Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કૉન્ગ્રેસના પતનનું કારણ BJP નહીં, આત્મમંથનનો અભાવ છે

કૉન્ગ્રેસના પતનનું કારણ BJP નહીં, આત્મમંથનનો અભાવ છે

Published : 07 October, 2026 01:51 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગાંધી પરિવારના પડછાયામાં પાંગરતી મોદીવિરોધની માનસિકતાએ કૉન્ગ્રેસનું અસ્તિત્વ ઘટાડ્યું છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

PoV

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


આઝાદીની લડાઈમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા મહાત્મા ગાંધીની ઇચ્છા હતી કે સ્વતંત્રતા બાદ કૉન્ગ્રેસને બરખાસ્ત કરી દેવામાં આવે, પરંતુ ગાંધીજી ગયા અને કૉન્ગ્રેસ રહી ગઈ. સાથે-સાથે ગાંધી અટક પણ રાજકારણમાં રહી ગઈ. હવે આ ગાંધી અટક કેવી રીતે રહી ગઈ એ જાણવું રસપ્રદ છે. સત્તાવાર દસ્તાવેજો મુજબ ઇન્દિરા નેહરુના પતિનું મૂળ નામ ફિરોઝ જહાંગીર ઘાંડી (Feroze Jehangir Ghandy) હતું અને તેઓ બૉમ્બેના પારસી હતા. આઝાદીના આંદોલનમાં ગાંધી અટક લોકપ્રિય હોવાથી કદાચ ફિરોઝે ગાંધી અટક અપનાવી લીધી હશે અથવા તો લોકોએ તેમને ‘ઘાંડી’ને બદલે ‘ગાંધી’ કહેવાનું શરૂ કર્યું હશે. કારણ જે પણ હોય, ફિરોઝ સાથેનાં લગ્ન બાદ ઇન્દિરા ‘ગાંધી’ થયાં અને નેહરુયુગ બાદ ભારતનું રાજકારણ આ ગાંધી પરિવારની આસપાસ ફરતું રહ્યું. હવે આ ગાંધી પરિવાર મહાત્મા ગાંધીના વિચારો અને આદર્શો પર કેટલો ચાલે છે એ તો ચર્ચાનો વિષય છે, પરંતુ અનેક રાજ્યોમાં કૉન્ગ્રેસનું વર્ચસ ઘટતું હોવા છતાં પોતાની ભૂલો, જનતાથી વધતું અંતર અને સંગઠનની નબળાઈ વિશે ગાંધી પરિવારમાં કોઈ ગંભીર આત્મમંથન જોવા મળતું નથી.

કૉન્ગ્રેસના પતન માટે મોદી જવાબદાર છે?



કૉન્ગ્રેસની વર્તમાન સ્થિતિ વિશે એક રાજકીય જવાબ તૈયાર જ છે કે કૉન્ગ્રેસના પતન માટે નરેન્દ્ર મોદી અને BJP જવાબદાર છે, પરંતુ રાજકારણમાં સૌથી સરળ દેખાતો જવાબ જ સૌથી અધૂરો જવાબ હોય છે. BJP કૉન્ગ્રેસની કટ્ટર રાજકીય વિરોધી છે અને નરેન્દ્ર મોદી કૉન્ગ્રેસને હરાવવા માટે રાજકારણ કરે એ સ્વાભાવિક છે, પરંતુ હાર પાછળ વિરોધ પક્ષ જેટલો જવાબદાર હોય છે એટલી જ જવાબદારી હારનાર પક્ષની પણ હોય છે. કૉન્ગ્રેસની સમસ્યા BJP નથી, કૉન્ગ્રેસ પોતે છે અને કૉન્ગ્રેસના પતન પાછળનાં અમુક મૂળભૂત કારણો જાણવા જેવાં છે.


ફક્ત ગાંધી પરિવાર પ્રત્યેની નિર્ભરતા

આમ તો કૉન્ગ્રેસ સ્થાપનાથી જ ગાંધી પર નિર્ભર રહી છે, પરંતુ આજના કૉન્ગ્રેસી નેતાઓ ભૂલી ગયા છે કે એ સમયના ગાંધી અને આજના ગાંધી વચ્ચે સરખામણી કરવી પણ નરી મૂર્ખતા છે. કૉન્ગ્રેસમાં રાષ્ટ્રીય સ્તરથી લઈને રાજ્ય, જિલ્લા અને સ્થાનિક સ્તર સુધી બુદ્ધિજીવી, કર્મઠ, અનુભવી અને પ્રતિભાવાન નેતાઓ-કાર્યકર્તાઓની કોઈ અછત નથી. અનેક એવા નેતાઓ છે જેઓ પોતાની ક્ષમતા, જનસંપર્ક અને રાજકીય સમજણના આધારે પક્ષને નવી દિશા આપી શકે છે; પરંતુ આ પ્રતિભાઓમાંથી મોટા ભાગના લોકો ગાંધી પરિવારના નેતૃત્વના વર્તુળમાંથી બહાર આવીને પોતાની સ્વતંત્ર રાજકીય ઓળખ ઊભી કરવાની હિંમત પણ કરતા નથી. પરિણામે પક્ષની અંદરની પ્રતિભા નેતૃત્વમાં પરિવર્તિત નથી થઈ રહી. આ ચમચાગીરીએ જ કૉન્ગ્રેસના સંગઠન, નેતૃત્વ અને ભવિષ્યની સંભાવનાઓને નબળી બનાવી છે.


અસ્વીકૃત થતા નેતાઓને આગેવાની

કૉન્ગ્રેસના પતનનું બીજું મોટું કારણ છે ચૂંટણીમાં વારંવાર પરાજય અપાવતા હોવા છતાં અને પ્રજા દ્વારા વારંવાર અસ્વીકૃત થતા હોવા છતાં એકના એક નેતૃત્વને ફરી-ફરીને આગેવાની સોંપવાની પરંપરા. લોકશાહીમાં હાર-જીત ચાલતી રહે છે, પરંતુ જ્યારે કોઈ નેતા વારંવાર જનતાની કસોટીમાં નિષ્ફળ જાય અને છતાં સંગઠન ફરીથી તેની આસપાસ જ રાજકીય વ્યૂહરચના બનાવે ત્યારે કાર્યકરોમાં નિરાશા અને મતદારોમાં અવિશ્વાસ ઊભો થવો સ્વાભાવિક છે. કૉન્ગ્રેસે સમજવું પડશે કે જનતા જેને સ્વીકારતી નથી તેને વારંવાર આગળ કરવાથી મતદારોનો નિર્ણય બદલાઈ નથી જવાનો. કૉન્ગ્રેસ અત્યારે ભલે લોકશાહી બચાવવાની વાત કરતી હોય, પણ સૌથી પહેલાં તો એને પોતાના પક્ષમાં લોકશાહી સ્થાપવાની જરૂર છે.

લોકોનાં કામ કરવાને બદલે મોદીવિરોધમાં વેડફાતી શક્તિ

સામાન્ય માણસ મોંઘવારી, રોજગાર, શિક્ષણ, આરોગ્ય અને ધંધાની ચિંતામાં છે; પરંતુ મોદીવિરોધમાં ઓતપ્રોત કૉન્ગ્રેસ એવા મુદ્દાઓ પાછળ દોડે છે જેનો સામાન્ય માણસ સાથે સીધો કોઈ સંબંધ નથી. સંસદમાં સરકાર ચર્ચા કરવા તૈયાર છે છતાં કૉન્ગ્રેસ હોબાળો અને નારાબાજી કરતી દેખાય છે. સડક પર પણ કોઈ સરકારવિરોધી આંદોલન થાય એટલે કૉન્ગ્રેસ એમાં જોડાઈ જાય છે. ક્યારેક તો એવું લાગે કે ‘જાનમાં કોઈ જાણે નહીં અને હું વરની ફુઈ!’ આંદોલન કોઈ બીજાએ કર્યું હોય અને કૉન્ગ્રેસ પોતાનું અસ્તિત્વ બતાવવા પહોંચી જાય છે. હકીકતમાં નરેન્દ્ર મોદીનો વિરોધ કરવામાં કૉન્ગ્રેસીઓ જેટલી શક્તિ અને ઊર્જા વાપરે છે એટલી જો લોકોની વચ્ચે જઈને તેમની સમસ્યાઓના ઉકેલ માટે વાપરે તો ઘણો ફરક પડી શકે. યુવાનો, મહિલાઓ, પછાત વર્ગ, ખેડૂતો, મધ્યમ વર્ગ, શિક્ષણ, આરોગ્ય, આર્થિક નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દાઓ પર પોતાની સ્પષ્ટ રણનીતિ જાહેર કરવાને બદલે કૉન્ગ્રેસ અત્યારે માત્ર મોદીવિરોધને કેન્દ્રમાં રાખીને રાજકારણ કરી રહી છે. કૉન્ગ્રેસ એટલી હદે મોદીવિરોધમાં ડૂબી ગઈ છે કે લોકો એને મત નથી આપી રહ્યા એમાં પણ એને મોદીનું જ કારસ્તાન દેખાય છે.

ગાંધી પરિવાર હટશે તો કૉન્ગ્રેસ તૂટી જશે?

કેટલાક બુદ્ધિજીવીઓ કહે છે કે ગાંધી પરિવારને દૂર કરશો તો કૉન્ગ્રેસમાં આંતરિક વિગ્રહ થશે અને પક્ષ નામશેષ થઈ જશે. ચાલો, આ દલીલને થોડા સમય માટે સાચી માની લઈએ, પરંતુ સવાલ એ છે કે હાલમાં કૉન્ગ્રેસ કઈ મજબૂત સ્થિતિમાં છે? અનેક વિસ્તારોમાં પક્ષ પોતાનું રાજકીય અસ્તિત્વ ગુમાવી રહ્યો છે અને સંગઠન પણ અનેક જગ્યાએ નબળું પડ્યું છે. આવી સ્થિતિને જાળવી રાખવાનું નામ સ્થિરતા કેવી રીતે હોઈ શકે? જેમ લાંબી માંદગીથી પીડાવા કરતાં મુક્તિ મળી જાય એ વધુ સારું કહેવાય એમ ક્યારેક તૂટવાના ડર કરતાં મૂળભૂત પરિવર્તનનો નિર્ણય વધુ યોગ્ય કહેવાય. હવે કૉન્ગ્રેસીઓએ જ નક્કી કરવાનું છે કે તેમને પથારીવશ કૉન્ગ્રેસ જોઈએ કે પુનર્જીવિત કૉન્ગ્રેસ? જો સંગઠનમાં જડમૂળથી પરિવર્તન થાય, નવા નેતૃત્વને તક મળે અને નેતાઓ જનતાની વચ્ચે રહીને એમની સમસ્યાઓના ઉકેલ માટે કામ કરે તો કૉન્ગ્રેસના પુનર્જીવનની શક્યતા ઊભી થઈ શકે છે.

અંતિમ વિચાર

રાજકીય પક્ષની તાકાત એની વિચારધારા, મજબૂત સંગઠન, સ્થાનિક નેતૃત્વ, કાર્યકરોની પોતાની ઓળખ અને લોકોના વિશ્વાસમાં હોય છે. જો આ બધાની જગ્યાએ માત્ર એક પરિવાર જ સર્વેસર્વા હોય તો એ સંગઠનની તાકાત નહીં, નબળાઈ છે. કૉન્ગ્રેસ પાસે આજે બે રસ્તા છે : જે રીતે ચાલી રહી છે એ રીતે ચાલતા રહેવું અથવા તો પોતાની સમગ્ર રાજકીય કાર્યપદ્ધતિનું પુનર્મૂલ્યાંકન કરીને મૂળભૂત પરિવર્તન કરવું. પહેલો રસ્તો જીત તો નહીં અપાવે પણ પક્ષને થોડો સમય વધુ ખેંચી લેશે, જ્યારે બીજો જોખમી હોવા છતાં પુનર્જીવનની તક આપી શકે છે. હવે એનો નિર્ણય કૉન્ગ્રેસે જ કરવો પડશે કે ગાંધી પરિવારને બચાવવો છે કે કૉન્ગ્રેસને બચાવવી છે?

Whatsapp-channel Whatsapp-channel

07 October, 2026 01:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK