હમણાં-હમણાં એક નવી હવા ફેલાઈ રહી હોય તેમ લાગે છે. લોકોની વાંચનભૂખ વધી રહી છે. પુસ્તકમેળાઓમાં ગુજરાતી પુસ્તકોનું વેચાણ પણ વધી રહ્યું છે. સુશિક્ષિત અને શ્રીમંતો પણ પુસ્તકો ખરીદતા થયા છે.
પ્રતીકાત્મક તસવીર
એમ કહેવાય છે કે પુસ્તકો વિશ્વ પર નજર કરવાની, દુનિયાને જોવાની બારી છે. લેખક જે લખે છે એ વાચકો માત્ર રસપૂર્વક જ નહીં, વિશ્વાસપૂર્વક વાંચે છે. લેખનમાં લેખકનું વ્યક્તિત્વ, તેનું માનસ, સંસ્કાર, તેના રસનાં કેન્દ્રો અભિવ્યક્ત થતાં હોય છે. સાહિત્ય દ્વારા, માનવજીવનધનની ઘણી રહસ્યમય વાતો પણ જાણવા મળે છે અને સાથે-સાથે માનવમનના મર્મ પણ જાણવા મળે છે. સર્જકની મનોસૃષ્ટિમાં ડોકિયું કરવા પણ મળે છે.
વાચકો લેખકના અનુભવો અને અભિપ્રાયો સાથે પોતાના અનુભવો અને અભિપ્રાયો સરખાવતા રહે છે અને જ્યાં એનો તાળો મળતો લાગે એટલે કે પોતાના અનુભવોની એરણ પર લેખકનું લખાણ બંધબેસતું લાગે ત્યારે વાચક આનંદવિભોર થઈ જતો હોય છે. પોતાના જ મનની વાત લેખકે જાણે સાહિત્યિક રીતે રજૂ કરી છે એમ તેને લાગે છે. વાચક ત્યારે લેખક સાથે તાદાત્મ્ય અનુભવે છે, લેખક તેને પોતાના લાગે છે.
ADVERTISEMENT
લેખક માટે વાચક આરાધ્ય દેવ છે. આખરે લેખક-સર્જક કે સાહિત્યકાર કોના માટે લખે છે? તે સ્વાન્ત: સુખાય લખે છે એ વાત પણ સાચી, પરંતુ તે (લેખક) લખીને પોતાનું લખાણ ટેબલના ખાનામાં મૂકી રાખતો નથી, તે એને પ્રકાશિત કરવા સામયિક કે દૈનિક કે પુસ્તક-પ્રકાશકને મોકલે છે.
લખાણ પછી તે નવલકથા, વાર્તા કે કવિતા હોય, લેખ હોય; સાહિત્યનું ગમે તે સ્વરૂપ હોય, એ સર્વ એક વાર પ્રકાશિત થયા પછી એ સાર્વજનિક બની જાય છે. એ લખાણને માણવાનો વાચકને અધિકાર છે તો એની ટીકા કરવાનો-આલોચના કરવાનો પણ તેનો અધિકાર છે.
હમણાં-હમણાં એક નવી હવા ફેલાઈ રહી હોય તેમ લાગે છે. લોકોની વાંચનભૂખ વધી રહી છે. પુસ્તકમેળાઓમાં ગુજરાતી પુસ્તકોનું વેચાણ પણ વધી રહ્યું છે. સુશિક્ષિત અને શ્રીમંતો પણ પુસ્તકો ખરીદતા થયા છે. પણ નવી હવા એ છે કે નવલકથાઓ કરતાં ગંભીર વિષયોનાં પુસ્તકોનું વેચાણ વધારે દેખાય છે. જાણીતા લેખકો અશ્વિની ભટ્ટ, હરકિસન મહેતા, કનૈયાલાલ મુનશી, વર્ષા અડાલજા, ઇલા આરબ મહેતા, ઝવેરચંદ મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, ધૂમકેતુ, રમણલાલ વ. દેસાઈ, ધ્રુવ ભટ્ટ, સોનલ પરીખ, આશુ પટેલ, કાજલ ઓઝા વૈદ્યની નવલકથાઓ તો આજે પણ બેસ્ટસેલર છે જ; પણ નવલકથા કરતાં ધર્મ, તત્ત્વજ્ઞાન, આત્મકથા, જીવનચરિત્રો, આરોગ્ય, હાસ્ય, જ્યોતિષ, પ્રવાસ, સ્વવિકાસનાં પુસ્તકોનું વેચાણ વધી રહ્યું છે.
નવલકથાનાં પુસ્તકો પ્રત્યે તિરસ્કૃત વલણ ધરાવે છે.
નવલકથા એ જ એક એવા પ્રકારનું સાહિત્ય છે જે વાચકને પોતાના દેશવાસીઓના અંતરમાં ડોકિયું કરાવી શકે છે. નવલકથાકાર તેમના મનમાં શું ચાલી રહ્યું છે એની સમજ આપે છે અને તેમના હૈયાની લાગણીઓ સાથે મુલાકાત પણ કરાવી શકે છે. સાહિત્યનો બીજો કોઈ પણ પ્રકાર આ કાર્ય અડધું પણ કરી શકે એમ નથી. ચલચિત્રો, ટીવી-સિરિયલો, નાટકો કંઈક અંશે કરી શકે છે પરંતુ આ માધ્યમોએ જે બંધનો સ્વીકારવાં પડે છે એ નવલકથાને નડતાં નથી. રોજેરોજ દુનિયાની અનેક ભાષાઓમાં અસંખ્ય નવલકથાઓ અને વાર્તાઓનાં પુસ્તકો પ્રકાશિત થાય છે એ હકીકત સાબિત કરે છે કે નવલકથા અને વાર્તા એક જીવંત સાહિત્ય પ્રકાર છે. વાચક જ્યારે પુસ્તક વાંચે છે ત્યારે એની સાથે એકરૂપ થઈ તેનું મન એક અનોખો આનંદ અનુભવે છે. પુસ્તક માણસને એકલા રહેતાં અને એકલા જીવતાં શીખવે છે.
પુસ્તકનો વાચક પોતાની કલ્પના મુજબનાં ચિત્રો ઊભાં કરી શકે છે. પુસ્તક વિવિધ સ્તરના વાચકને વિવિધ રીતે આનંદથી તરબોળ કરી શકે છે. સારું પુસ્તક જીવનમાંથી અંધકારને દૂર કરી શકે છે.
આપણે મનોરંજન માટે ગમે તેટલો મોટો ખર્ચ કરતાં અચકાતા નથી, હોટેલનું બિલ કેટલું મોટું આવે એની ચિંતા કરતા નથી; પણ જ્યારે પુસ્તકો ખરીદવાની વાત આવે ત્યારે પુસ્તકો મોંઘાં છે, હવે તો વાંચવાનો સમય જ ક્યાં છે? પણ તમે જીવનમાં અગ્રતા કે મહત્ત્વ કઈ વાતને આપો છો, કોને પ્રાયોરિટી આપો છો એના ઉપરથી તમારી પરિપક્વતા, તમારી વિચારશક્તિ, બુદ્ધિશક્તિ, તમારા સંસ્કાર વગેરેનું માપ નીકળે છે.
ખરો પુસ્તકપ્રેમી સારી રીતે એ વાત જાણતો હોય છે કે મોબાઇલમાં ઈ-બુક અને કિન્ડલ આવ્યા પછી પણ છાપેલા પુસ્તકનો કોઈ જ વિકલ્પ નથી. અને તેથી જ પુસ્તકમેળાઓમાં પુસ્તકોનું વેચાણ વધી રહ્યું છે.
