Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > નીમ કરોલી બાબાને નીમ કરોલી બાબા જ રહેવા દઈશું આપણે?

નીમ કરોલી બાબાને નીમ કરોલી બાબા જ રહેવા દઈશું આપણે?

Published : 10 September, 2026 06:32 PM | Modified : 10 September, 2026 06:33 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલ વ્યાપક ચર્ચાનો વિષય બનેલા નીમ કરોલી બાબા રામ-હનુમાનભક્ત હતા. તેમના ચમત્કારોથી આકર્ષાવા કરતાં ભક્તિનું અનુકરણ થાય એ જ વધુ અને ખરું મહત્ત્વનું છે. અન્યથા આપણે ચંદ્રને બદલે એ ચંદ્ર બતાવતી આંગળીને જોયા કરીશું

નીમ કરોલી બાબા

PoV

નીમ કરોલી બાબા


આ લેખના ટાઇટલથી આશ્ચર્ય થઈ શકે. ‘હનુમાનઅંશ’ ફિલ્મને કારણે આજકાલ નીમ કરોલી બાબા જબરદસ્ત ચર્ચામાં છે. તેઓ હનુમાનભક્ત હતા, ભારતમાં થઈ ગયા, આપણા સમયકાળમાં થઈ ગયા એટલે કે હજી ૫૩ વર્ષ પહેલાં જ (૧૯૭૩માં) તેમના દેહનું અવસાન થયું અર્થાત્ ઘટના તાજી જ કહેવાય. માનો યા ન માનો જેવી કથા નથી. આ ચર્ચા વિવિધ દેશોમાં પણ પહોંચી રહી છે જેનો યશ હાલ તો બાબાના જીવનની ઝલક દર્શાવતી ફિલ્મ ‘હનુમાનઅંશ’ને જાય છે. આ એક ફિલ્મને પરિણામે જેમને દેશના બહુ જ મર્યાદિત (ગણ્યાગાંઠ્યા) લોકો જાણતા હતા, બહુ ઓછા લોકોએ તેમના વિશે સાંભળ્યું કે વાંચ્યું હતું તેમને આજે બહુબધા લોકો જાણતા થયા છે, વાંચતાં-સાંભળતાં થયા છે. વાત અને ચર્ચા વિદેશો સુધી પહોંચી ગઈ છે. હા, સાદી ભાષામાં કહીએ તો નીમ કરોલી બાબા રાતોરાત ભક્તિ અને શ્રદ્ધા(?)ના જગતમાં સેલિબ્રિટી બની ગયા છે, આજના સોશ્યલ મીડિયાના જગતમાં સતત છવાતા ગયા છે. ‘હનુમાનઅંશ’ ફિલ્મ બૉલીવુડની ભાષામાં ૧૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં પહોંચી ગઈ છે. બાય ધ વે, સારી વાત છે. ભગવાન અને ભક્તિનું મહત્ત્વ વિસ્તરી રહ્યું છે. જોકે કરુણતા એ છે કે ભક્તિ કરતાં ચમત્કારોની અસર અને આકર્ષણ વધુ ઊભાં થયાં હોવાનું દેખાય છે અને પ્રતીત થાય છે. આમ પણ જગતને અને સમાજને ચમત્કારો વધુ ખેંચતા હોય છે જેને પછી લોકો શ્રદ્ધાનું, ભક્તિનું અને સમર્પણનું નામ આપી દે છે. યાદ રહે, એક ચમત્કાર એ પણ થાય છે કે ભક્તને ભગવાન બનાવી દેતાં આપણને બહુ સમય લાગતો નથી. આપણે આ બાબાને પણ ભક્ત-સંત બાબા રહેવા દઈશું ખરા?

સેલિબ્રિટીઝ-પ્રચારની કમાલ



કમાલ અને કરુણતા એ છે કે ચોક્કસ ભક્તો અને ચેલાઓની માનસિકતા ધરાવતો વર્ગ, ચોક્કસ માર્કેટિંગ-બ્રૅન્ડિંગના લોકો બાબાના નામે કામે લાગી ગયા છે, કેમ કે આ વિષય હવે ધીમે-ધીમે મોટો બિઝનેસ બનતો જઈ શકે છે. બાબા માટે ઍપલવાળા સ્ટીવ જૉબ્સ ભારત આવ્યા હતા, ફેસબુકવાળા માર્ક ઝકરબર્ગ પણ આવ્યા હતા, ક્રિકેટર વિરાટ કોહલી અને બૉલીવુડની અભિનેત્રી અનુષ્કા શર્મા પણ બાબાથી પ્રભાવિત થઈને તેમના આશ્રમમાં ગયાં હતાં. બાબાના વિદેશી ભક્તોની કેટલીક રિયલ કથાઓ પણ બહાર આવતી ગઈ છે. અમેરિકાના એક પ્રોફેસર અને એક સિંગર પણ કઈ રીતે બાબાના સેવક બન્યા, તેમના જીવનમાં પરિવર્તન આવ્યાં વગેરે કથાઓ સોશ્યલ મીડિયા પર ચાલતી રહે છે. સમાજનો વણલખ્યો નિયમ છે કે પ્રચાર વધે એમ પ્રસાર વધે છે. ચમત્કારો કરતાં એના વિશેની ચર્ચા અનેકગણી વધી જાય ત્યારે એમાં કંઈ પણ ઉમેરાવાની શક્યતા વધી શકે છે.


સમાજની વિચિત્ર માનસિકતા

આપણા સમાજમાં આમ પણ પ્રસિદ્ધિ અને ચમત્કારના આધારે કોઈને ભગવાન બનાવવાની કે માનવાની ટેવ જાણીતી છે. લોકોને ક્યાંક ને ક્યાંક લટકવા માટે, કોઈની પાછળ ચાલવા-અનુસરવા માટે બાબાઓ-ગુરુઓની સતત જરૂર પડે છે. શ્રદ્ધા લિમિટેડ હોય છે, અંધશ્રદ્ધા અનલિમિટેડ બનતી જાય છે. આપણે તો ફિલ્મોના અભિનેતાઓને પણ ભગવાન બનાવતા રહીએ છીએ.


સાંઈબાબાથી પ્રેમાનંદ મહારાજ સુધી

સાંઈબાબા પણ ફકીર હતા. તેઓ પોતાની પાસે પૈસા નહોતા રાખતા. ન કોઈ સંપત્તિ. તેમના રહેવાનાં કોઈ ઠેકાણાં-સ્થળ ચોક્કસ નહોતાં. જોકે આજે તેમનાં ધામો છે, સોનાના મુગટો ચડે છે, પૈસાના દાનનો વરસાદ વરસે છે, દર્શન માટે લાંબી કતારો લાગે છે. તેમના જીવન વિશે બનેલી ફિલ્મો-સિરિયલો પણ જબરદસ્ત સફળ થઈ. સાંઈબાબા પણ ભગવાન તરીકે આજે ઠેર-ઠેર પૂજાય છે. તેમના વિશે અનેક સવાલો અનુત્તર છે, પરંતુ હવે આ વિષય જ શ્રદ્ધાનો બની ગયો છે. સવાલ ઉઠાવે તે વિરોધી અને નાસ્તિક બની જાય.
આજની તારીખમાં વૃંદાવનમાં રહેતા પ્રેમાનંદ મહારાજ પણ ખૂબ વિખ્યાત છે, જેમને જોવા-મળવા-સાંભળવા અનેક લોકો દેશ-વિદેશથી આવતા રહે છે. અનેક સેલિબ્રિટીઝ પણ. હા, દોસ્તો વિરાટ કોહલી અને અનુષ્કાનું નામ પણ આ યાદીમાં છે. સોશ્યલ મીડિયા પર તેમની લાઇવ અને રેકૉર્ડેડ રીલ્સ વિશ્વભરમાં ફરતી રહે છે. આ મહારાજના જીવનમાં ઘણા પ્રસંગો ચમત્કારો જેવા છે. વાસ્તવમાં સાચા સંતો ચમત્કારો કરતા હોતા નથી, તેમના સતને કારણે ચમત્કાર જેવી ઘટનાઓ બની જાય છે. નીમ કરોલી બાબાએ પણ ચમત્કારોના દાવા કર્યા નથી, જે થતું એ તેમના સત-ભક્તિની શક્તિનું પરિણામ હતું. યાદ રહે, હનુમાનજી પોતે રામભક્ત હતા અને પોતાને કાયમ ભક્ત ગણાવતા. ભક્તોએ તેમને ભગવાન બનાવ્યા. નીમ કરોલી બાબા હનુમાનભક્ત હતા. જગતને અધ્યાત્મ, ભક્તિ અને સેવાના-પ્રેમના માર્ગનો સંદેશ આપનારા આ બાબાને સંત-બાબા માનવામાં સાર છે. ભગવાન માનવા લાગીશું તો આપણે અને નવી પેઢી પણ કહેશે કે અરે, તે તો ભગવાન હતા એટલે બધું કરી શકતા, આપણે તો માણસ છીએ.

બાબા શું કહી ગયા છે એ જાણવું-સમજવું જરૂરી

આ લખાણ કે વિચારો પાછળનો ભાવ નીમ કરોલી બાબા સામે શંકા, સવાલ કે વિરોધનો નથી કે તેમના ભક્તોના વિરોધનો પણ નથી. અમારો રસ ભક્તિનો છે અને ભક્તિનો જ હોવો જોઈએ. એટલે જ તેમને સમજવા અમે પણ ‘હનુમાનઅંશ’ ફિલ્મ જોઈ. અમને પણ ગમી, પ્રેરણા મળી. અમે પણ મિત્રોને કહ્યું કે આ ફિલ્મ જરૂર જોજો આ બાબાને અને તેમની ભક્તિને સમજવા, તેમના સત્યને સમજવા. બાબાએ ભક્તિની કોઈ ગૂંચવણભરેલી પદ્ધતિ કે ફિલસૂફી કહી નથી. બાબાએ કહ્યું છે કે પ્રત્યેકને પ્રેમ કરો, દરેક જરૂરતમંદની સેવા કરો, પરમાત્માને કાયમ યાદ કરો અને હંમેશાં સત્ય બોલો. નીમ કરોલી બાબા પણ લોકો પ્રત્યે કરુણા-દયા-સહાય, માનવતાના ભાવ સાથે અધ્યાત્મની દિશામાં આગળ વધવાનું કહેતા. આ જ ખરો તેમના જીવનનો સાર-સંદેશ છે. આપણે એક માનવી તરીકે એ સંદેશ અને સારને સમજીએ, આપણે પણ સાચી ભક્તિ તરફ વળીએ. એ ભક્તિ માટે શું કરવું એનો સાર આ ફિલ્મ અને બાબા વિશેની કથાઓમાંથી મળે છે. આ બાબા આપણા જેવા માણસ હતા, તેમનું બાળપણ હતું, તેમનો પણ સંસાર હતો; પણ તેમનો માર્ગ ભક્તિ અને ઈશ્વર સમર્પણનો હતો. તેમની સાચી ભક્તિ અને શરણ હનુમાનમાં હતાં. આપણાં ભક્તિ અને સાચું શરણ કોનામાં છે? કયા આધારે છે? દરેકમાં ભગવાન વસેલો છે, આપણી ભીતર પણ છે. બાબાને ચમત્કાર માટે નહીં, તેમનાં સત અને ભક્તિ માટે માનવામાં-અનુસરવામાં સાર્થકતા છે.  

-જયેશ ચિતલિયા

Whatsapp-channel Whatsapp-channel

10 September, 2026 06:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK