ધમકી કે બીક સિવાય પણ બાળક તમારી વાત માને એ માટે શું કરવું? આજે સમજીએ
પ્રતીકાત્મક તસવીર
બાળક પાસેથી જલદી કામ કઢાવવા માટે શું તમે પણ આવી ધમકીઓ આપો છો? ‘આમ કરી નાખ, નહીંતર...’થી જ વાત ચાલુ થતી હોય છે? કે પોલીસ આવશે, રાક્ષસ આવશે કે કોઈ કાલ્પનિક કૅરૅક્ટર આવશે એવી બીકથી ઝટપટ કામ કઢાવી લો છો? આ ધમકીઓ બાળકને તાત્પૂરતું તો કહ્યાગરું બનાવી દે છે પણ તેના માનસ પર લાંબા ગાળે માઠી અસર પડે છે. ધમકી કે બીક સિવાય પણ બાળક તમારી વાત માને એ માટે શું કરવું? આજે સમજીએ...
કોઈ દિવસ તમે માથાભારે બાળકોનાં માતા-પિતા જોયાં છે? જે બાળકો કેમેય માતા-પિતાની વાત સાંભળતાં ન હોય એવાં માતા-પિતા પોતાના બાળકને કોઈ ને કોઈ ડર દેખાડીને કામ કઢાવતાં હોય છે. જો જલદી ખાઈ લે, નહીંતર પોલીસઅંકલને બોલાવું છું. નાનકડું બાળક સમજે છે કે કોઈ આવશે અને તેને ઉપાડી જશે. આ પોલીસઅંકલની બીકે તે ફટાફટ જમી લે છે અને મમ્મી ખુશ થઈ જાય છે. રાત્રે બાળક સૂએ નહીં તો ઘણા પેરન્ટ્સ કહે છે કે બાવો આવશે કે કોઈ રાતનો રાક્ષસ આવશે. જે છોકરાઓ સૂઈ નહીં ગયા હોય તેમને પકડીને લઈ જશે. બાળક બિચારું ડરી જાય એટલે સૂઈ જાય. એક ઉંમર સુધી આવા કાલ્પનિક ડર બાળકને માતા-પિતા દેખાડતાં હોય છે. બાળક થોડું મોટું થાય પછી તે આવી કલ્પનાઓથી ડરતું નથી. પછી તેને ધમકી મળવા લાગે છે કે આમ કર નહીંતર વેલણે-વેલણે મારીશ. તેને કોઈ માર પડવાનો નથી હોતો, પણ આવું બોલવાથી કામ નીકળી જતું હોય છે. તું મારી વાત નહીં માને તો તને નવાં કપડાં લેવાં નહીં લઈ જાઉં. કે પછી દાળ-ભાત ખાઈ લે નહીંતર સાંજે પીત્ઝા નહીં ખવડાવું. જો માતા-પિતા પોતાના પર ધ્યાન આપશે તો તેમની દરેક વાતમાં આ ધમકી ઘૂસી ગયેલી હોય છે જેનું મુખ્ય કારણ એ છે કે બાળક પાસેથી કામ કઢાવવું અઘરું છે. જો તમે ઇચ્છતા હો કે તે બધું કામ શાંતિથી અને સમયપર કરી લે તો એ કરાવતાં-કરાવતાં માતા-પિતા થાકીને ઠૂસ થઈ જતાં હોય છે. એટલે તેઓ શૉર્ટ કટ શોધે છે, પણ શું આ શૉર્ટ કટ યોગ્ય છે? એનાથી કદાચ ટૂંકા ગાળાના ફાયદા ઘણા છે, પણ લાંબા ગાળાનું નુકસાન પણ ઘણું વધારે છે. ધમકીઓ કઈ રીતે નુકસાન કરે છે અને જો એ ન વાપરીએ તો એના સિવાયનો ઉપાય શું છે એ સમજીએ.
