હાલ અમેરિકા-ઈરાન યુદ્ધ છે, સાડાત્રણ દાયકા પહેલાં અમેરિકા-ઇરાક યુદ્ધ હતું જેને કારણે ભારત ઇકૉનૉમિક ક્રાઇસિસમાં આવી ગયું હતું. એ ભૂતકાળને યાદ કરીએ તો વર્તમાન અને ભવિષ્ય માટે વધુ સજજ થઈ શકાય
જયેશ ચિતલિયા
હાલ આપણે અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધ અને તનાવને કારણે સર્જાયેલી ક્રાઇસિસ જોઈ, અનુભવી અને સહન પણ કરી. આનાથી બદતર ક્રાઇસિસ આપણા દેશે ૧૯૯૦-’૯૧ આસપાસ અમેરિકા-ઇરાક યુદ્ધ વખતે ફેસ કરી હતી. એ ક્રાઇસિસે ભારતને શું સબક આપ્યા, કેવા આકરા નિર્ણયો લેવડાવ્યા અને પરિવર્તનનો કેવો તબક્કો શરૂ થયો એ આજે ૩૫ વરસ બાદ પણ સમજવું જરૂરી છે.
૧૯૯૦-’૯૧ની આસપાસની એ ઇકૉનૉમિક ક્રાઇસિસની ગંભીરતા માટે માત્ર એક જ પૉઇન્ટ જણાવીને વાત માંડીએ. એ સમયે ભારતની આર્થિક સ્થિતિ એવી કથળી હતી કે ભારતે પોતાનું રિઝર્વ બૅન્ક પાસેનું સોનું ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ (IMF) (વિદેશી બૅન્કો) પાસે ગિરવી મૂકવાની નોબત આવી હતી. આપણે આપણા પરિવારમાં-ઘરમાં પડેલું સોનું ક્યારે વેચવા યા ગિરવી મૂકવા કાઢીએ એટલું વિચારી લઈશું તો એ સમયની દેશની આર્થિક ગંભીરતાનો અહેસાસ મળી જશે. આ સમગ્ર ઘટના, એનાં કારણો, એનાં પરિણામો અને એના ઉપાયોની એક ઝલક
જોવી-જાણવી હોય તો હાલ OTT પર ચાલતી ‘ગવર્નર’ નામની ફિલ્મ દરેક ભારતીયજને જોવી જોઈએ. એનાં કારણોની ઝલક જોઈએ.
અમેરિકા-ઇરાક યુદ્ધ અને એની અસરો
ADVERTISEMENT
એ સમયે અમેરિકા-ઇરાક વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે જેને પરિણામે ક્રૂડ ક્રાઇસિસ સર્જાઈ છે અને ભારતે જેની સૌથી વધુ આયાત કરવી પડે છે એ ક્રૂડના ભાવ અને સપ્લાય ભારતની તકલીફો વધારતાં જાય છે. ભારતીય રૂપિયો પણ એ સમયે નબળો પડતો જાય છે અને ભારતની ફૉરેક્સ (ફૉરેન એક્સચેન્જ-વિદેશી હૂંડિયામણ) રિઝર્વ ખતમ થતી જાય છે. એક સમય એવો આવે છે જ્યારે ભારત પાસે એક મહિનો ચાલી શકે એટલું જ ફૉરેન એક્સચેન્જ રહ્યું છે. ઊંચી આયાત અને ઓછી નિકાસને કારણે ભારત સતત ખાધ (ડેફિસિટ)માં છે. આ સમયમાં હજી ભારતનું અર્થતંત્ર ખુલ્લું થયું નહોતું, બલ્કે ક્લોઝ ઇકૉનૉમી હતી જેમાં હજી ઘણા અંકુશો હતા. લાઇસન્સરાજ, જાહેર ક્ષેત્ર પર નિર્ભરતા અને એની ખામીઓ તેમ જ બિનકાર્યક્ષમતા પ્રવર્તી રહ્યાં હતાં. દેશમાં ક્રૂડને કારણે મોંઘવારી અને બેકારી પણ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. અરાજકતા માત્ર આર્થિક જ નહીં, રાજકીય અને સામાજિક સ્તરે પણ વધી છે. એ સમયને આજના સમય સાથે સરખાવી શકાશે નહીં, પરંતુ સમયની સંવેદનશીલતા સમજી શકાશે. અત્યારે ભારત અમેરિકા-ઈરાનને કારણે જે ક્રાઇસિસનો સામનો કરી રહ્યું છે એ સમયમાં પણ ભારતની ક્રૂડની આયાતને લીધે ફૉરેક્સ રિઝર્વ પર ભાર આવે છે.
સરકારે-વડા પ્રધાને સોનાની ખરીદી વર્ષ માટે બંધ કરો, વિદેશપ્રવાસ બની શકે તો ટાળો, વિદેશી હૂંડિયામણ બચે એવાં સંભવિત કાર્યો કરો એવી અપીલ કરવી પડી છે. અલબત્ત, વર્તમાન સમયમાં ભારત ૧૯૯૦-’૯૧ કરતાં ઘણું જુદું છે. ૩ દાયકામાં ભારતમાં જે આર્થિક રિફૉર્મ્સ થતાં ગયાં છે એના ફળરૂપે ભારત આજે ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ઇકૉનૉમી છે, ફૉરેક્સ રિઝર્વ બહેતર છે. એમ છતાં ગ્લોબલ સ્તરે ઊભી થતી યુદ્ધ અને ક્રૂડ-કરન્સી જેવી સમસ્યાઓ આજે પણ પડકારો બનીને ઊભી રહે છે.
દેશનાં ઉઠમણાં-નાદારી જોયાં છે?
આપણે ઘણા બિઝનેસમેન, તેમની પેઢીઓ, કંપનીઓનાં ઉઠમણાં જોયાં-સાંભળ્યાં હશે; પરંતુ કોઈ દેશ ઉઠમણું-નાદારી (બૅન્કરપ્ટસી) નોંધાવે એવું કેટલી વાર જોયું? થોડા વખત પહેલાં શ્રીલંકાની ઉઠમણા જેવી ઘટના જોઈ. પાકિસ્તાનની દશા આપણી સામે છે. છોડો બીજાની વાત, આપણો દેશ પણ એ સમયે ૧૯૯૦-’૯૧માં ઉઠમણાના આરે આવી ગયો હતો. શા માટે એમ થયું અને એના ઉકેલ માટે-એમાંથી ઊગરવા માટે કેવા-કેવા પ્રયાસ થયા, નિષ્ફળતા-નામોશીમાંથી પસાર થવું પડ્યું, ભારતે મદદ માટે કઈ રીતે વિશ્વ સામે હાથ લંબાવવા પડ્યા અને એ પછી ભારત એમાંથી કઈ રીતે બહાર આવ્યું એ બધું ફિલ્મ ‘ગવર્નર’ એક વાર્તા સ્વરૂપે સમાવી લે છે. આવી ફિલ્મનું ડ્રામેટાઇઝેશન કરવું પડે, ફિક્શન ઉમેરવું પડે એ જુદી વાત છે; પરંતુ આ ફિલ્મ સત્ય પર આધારિત છે એ યાદ રાખીને એને જોવી-સમજવી જોઈએ. એક નાગરિક તરીકે આમાં ક્યાંક ને ક્યાંક આપણી ભૂમિકા છે, જવાબદારી બને છે એ સમજવા માટે પણ જોવી જોઈએ. ચોક્કસ ક્રાઇસિસના સંજોગોમાં રાજકીય ખેલ-આંટીઘૂંટી અને સંવેદનશીલતા પણ કેવો આકાર લેતી હોય છે, આકરા નિર્ણયો લેવામાં સરકારની કેવી પરીક્ષા થતી હોય છે એ સમજવા માટે પણ સત્ય જાણવું જરૂરી બને છે. કેટલાક રાજકીય નિર્ણયો દેશના હિતમાં લેવા પડતા હોય છે તો પણ એ નિર્ણયો લેનાર સરકારે કેવું સહન કરવું પડે છે એની કડવી હકીકત પણ જાણવી-સમજવી આવશ્યક છે. માત્ર સરકારની કે રાજકીય નિર્ણયોની ટીકા કરવાથી ચોક્કસ સ્થાપિત હિતો ધરાવતા મીડિયાને યા પંચાતિયાઓને મજા આવતી હશે, પણ એની ગંભીરતા સમજ્યા વિના ટીકા કે વિરોધ દેશના હિતમાં હોતાં નથી એ સમજવાની જવાબદારી પણ સ્વીકારવી જોઈએ. તાજેતરના અમેરિકા-ઈરાન સમયના સંજોગોમાં પણ સરકારના નિર્ણયોની દેશની અંદરનાં સ્થાપિત હિતો દ્વારા ટીકા થઈ છે, જ્યારે વિશ્વએ ભારતને બિરદાવ્યું છે.
પ્રજાનો સહયોગ પણ જરૂરી
ખેર, આ ફિલ્મમાં રિઝર્વ બૅન્કના તત્કાલીન ગવર્નરે એ સમયની ક્રાઇસિસ ઉકેલવામાં કેવી મહત્ત્વની ભૂમિકા ભજવી અને કેવા-કેવા અવરોધોમાંથી પસાર થયા હતા એ જાણવું આજની પેઢી માટે આવશ્યક હોવાથી આ ફિલ્મને એક સોશ્યો-ઇકૉનૉમિક લેસન તરીકે પણ જોવી જોઈએ. ભારત આજની તારીખમાં વિશ્વમાં સૌથી વધુ સોનું ધરાવે છે. રિઝર્વ બૅન્ક નહીં, ભારતીય પ્રજા અને ભારતીય મંદિરો. આ સોનું દેશના કેટલા કામમાં આવી શકે છે એના મહત્ત્વને જાણવું સમયનો તકાજો છે. આ વિષયમાં દેશના હિતમાં મંદિરો અને પ્રજા પણ સહભાગી થઈ શકે છે. હાલ એવી ક્રાઇસિસ ભલે નથી; પણ ભારતના અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા, સોનાનો રચનાત્મક ઉપયોગ થાય એ માટે આ સાથે સોનું ડેડ ઍસેટની જેમ પડી રહે એને બદલે એનું મૉનેટાઇઝેશન થાય, દેશના કામ આવે, સોનાના માલિકો-ધારકોને એના પર નિયમિત વળતર પણ મળતું રહે એ દૃષ્ટિએ પણ વિચારવું જોઈએ. આ વિષયમાં સરકાર વિવિધ પગલાં વિચારી રહી છે જેમાં પ્રજાનો સહયોગ સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
છેલ્લે આ ફિલ્મનો માત્ર એક સંવાદ વાંચીએ :
જ્યારે ગવર્નર ક્રાઇસિસના ઉપાય માટે સરકારને સમજાવવા બેસે છે ત્યારે કહે છે : દેશ બચશે તો સત્તા રહેશે, ખુરસી રહેશે. આ ક્રિટિકલ સંજોગોમાં તો થોડો સમય ખુરસીને બાજુએ મૂકીને દેશ બચાવવાનો વિચાર કરો.
હવે લાગે છે કે ‘ગવર્નર’ જોવી જોઈએ?
