય.
અહીં ખાસ એ પણ કહેવું જરૂરી છે કે શીખવાની પ્રક્રિયા લાંબી કે મોંઘી ન હોવી જોઈએ. તમે જેટલી રકમ પૂરેપૂરી ગુમાવી દો તો પણ તમારા પર કોઈ મોટી આફત આવી ન જાય એટલી રકમ અલાયદી રાખી મૂકો અને એનાથી ક્રિપ્ટો, ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ કે IPO જેવી વસ્તુઓમાં પ્રયોગ કરો. એમાં જ્યારે નુકસાન થાય, એને શીખ તરીકે લો. પછી લાંબા ગાળાના સ્થિર રોકાણ પર ધ્યાન આપો.
આજના યુગમાં ખાસ જરૂરી
આજકાલ સ્માર્ટફોનથી રોકાણ કરવાનું ખૂબ સરળ બન્યું છે. મોબાઇલ ઍપ્સ, ઇન્ફ્લુએન્સર્સ અને બ્રોકર્સના પ્રચારને લીધે યુવાનો સહેલાઈથી લલચાઈ જાય છે. આવામાં તેમને ‘અમુક કામ ન કરો’ એવી સલાહ આપવાનું પૂરતું નથી. તે યુવાનોને ઉપર કહ્યા મુજબ ‘મર્યાદિત પ્રયોગ’ કરવાની છૂટ આપવામાં કંઈ ખોટું નથી. ફક્ત એટલું ધ્યાનમાં રાખવું કે એમ કરવામાં લાંબા ગાળાનું મોટું નુકસાન થઈ ન જાય.
મોટા જોખમ પહેલાં નાના પાઠ
૨૫ વર્ષની ઉંમરે ૧૦,૦૦૦ રૂપિયા ગુમાવવાનું ૪૫ વર્ષની ઉંમરે ૧૦ લાખ રૂપિયા ગુમાવવાની તુલનામાં ઘણું હળવું છે. શીખવાની ‘ફી’ ઘણી ઓછી હોય એવા સમયે ભરીને મોટો પાઠ શીખી લેવો સારો.