ADVERTISEMENT
ધમકીઓ બાળક અને માતા-પિતા વચ્ચેના સંવાદમાં મુખ્ય ભાગ બની જતી હોય છે. અર્લી ચાઇલ્ડહુડ અસોસિએશન અને પોદ્દાર એજ્યુકેશન નેટવર્કનાં પ્રેસિડન્ટ અને લેખક ડૉ. સ્વાતિ પોપટ વત્સ કહે છે, ‘આ એક એવી આદત કે પૅટર્ન છે જેમાં ઘણાં માતા-પિતા સપડાઈ જાય છે. સામાન્ય રીતે ભારે થાકને લીધે અથવા બાળકની પાસે તરત જ વાત મનાવવા માટે. જ્યારે બાળક પોતાનાં જૂતાં ન પહેરે ત્યારે ‘અત્યારે જ આ કર નહીંતર હું તને અહીં જ મૂકીને જતો રહીશ’ કહેતાં માતા-પિતા લાચારીમાં આવું બોલી દેતાં હોય છે. જો ભાઈ બહેનને મારવાનું બંધ ન કરે તો ઉપાય સ્વરૂપે ‘જો તું મારવાનું બંધ નહી કરે તો હું તારાં રમકડાં કોઈ બીજાને આપી દઈશ’ જેવી ધમકીઓ જ તેમને એકમાત્ર ઉપાય લાગે છે, પરંતુ આ ઉપાય કાયમી નથી.’
અસર
આવી ધમકીઓ બાળકના મગજ પર ઊંડી અને ચિંતાજનક અસર કરે છે એ વાત સમજાવતાં ડૉ. સ્વાતિ પોપટ વત્સ કહે છે, ‘વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ તો ધમકીઓને લીધે બાળકના મગજનો ભાવનાત્મક હિસ્સો, જેને અમીગ્ડેલા કહેવાય છે એ સક્રિય થઈ જાય છે. એને કારણે ૩ જુદા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. બાળક ડરી જાય છે અથવા લડવા લાગે કે બળવો પોકારે છે કે સ્તબ્ધ થઈ જાય છે. સાઇકોલૉજી માને છે કે કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં માણસ આ ત્રણમાંથી એક રીતે જ રીઍક્શન આપે છે. આ ત્રણેય પ્રકારનાં રીઍક્શનની અસર માનસ પર લાંબો સમય રહે છે. જો એક જ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ તો બાળકની અંદર એક પ્રકારની પૅટર્ન બની જાય છે. એટલે કે વિપરીત પરિસ્થિતિમાં તે વધુ ડરવા લાગે છે એટલે કે ડરપોક બની જાય છે કે તેનો ડર ખતમ થઈ જાય છે કે પછી તે વારંવાર સ્તબ્ધ અવસ્થામાં જતું રહે છે. આ લાંબા ગાળા પછી દેખાતી તકલીફો છે જે હમણાં નહીં સમજાય, પણ પાછળથી સામે આવે છે. ભલે એ ક્ષણે ડરને કારણે બાળક તમારી વાત માની લે, પરંતુ આનાથી મગજનો આગળનો ભાગ જેને પ્રી-ફ્રન્ટલ કોર્ટેક્સ કહે છે એ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે જે કોઈ પણ વસ્તુ શીખવા માટેનું કામ કરે છે, તર્ક કરાવે છે અને સ્વનિયંત્રણ માટે જવાબદાર હોય છે. લાંબા ગાળે આવી ધમકીઓ બાળકમાં ચિંતા અને અણગમો પેદા કરે છે તથા તેમને શીખવે છે કે પોતાની વાત મનાવવા માટે સત્તા અને ડરનો જ ઉપયોગ કરાય છે.’
બાળક જ્યારે ડરીને કે ધમકીઓથી તમારી વાત માને છે ત્યારે તે માત્ર સજાથી કેવી રીતે બચવું એ શીખે છે, જ્યારે પ્રેમભર્યા જોડાણ સાથે અને ઘરમાં પહેલેથી સ્થાપિત નિયમોનું માન રાખીને તમે બાળક પાસેથી કંઈ કામ કરાવો છો તો એના દ્વારા બાળક સેલ્ફ-ડિસિપ્લિન શીખે છે.
ધમકીને બદલે આવી હેલ્ધી અને ઇફેક્ટિવ પદ્ધતિઓ અપનાવો : ડૉ. સ્વાતિ પોપટ વત્સ
૧. ખોટી ધમકીઓ આપવાને બદલે પરિણામો સ્પષ્ટ જણાવો
ધમકીઓ મોટા ભાગે અવાસ્તવિક હોય છે જેને પૂરી કરવી શક્ય નથી હોતી. જેમ કે પાર્કમાં તોફાન કરતા બાળકને શાંત કરવા માટે આપણે હવે આ પાર્કમાં ક્યારેય નહીં આવીએ એવી ધમકી આપો ત્યારે બાળક આ વાત તરત જ સમજી જાય છે જેનાથી તમારા પ્રત્યેનો તેનો વિશ્વાસ ઘટે છે. એને બદલે સીધી વાત કરી શકાય. જેમ કે ઘરમાં તેના પથારા પડ્યા હોય ત્યારે ‘જો તું અત્યારે ને અત્યારે તારા બ્લૉક્સ નહીં સમેટે તો હું એને કચરાપેટીમાં ફેંકી દઈશ!’ એવી ધમકી આપવાને બદલે એમ કહી શકાય કે ‘આપણે આ રમકડાં સરખાં મૂકવા પડશે, જેથી કોઈનો પગ ન પડે અને વાગે નહીં. આ સમેટાઈ જાય પછી આપણી પાસે તારી મનપસંદ વાર્તા વાંચવાનો સમય પણ રહેશે.’
૨. મર્યાદિત વિકલ્પો આપો
ધમકીઓથી બાળક લાચારી અનુભવે છે, જેના કારણે તે સામો જવાબ આપે છે અથવા ગુસ્સો વ્યક્ત કરે છે. બે યોગ્ય વિકલ્પો આપવાથી તેમને પોતાની મરજી ચાલતી હોવાનો અહેસાસ થાય છે અને તેમની સ્વતંત્ર થવાની ઇચ્છા સંતોષાય છે. એની સાથે માતા-પિતાનો હેતુ પણ પૂરો થાય છે. જેમ કે બહાર જવાનું હોય ત્યારે તેને જેમ તૈયાર થવું હોય એમ જ તે થાય અને તમારી વાત ન માને ત્યારે ‘જૅકેટ પહેરી લે નહીંતર ઘરે જ રહેજે!’ની ધમકી આપવાને બદલે તમે તેને કહી શકો કે ‘બહાર ઠંડી છે એટલે જૅકેટ પહેરવું જરૂરી છે. તું જાતે પહેરીશ કે હું તને ચેઇન બંધ કરવામાં મદદ કરું?’ આવું કહેશો ત્યારે બાળકને થશે કે તેને મદદની જરૂર નથી એટલે જૅકેટ હું જાતે પહેરી શકું છું એવું બતાવવા માટે પણ તે પહેલો ઑપ્શન પસંદ કરશે. આ રીતે તમારું કામ સરળ થઈ જશે અને બાળક પણ ખુશ રહેશે.
૩. તમારા વાક્યમાં ‘જ્યારે/ત્યારે’નો ઉપયોગ કરો
યોગ્ય વર્તન શીખવવા માટે આ એક સરળ અને અત્યંત અસરકારક પદ્ધતિ છે. આ પદ્ધતિ પૂરા કરવાના કામને અને એના પછી મળતા પરિણામને સ્પષ્ટ રીતે અલગ કરે છે, જેથી વાતમાંથી ગુસ્સો અને તાણ દૂર થઈ જાય છે. જેમ કે ‘જો તું હોમવર્ક પૂરું નહીં કરે તો સ્ક્રીન-ટાઇમ (મોબાઇલ/ટીવી) નહીં મળે!’ એવું કહેવું ધમકી ભરેલું છે. આ પ્રકારની ધમકી બાળકો પર કામ કરતી જ નથી, કારણ કે એમાં કોઈ મોટિવેશન જ નથી, ડર છે. એને બદલે તમે જ્યારે અને ત્યારે વાપરો તો એની અસરકારકતા વધી જાય છે. ‘જ્યારે તારું લેસન પૂરું થઈને દફતરમાં મુકાઈ જશે ત્યારે તું ૨૦ મિનિટ સ્ક્રીન/ટીવી જોઈ શકીશ.’ અહીં તમે બાળકને ટાસ્ક આપો છો અને એનું પરિણામ શું હશે એ સ્પષ્ટ કહો છો એટલે તે હોમવર્ક કરવા માટે પ્રેરિત થશે.
૪. બાળકને માલિક બનીને ઑર્ડર ન કરો, તેની સાથે એક સુંદર કનેક્શન કેળવો
ઘણી વાર બાળક ગુસ્સો કરે છે કે સૂચનાઓ ગણકારતું નથી ત્યારે એનું કારણ એ હોય છે કે તે માનસિક રીતે થાકેલું હોય છે અથવા તમારી સાથે કનેક્શનનો અભાવ અનુભવે છે. ઓરડાના બીજા છેડે ઊભા રહીને બૂમ પાડવી બાળકને તેના પર અટૅક થતો હોય એના જેવું લાગે છે. બાળકને સૂચના આપતાં પહેલાં તમારી શારીરિક સ્થિતિ બદલો. એટલે કે બાળકની આંખમાં આંખ પરોવીને બોલો. તેના ખભા પર પ્રેમથી હાથ રાખો. પહેલાં તેની લાગણી સ્વીકારો. હું સમજુ છું કે અત્યારે વિડિયો ગેમ બંધ કરવી અઘરી છે કારણ કે એમાં બહુ મજા આવે છે, પણ હવે જમવાનો સમય થઈ ગયો છે એટલે પહેલાં જમી લઈએ?’ કોઈ પણ વ્યક્તિ પાસે, પછી તે બાળક હોય કે વયસ્ક, જો કનેક્શન હશે તો તે આપોઆપ સમજશે કે તમે શું કહેવા માગો છો અને જો તેની ઇચ્છા નહીં હોય તો પણ તે વાત માનવા તૈયાર થઈ જશે.
૫. ચોક્કસ અને નિયમિત દિનચર્યા પર ધ્યાન આપો
બાળકો નિયમિતતામાં વધુ સુરક્ષિતતા અનુભવે છે એટલે કે જે થતું આવ્યું છે એ જ થવાનું હોય તો એ કરવાની તેમને આદત હોય છે એટલે તે આદત અનુસાર વર્તે છે. ઘરમાં જ્યારે નિયમો સ્પષ્ટ ન હોય ત્યારે માતા-પિતાએ વાત મનાવવા માટે ગુસ્સો અને ધમકીઓનો સહારો લેવો પડે છે. જ્યારે દિનચર્યા જેમ કે સવારે ઊઠવાનો કે રાત્રે સૂવાનો સમય કે પછી જમવાનો સમય નિશ્ચિત હોય છે ત્યારે એ દિનચર્યા પોતે જ માર્ગદર્શક બની જાય છે એટલે માતા-પિતાએ મગજ પરનો કાબૂ ગુમાવવો પડતો નથી. અહીં એ ધ્યાન રાખો કે દરરોજનાં કામ કરવાની પૅટર્ન તમારી નિશ્ચિત હશે તો બાળક એ આજે નહીં તો કાલે સ્વીકારી જ લેશે. જો એ પૅટર્ન નિશ્ચિત નથી તો બાળકને દરેક નાની-નાની વાત માટે તમારે સતત ખિજાવું પડશે કે આજીજી કર્યા કરવી પડશે.
