ડિજિટલ યુગમાં પણ હસ્તલેખનનું મહત્ત્વ ઓછું થયું નથી. ગ્રાફોલૉજીમાં લખાણને મગજનું દર્પણ માનવામાં આવે છે અને હસ્તલેખનને માનસિક વ્યાયામ તથા થેરપી તરીકે ઉપયોગી ગણાવવામાં આવે છે.
અનુપમા આનંદપરા
આજના ડિજિટલ યુગમાં હસ્તલેખનની કળા લગભગ મૃતપ્રાય થઈ રહી છે ત્યારે હસ્તલેખનનું વિશ્લેષણ શું કામ? આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં આવી શકે છે. આજે ૯૦ ટકાથી વધુ લોકો હાથથી લખવાને બદલે કીબોર્ડ પર કે વૉઇસ રેકૉર્ડિંગ કરીને સંદેશવ્યવહાર કરે છે. ઇમોજીનો શૉર્ટકર્ટ પણ ઉપલબ્ધ છે. જોકે અભિવ્યક્તિ માટે આ યાંત્રિક ચિહનો પર્યાપ્ત નથી. હૅન્ડરાઇટિંગને બ્રેઇનરાઇટિંગ પણ કહેવાય છે. આપણું લખાણ આપણા મસ્તિષ્કનું દર્પણ છે. તમામ શારીરિક ક્રિયાઓનું સંચાલન કરનાર આપણું મગજ છે અને આપણા હાથના અંગૂઠાના ટેરવામાં મગજનાં કેન્દ્રબિંદુઓ આવેલાં છે. લખવા માટે કે ચિત્રકામ માટે હાથમાં પેન કે બ્રશ પકડીએ છીએ ત્યારે મગજ સૌથી વધુ સક્રિય થાય છે. હાથથી લખેલા પ્રેમસંદેશાનો પ્રભાવ ટાઇપ કરેલા સંદેશા કરતાં વધુ પડે છે, કેમ કે એમાં માનવીય સંવેદનાઓ ભળેલી છે. લખતી વખતે જાગૃત મન અને અર્ધજાગૃત મન બન્નેનો પ્રભાવ અક્ષરો પર પડે છે. એનો અભ્યાસ કરવો એટલે ગ્રાફોલૉજી. આ એક શાસ્ત્ર છે જેના ઉપયોગ વડે લખનારના જીવનમાં તેનું સ્વાસ્થ્ય, સંપત્તિ અને સંબંધો વિશે જાણી શકાય છે.
બીજું એ કે આજે બાળકોમાં અટેન્શન ડેફિસિટ હાઇપરઍક્ટિવિટી ડિસઑર્ડર (ADHD)નું પ્રમાણ વધી રહ્યું છે અર્થાત્ એકાગ્રતાનો અભાવ અને અતિ સક્રિયતા. આવાં બાળકોને દરરોજ ફરજિયાતપણે એક પાનું લખાવવામાં આવે તો ADHDનું પ્રમાણ ઘટી શકે છે. ગર્ભવતી મહિલા જો તાણ, ચિંતા કે ઍન્ગ્ઝાયટીમાં હોય તો આવનાર બાળકના મસ્તિષ્ક પર આડઅસર થાય છે. થેરપી તરીકે સગર્ભા સ્ત્રીઓને દરરોજ ૧૫ મિનિટ હાથથી લખવાની સલાહ આપવામાં આવે છે. દરેક વ્યક્તિ માટે હસ્તલેખન ખૂબ જ મહત્ત્વનો માનસિક વ્યાયામ ગણી શકાય. મેડિટેશન કરવામાં કે બીજી કોઈ માનસિક ક્રિયાઓમાં ધ્યાન લાગતું ન હોય ત્યારે પેપર લઈને મનમાં જે વિચારો આવે એ લખી નાખો. લખ્યા પછી એ કાગળને ફાડી કે બાળી નાખો. ૪૫ દિવસમાં તાણ, ચિંતા, વ્યગ્રતા ગાયબ થઈ જશે. હસ્તલેખન થેરપી અનેક રીતે કારગત નીવડે છે. હસ્તાક્ષર પણ વ્યક્તિના જીવનનો અરીસો છે. વ્યસનમુક્તિમાં પણ એ ઉપયોગી છે. મેં અત્યાર સુધીમાં ૮૫૦૦ કરતાં વધુ હસ્તલેખનનાં સૅમ્પલ સફળતાપૂર્વક ઍનૅલિસિસ કર્યાં છે. સ્કૂલો અને કૉલેજોમાં ગ્રાફોલૉજી આધારિત વર્કશૉપ દ્વારા યુવા પેઢીને તમાકુના જોખમથી સાવધાન કરી છે. ગ્રાફોથેરપી વડે લોકોને પ્રૉબ્લેમ સૉલ્વ કરવાની ટેક્નિક શીખવી છે. ડિજિટલ દુનિયા સાથે જોડાવું એ સમયની ડિમાન્ડ છે, પરંતુ લખવાની આદત ક્યારેય ન છોડો.
-અનુપમા આનંદપરા
