Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઍસ્ટ્રોનૉમી અને ઍસ્ટ્રોફિઝિક્સ ક્ષેત્રે ચમક્યો મુંબઈનો સિતારો

ઍસ્ટ્રોનૉમી અને ઍસ્ટ્રોફિઝિક્સ ક્ષેત્રે ચમક્યો મુંબઈનો સિતારો

Published : 13 July, 2026 07:28 AM | Modified : 13 July, 2026 07:30 AM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

જર્મનીમાં આયોજિત IAAC 2026ના ફાઇનલ રાઉન્ડમાં યુવા કૅટેગરીમાં દાદરમાં રહેતા જૈસલ શાહને ગોલ્ડ આ‍ૅનર પ્રાપ્ત થયું છે. બાળપણની જિજ્ઞાસાથી શરૂ થયેલી સફરે તેને વિશ્વમાં નંબર વન પર પહોંચાડી દીધો

જૈસલ શાહ

મુંબઈકરની ડાયરી

જૈસલ શાહ


મુંબઈની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા ૧૬ વર્ષના જૈસલ શાહે વધુ એક નોંધપાત્ર સિદ્ધિ પોતાના નામે કરી છે. તાજેતરમાં જર્મની દ્વારા આયોજિત ઇન્ટરનૅશનલ ઍસ્ટ્રોનૉમી ઍન્ડ ઍસ્ટ્રોફિઝિક્સ કૉમ્પિટિશન (IAAC) 2026ના ફાઇનલ રાઉન્ડમાં યુવા કૅટેગરી (ગ્રેડ ૧૧થી ગ્રેડ ૧૩)માં તેને ગોલ્ડ ઑનર મળ્યું છે અને તે વિશ્વમાં નંબર વન પર પહોંચી ગયો છે. બ્રહ્માંડનાં રહસ્યોને સમજવાની જિજ્ઞાસાએ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ અપાવી છે. નાની ઉંમરથી જ વિવિધ સ્પર્ધાઓ અને સંશોધન-આધારિત પ્રવૃત્તિઓમાં સફળતા મેળવનારા જૈસલની ઉપલબ્ધિઓની યાદી સતત લાંબી થઈ રહી છે.

ઍસ્ટ્રોનૉમી અને ઍસ્ટ્રોફિઝિક્સ ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ બદલ ગોલ્ડ ઑનર પ્રાપ્ત કરનાર જૈસલે જણાવ્યું હતું કે ‘જર્મની દ્વારા આયોજિત આ સ્પર્ધા ઑનલાઇન થઈ હતી. મને IAAC 2026માં યુવા શ્રેણીમાં ગોલ્ડ ઑનર મળ્યો છે. આ સ્પર્ધામાં વિશ્વભરમાંથી ૨૦૦થી વધુ સ્કૂલના ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. એમાંથી ટોચના એક ટકામાં મને સ્થાન મળ્યું છે. સ્પર્ધામાં કુલ ૩ રાઉન્ડ હતા : ક્વૉલિફિકેશન રાઉન્ડ, પ્રી-ફાઇનલ અને ફાઇનલ રાઉન્ડ. ૩૦ જૂને આયોજિત ફાઇનલ રાઉન્ડમાં ઍસ્ટ્રોનૉમી અને ઍસ્ટ્રોફિઝિક્સને લગતા જટિલ પ્રશ્નોને ઉકેલીને ૩૫ પૉઇન્ટના સ્કોર સાથે હું નંબર વન પર આવી ગયો હતો. સ્પર્ધાનું પરિણામ ૬ જુલાઈએ આવ્યું હતું. આ શૈક્ષણિક વિજ્ઞાનસ્પર્ધા છે જે તમામ દેશોના વિદ્યાર્થીઓને ઍસ્ટ્રોનૉમી અને ઍસ્ટ્રોફિઝિક્સમાં તેમની કુશળતા ચકાસવા માટે સક્ષમ બનાવે છે. ફિઝિક્સ ટીચર મુરલી એસ.ના સતત માર્ગદર્શનથી હું આ લેવલ સુધી પહોંચી શક્યો છું. તેમણે મારી જિજ્ઞાસાને અને ક્ષમતાને ઓળખીને આગળ વધવાની પ્રેરણા આપી. ગયા વર્ષે IAAC 2025માં મને સિલ્વર મળ્યો હતો. આ વર્ષે આયોજિત અન્ય સ્પર્ધામાં પણ મારો પર્ફોર્મન્સ સારો રહ્યો. ગયા મહિને આંતરરાષ્ટ્રીય રસાયણશાસ્ત્ર સ્પર્ધા 2026માં સિલ્વર ઑનર મળ્યો હતો અને આંતરરાષ્ટ્રીય યુવા મૅથ્સ ચૅલેન્જ 2026માં વિશ્વભરના ૨૫,૦૦૦ સ્પર્ધકો વચ્ચે સિલ્વર ઑનર પણ મળ્યો હતો.’



યંગ અચીવર
જૈસલ હાલમાં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ઇન્ટરનૅશનલ બૅક્લૉરીઅટ ડિપ્લોમા પ્રોગ્રામ (IBDP)ના ગ્રેડ ૧૧માં અભ્યાસ કરે છે. આ વૈશ્વિક સ્તરે માન્યતાપ્રાપ્ત બે વર્ષનો પ્રી-યુનિવર્સિટી શૈક્ષણિક અભ્યાસક્રમ છે જે ૧૬થી ૧૯ વર્ષની વયના વિદ્યાર્થીઓ માટે છે. ઇન્ટરનૅશનલ બૅક્લૉરીઅટ (IB)ની સ્થાપના ૧૯૬૮માં સ્વિટ્ઝરલૅન્ડના જિનીવામાં થઈ હતી. જૈસલ NSEમાં લિસ્ટેડ કંપની ક્રેસ્ટ વેન્ચર્સ અને નૉર્થસ્ટાર ક્વૉન્ટમાં ફાઇનૅન્સ ઍનલિસ્ટ તરીકે ઇન્ટર્નશિપ કરી રહ્યો છે. પહેલી જુલાઈથી ૪ જુલાઈ દરમ્યાન પવઈ ખાતે યંગ CEO પ્રોગ્રામ બૂટકૅમ્પ માટે કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજના ૧૪ વિદ્યાર્થીઓમાં જૈસલની પસંદગી કરવામાં આવી હતી. તારલાઓ, ગ્રહો અને આકાશગંગાઓ પ્રત્યેના રસને કારણે શરૂ થયેલી સફર આજે અનેક યુવાનો માટે પ્રેરણારૂપ બની છે. 


જૈસલ ચેસખેલાડી પણ છે. ચેસની રમતમાં દરેક ચાલ ગણતરીપૂર્વક ચાલવાની હોય છે. કૅલ્ક્યુલેશન સારું હોવાથી ગણિત-આધારિત દરેક સ્પર્ધામાં તેને રસ પડે છે. અત્યાર સુધીમાં બસોથી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેસ ટુર્નામેન્ટમાં તેણે ભાગ લીધો છે. ૨૦૧૭માં તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળ્યો હતો. ૧૩ વર્ષની ઉંમરે જૈસલે સિડનહૅમ કૉલેજ ઑફ મૅનેજમેન્ટ સ્ટડીઝના માસ્ટર ઑફ બિઝનેસ ઍડ્‍મિનિસ્ટ્રેશન (MBA)ના વિદ્યાર્થીઓ સામે TEDx ટૉક-શોમાં ભાગ લીધો હતો. ઍસ્ટ્રોનૉમી અને ઍસ્ટ્રોફિઝિક્સમાં તેની માસ્ટરી છે એ પણ હવે તેણે પુરવાર કરી બતાવ્યું છે.  


Whatsapp-channel Whatsapp-channel

13 July, 2026 07:30 AM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK