Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જોઈએ છે રામ મંદિરના સંચાલન માટે CEO

જોઈએ છે રામ મંદિરના સંચાલન માટે CEO

Published : 13 July, 2026 09:54 AM | IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩ વર્ષ સુધી અયોધ્યામાં રહેવું ફરજિયાત, ઉમેદવાર હિન્દુ હોવો જોઈએ અને વહીવટી અથવા નાણાકીય ક્ષેત્રમાં ૨૦ વર્ષનો અનુભવ જરૂરી, ઉમેદવારો ૧૮ જુલાઈ સુધી અરજી કરી શકશે

અયોધ્યા રામ મંદિર

અયોધ્યા રામ મંદિર


અયોધ્યાના રામ મંદિરમાં દાનચોરી બાદ ભગવાન શ્રી રામલલાના મંદિરની વહીવટી વ્યવસ્થામાં કરવામાં આવેલા ફેરફારો અંતર્ગત હવે મંદિર માટે ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO)ની નિમણૂક કરવામાં આવશે અને એના માટે અરજીઓ મગાવવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના CEOની પસંદગી માટે હાઈ લેવલ કમિટી બનાવવામાં આવી છે. કમિટીએ શનિવારે દિલ્હીમાં એક બેઠકમાં CEOની પદ માટે જરૂરી લાયકાત અને જરૂરી શૈક્ષણિક પૃષ્ઠભૂમિની જાહેરાત કરી હતી. રામ મંદિરના CEO બનવા માટે અરજી કરવાની અંતિમ તારીખ ૧૮ જુલાઈ નક્કી કરવામાં આવી છે.

CEO બનવા માટેની યોગ્યતા



રામ મંદિરના CEO બનવું એ સરળ કાર્ય નથી. આ પદ લાખો સનાતની ભક્તોને સીધા જોડે છે એટલે એમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ સ્વીકાર્ય નથી. CEOની જવાબદારીમાં મંદિરની સુરક્ષા, વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન (VIP) મૂવમેન્ટ અને મોટા નાણાકીય બજેટનું સંચાલન સામેલ છે. તેથી કમિટીએ ખૂબ જ કડક માપદંડ નક્કી કર્યા છે.
હિન્દુ હોવું ફરજિયાત : આ પદ માટે પહેલી અને સૌથી મહત્ત્વપૂર્ણ શરત એ છે કે અરજદાર હિન્દુ હોવો જોઈએ.
શૈક્ષણિક લાયકાત : ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછી ગ્રૅજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે.
૨૦ વર્ષનો વહીવટી/નાણાકીય અનુભવ : અરજદાર પાસે વહીવટી અથવા નાણાકીય ક્ષેત્રમાં ઓછામાં ઓછો ૨૦ વર્ષનો લાંબો અને બેદાગ અનુભવ હોવો જોઈએ. નિવૃત્ત ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS), ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અથવા ટોચના કૉર્પોરેટ અધિકારીઓ આ શ્રેણીમાં ફિટ થઈ શકે છે.
મંદિર વ્યવસ્થાપનનો અનુભવ: ઉમેદવાર પાસે મોટાં મંદિરોનું સંચાલન કરવાનો વ્યવહારુ અનુભવ હોવો જોઈએ જેથી તે તહેવારો અને ખાસ પ્રસંગો દરમ્યાન અયોધ્યામાં આવતા લાખો ભક્તોની વિશાળ ભીડને કાર્યક્ષમ અને સુગમ રીતે સંચાલિત કરી શકે.


CEOનો કાર્યકાળ ૩ વર્ષનો, અયોધ્યામાં રહેવું જરૂરી
કમિટીએ સ્પષ્ટતા કરી છે કે આ નિમણૂક ફક્ત ૩ વર્ષના કાર્યકાળ માટે હશે. ભવિષ્યમાં કામગીરીના આધારે આ કાર્યકાળ લંબાવવામાં આવી શકે છે. વધુમાં પસંદગી પ્રક્રિયા પૂરી થયા પછી નિયુક્ત કરાયેલા CEOને અયોધ્યામાં કાયમી નિવાસ કરવાની જરૂર પડશે જેથી તેઓ ૨૪ કલાક મંદિરની પ્રવૃત્તિઓનું સીધું નિરીક્ષણ કરી શકે.
કામનો ભાર ઘટાડવા અને તેમને મદદ કરવા માટે CEOને બીજો એક ખાસ વિશેષાધિકાર આપવામાં આવ્યો છે. રામ મંદિરના નવનિયુક્ત CEO તેમને મદદ કરવા અને વહીવટી કાર્યોને સરળ બનાવવા માટે એક સેક્રેટરીની નિમણૂક કરી શકશે.

દિલ્હીમાં જાહેરમાં સુંદરકાંડ પાઠ કરીને અરવિંદ કેજરીવાલે દોષીઓને કડક સજા આપવાની માગણી કરતું સહી અભિયાન આરંભ્યું


રામ મંદિરમાં થયેલી દાનચોરીના મામલે આમ આદમી પાર્ટી (AAP)ના ફાઉન્ડર અરવિંદ કેજરીવાલે ગઈ કાલે દિલ્હીના રોહિણી વિસ્તારમાં આવેલા જપાની પાર્કમાં સુંદરકાંડના પાઠનો કાર્યક્રમ યોજ્યો હતો. આ પાઠ પછી તેમણે દાનચોરીના મામલે કેન્દ્ર સરકાર અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર તીખા હુમલા કર્યા હતા. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ‘આ અભિયાન હનુમાનજીના આશીર્વાદથી શરૂ કરવામાં આવ્યું છે. હું વધુ ને વધુ રામભક્તોને અપીલ કરું છું કે તેઓ વડા પ્રધાનને લખેલા પત્રમાં સહી કરીને અભિયાનમાં ભાગ લે અને ભગવાનના ધામમાં ચોરી કરનારા લોકો સામે સખત કાર્યવાહીની ડિમાન્ડ કરે.’

ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિલ્હીના અધ્યક્ષ હર્ષ મલ્હોત્રાએ કહ્યું હતું કે ‘કેજરીવાલ નૌટંકીબાજ હિન્દુ છે, રાજનીતિક હિન્દુ. જ્યારે પરેશાનીમાં આવે છે ત્યારે તેમને રામ યાદ આવે છે. ૨૦૨૪માં પણ તેમણે કહ્યું હતું કે દર મહિનાના પહેલા મંગળવારે સુંદરકાંડ પાઠ કરીશું, પણ એવું કંઈ થયું નહોતું. હવે પંજાબ સહિત અન્ય રાજ્યોની ચૂંટણીમાં હિન્દુ મતદાતાઓનું ધ્યાન ખેંચવા આ નૌટંકી શરૂ થઈ છે.’ 

Whatsapp-channel Whatsapp-channel

13 July, 2026 09:54 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK