Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મહિલા બાઇક-રાઇડર્સ સામે પરિવાર, પૅશન અને સુરક્ષા વચ્ચેની કશમકશ

મહિલા બાઇક-રાઇડર્સ સામે પરિવાર, પૅશન અને સુરક્ષા વચ્ચેની કશમકશ

Published : 16 August, 2026 05:39 PM | Modified : 16 August, 2026 06:59 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

છત્તીસગઢના નૅશનલ હાઇવે પર થયેલા બાઇકર રિદ્ધિ ઠક્કરના જીવલેણ અકસ્માતે જ્યારે આખી બાઇકિંગ કમ્યુનિટીને જોરદાર આંચકો આપ્યો છે

મહિલા બાઇક-રાઇડર્સ સામે પરિવાર, પૅશન અને સુરક્ષા વચ્ચેની કશમકશ

મહિલા બાઇક-રાઇડર્સ સામે પરિવાર, પૅશન અને સુરક્ષા વચ્ચેની કશમકશ


અત્યારે આખા દેશમાં, ખાસ કરીને મહિલા બાઇકર્સમાં ચાલતી ગ્રુપ-રાઇડ્સના સેફ્ટી-પ્રોટોકૉલ, ઑર્ગેનાઇઝર્સની અકાઉન્ટેબિલિટી તેમ જ પૅશન અને ગાંડપણ વચ્ચેની પાતળી રેખા જેવા મુદ્દાઓ પર સોશ્યલ મીડિયામાં ડિબેટ શરૂ થઈ છે. એક તરફ બાઇક લઈને લાંબી ટૂર પર નીકળતી મહિલા રાઇડર્સને આકાશ આંબવાની સ્વતંત્રતાનો અહેસાસ કરવો છે તો બીજી બાજુ પરિવારની મહિલા સભ્યની સુરક્ષાને લઈને પરિવારજનોના મનમાં રહેલો ફફડાટ છે

મુંબઈની ૨૪ વર્ષની સાહસિક બાઇકર, પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ તથા ટ્રેઇનર અને કન્ટેન્ટ ક્રીએટર રિદ્ધિ ઠક્કરના છત્તીસગઢના નૅશનલ હાઇવે પર થયેલા જીવલેણ અકસ્માતે આખી બાઇકિંગ કમ્યુનિટીમાં ગ્રુપ-રાઇડિંગના સેફ્ટી પ્રોટોકૉલ, ઑર્ગેનાઇઝર્સની જવાબદારી અને મહિલા રાઇડર્સ સમક્ષ ઊભા થતા પડકારો વિશે ડિબેટ છેડી દીધી છે. ટૂ-વ્હીલરનું હૅન્ડલ પકડીને દેશના ખૂણેખૂણા એક્સપ્લોર કરવા નીકળતી મહિલાઓ માટે આ માત્ર એક શોખ નથી, પરિવાર અને સમાજની જવાબદારીઓ વચ્ચે પોતાનું અસ્તિત્વ શોધીને પૅશનને જીવવાનું એક માધ્યમ છે ત્યારે આવી દર્દનાક ઘટનાઓ તેમના અને તેમના પરિવારજનોનું મનોબળ તોડવાનું કામ કરી શકે છે. ખરેખર મહિલા બાઇકર્સ રોડ પર નીકળે ત્યારે કેવી સ્થિતિમાંથી પસાર થાય છે, ગ્રુપ બાઇક-રાઇડમાં કેવી ભૂલો ટાળવી જોઈએ અને પોતે જ પોતાની સુરક્ષા માટે લક્ષ્મણરેખા ક્યાં બનાવવી જોઈએ જેવા ઘણા સવાલોના જવાબ આજે અનુભવી મહિલા બાઇકર્સ, ડ્રાઇવિંગ ટ્રેઇનર્સ અને તેમના પરિવારજનો સાથેની ખાસ વાતચીતમાંથી મેળવીએ.



ગ્રાઉન્ડ રિયલિટી


છેલ્લાં ૮ વર્ષથી મહિલાઓ માટે ટૂ-વ્હીલરનું ટ્રેઇનિંગ સેન્ટર અને બાઇક-રાઇડિંગની ગ્રુપ-ટૂર યોજતી ‘વિમેન ઑન વ્હીલ્સ’ નામની વિમેન રાઇડર્સની કમ્યુનિટીનાં ફાઉન્ડર અમૃતા માને કહે છે, ‘મહિલાઓમાં ટૂ-વ્હીલર શીખવાનો ક્રેઝ વધ્યો છે. મને પોતાને બાઇકિંગનો ક્રેઝ હતો અને એમાંથી જ આ સંસ્થાની શરૂઆત થઈ. આજે વધુ ને વધુ મહિલાઓ બાઇકિંગ તરફ વળી રહી છે કારણ કે ક્યાંક ને ક્યાંક બાઇકિંગ એ મેલ ડૉમિનેટેડ ડોમેન હતું અને મહિલાઓનું એમાં હોવું એ લગભગ અસંભવ ગણાતું. જોકે તેઓ ખૂબ જ સારી રાઇડર છે અને એમાં તેમને એક જુદા જ પ્રકારની ફ્રીડમનો અનુભવ થતો હોય છે. અમારી પાસે એન્ટ્રી-લેવલની સ્કૂટીથી લઈને રૉયલ એન્ફીલ્ડ જેવી ભારે બાઇકની ટ્રેઇનિંગ માટે છોકરીઓ આવે છે. ૧૦ દિવસના કોર્સમાં દરરોજ એક કલાક માત્ર ગલીઓમાં જ નહીં; ટર્નિંગ, સિગ્નલ, સ્પીડ બ્રેકર્સ અને રોડ-રાઇડિંગનો અનુભવ આપીએ છીએ. હું મારા અનુભવ પરથી કહીશ કે મહિલા રાઇડર્સ પુરુષો કરતાં વધુ સેફ ચલાવે છે, કારણ કે તેમને ખબર છે કે ઘરમાં તેમની કોઈ રાહ જુએ છે.’
મહિલાઓ માટે ઘરની બહાર નીકળીને બાઇક-રાઇડિંગમાં જવું આસાન નથી હોતું. ઘરની જવાબદારીમાંથી પરિવારને સમજાવીને બાઇકિંગ માટે બહાર નીકળવું એ મોટા ભાગની મહિલાઓ સામેનો પહેલો જંગ છે. મુંબઈમાં ‘વિમેન ઑન વ્હીલ્સ’ની જ બ્રાન્ચ ધરાવતાં અમૃતા માને કહે છે, ‘અમારી પાસે એવી મહિલા ટ્રેઇનર આવે છે જે ઘરેથી સાડી પહેરીને નીકળી હોય અને અહીં આવીને અમારો બાઇક-રાઇડિંગનો ટ્રેઇનરનો યુનિફૉર્મ છે એ પહેરે. કેટલીયે મહિલાઓ શીખવા માટે આવી હોય ત્યારે તેમના ફોટો અને વિડિયો અમે લીધા હોય એને સોશ્યલ મીડિયા પર મૂકવાની તેઓ ના પાડે કારણ કે ઘરે કોઈને ખબર નથી હોતી. બાઇકિંગના પૅશનને ફૉલો કરવાનું મહિલાઓ માટે અઘરું છે અને એવામાં જો કોઈ સ્ત્રી બહાર નીકળી હોય ત્યારે તેની સુરક્ષા મહત્ત્વની છે. એ દૃષ્ટિએ આવા અકસ્માતો અન્ય મહિલાઓના પરિવારોનું મૉરલ તોડી નાખતા હોય છે.’

ગ્રુપ-ટૂરના સેફ્ટી-પ્રોટોકૉલ


અત્યાર સુધી મહિલાઓની બાઇક-રાઇડના કોઈ સરકારમાન્ય નિયમો નથી બન્યા. બધા પોતપોતાના ધોરણે ગ્રુપ-ટૂર કાઢીને સોશ્યલ મીડિયાના માધ્યમથી મહિલાઓનાં ગ્રુપ બનાવીને નીકળી પડતા હોય છે, પરંતુ ગ્રુપ-ટૂરનું આયોજન કરનારા લીડરની જવાબદારી હોય કે સેફ્ટી-પ્રોટોકૉલનું પૂરતું પાલન થાય. આ સંદર્ભે દેશ-વિદેશમાં બાઇક-રાઇડિંગ કરી ચૂકેલાં અને પોતે પણ મહિલાઓની રાઇડિંગ ટૂર યોજતાં બાઇકર મૌશમી કાપડિયા કહે છે, ‘જ્યારે પણ આવા અકસ્માત બને છે ત્યારે ગમે એવો અનુભવી રાઇડર હોય, તેને થોડોક ડર તો લાગી જ જાય છે. જોકે નિયમોનું પાલન થાય તો આવા અકસ્માતની સંભાવનાઓને ઓછી જરૂર કરી શકાય. જેમ કે અમારી ગ્રુપ-ટૂરના નિયમો છે જેને અનિવાર્યપણે પાળીએ છીએ. જેમ કે ગ્રુપ-રાઇડમાં ઑર્ગેનાઇઝિંગ ટીમમાંથી સૌથી આગળ એક જણ અને સૌથી પાછળ એક જણ અને વચ્ચે બીજા બધા એ રીતે આગળ વધવાનું હોય છે. દરેક રાઇડરે પોતાના રેઅર-વ્યુ મિરરમાં પાછળનો રાઇડર દેખાય છે કે નહીં એ જોતા રહેવું પડે. દરેક રાઇડરે કમ્પલ્સરી સેફ્ટી-ગિઅર્સ પહેરવાં જ પડે. એમાં હોતા હૈ ચલતા હૈનો ઍટિટ્યુડ બિલકુલ ન ચાલે. જો પાછળ વાહનો દેખાતાં બંધ થાય તો આગળવાળાએ તરત જ રોકાઈ જવું જોઈએ. જો અલગ-અલગ જ ચલાવવું હોય તો ગ્રુપ-રાઇડ કરવી જ ન જોઈએ. બૅકઅપ વૅન, મેકૅનિક અને મેડિકલ અસિસ્ટન્ટ હોવાં જ જોઈએ. ઘણા ઑર્ગેનાઇઝર્સ પૈસા બચાવવાના ચક્કરમાં આ વ્યવસ્થા અવૉઇડ કરે છે અને સેફ્ટી સાથે બાંધછોડ કરી બેસે છે. આખા રૂટમાં અકસ્માત થાય તો નજીકની ફુલ્લી ઇક્વિપ્ડ હૉસ્પિટલ ક્યાં-ક્યાં છે એનું આગોતરું આયોજન હોવું જોઈએ. બાઇક-રાઇડિંગમાં ગમે એવા ખરાબમાં ખરાબ બનાવ માટે માનસિક રીતે તૈયાર રહીને તમારે પૂર્વતૈયારી રાખવી જ પડે. જે વાતો સાંભળવામાં આવી રહી છે એમાં તો એવું જ લાગે છે કે રિદ્ધિના કિસ્સામાં ઑર્ગેનાઇઝર માનવતાના ધોરણે સાવ નિષ્ફળ ગયા છે. જસ્ટ ઇમેજિન કે અકસ્માત થાય અને આખું ગ્રુપ આગળ વધી જાય એ અત્યંત અમાનવીય છે. ગ્રુપ-રાઇડનો મતલબ જ રાઇડિંગ ટુગેધર છે. યાદ રહે કે સોલો રાઇડ પર રાઇડરની પોતાની જવાબદારી છે, પણ ઑર્ગેનાઇઝ્ડ ટ્રિપ પર ઑર્ગેનાઇઝરની ઓનરશિપ હોવી જોઈએ. અત્યારે કોઈ રેગ્યુલેટરી બૉડી નથી એટલે અકસ્માત થાય ત્યારે લોકો હાથ ઉપર કરી દે છે જે ખરેખર ડરામણી બાબત છે.’

ઇન્ફ્લુઅન્સર કલ્ચર

આજકાલ સોશ્યલ મીડિયાના રીલકલ્ચરથી પ્રેરાઈને ઘણી યુવતીઓ ઓછા અનુભવ પછી પણ લાંબી ટૂર માટે નીકળી પડે છે. અમૃતા માને કહે છે, ‘ઘણી બ્રૅન્ડ્સ માત્ર સોશ્યલ મીડિયાના ફૉલોઅર્સ અને વ્યુઝના આધારે મહિલા બાઇકર્સને સ્પૉન્સર કરે અને તેઓ રિસ્ક જોયા વિના રાઇડ પર નીકળી પડે છે. આ ઍટિટ્યુડ બદલવો જોઈએ. બાઇક-રાઇડિંગ એક સિરિયસ સ્પોર્ટ છે. લાઇમલાઇટમાં આવવા માટે કે માત્ર રીલ્સ બનાવીને સોશ્યલ મીડિયા પર લાઇક્સ મેળવવા માટે ડિફિકલ્ટ રાઇડ લઈ લેવી એમાં જીવનું જોખમ છે. અમે અમારી પાસે ટ્રેઇન થતી મહિલાઓને શરૂઆતમાં માત્ર ૭૦ કિલોમીટરની રેન્જમાં જ ગ્રુપ-રાઇડ પર લઈ જઈએ છીએ, કારણ કે તમારી પાસે ખરો અનુભવ અને કૉન્ફિડન્સ હોય ત્યારે જ તમે ઘાટ પર રાઇડ કરો એ ઉચિત છે.’
આ જ વાતને આગળ વધારતાં મૌશમી કહે છે, ‘બીજું, તમારે પૅશન અને પાગલપન વચ્ચેની લાઇન હંમેશાં મેઇન્ટેઇન કરવી જોઈએ. હાઇવે પર સ્ટન્ટ કરવા, નાઇટ-રાઇડમાં ઓવર-સ્પીડિંગ કરવું કે રેવિંગ કરવું એ પાગલપન છે, એને પૅશન જીવવું ન કહેવાય.’

જેન્ડર-બાયસ

બાઇક-રાઇડિંગમાં જેન્ડર-બાયસનો પણ બહુ મોટા પાયે મહિલાઓ અનુભવ કરતી હોય છે. રિદ્ધિના અકસ્માતમાં પણ સોશ્યલ મીડિયા પર ઘણા લોકોએ તે મહિલા હતી એટલે અકસ્માત થયો એમ કહીને તેની આવડતને અણદેખી કરી નાખી હતી. અમૃતા કહે છે, ‘આ આપણા સમાજની બીમાર માનસિકતાનું જ પરિણામ છે કે પુરુષોના ગ્રુપમાં અકસ્માત થાય તો એને સામાન્ય ગણાવીને આગળ વધી જવાય છે, પણ જ્યારે મહિલા રાઇડર સાથે ઘટના બને ત્યારે સમાજ અને ન્યુઝ-મીડિયા તરત જેન્ડર-બાયસ્ડ થઈ જાય છે. લોકોને છોકરીઓથી બાઇક ન સચવાય જેવી કમેન્ટ્સ બહુ જ સામાન્ય લાગતી હોય છે. મોટરસાઇકલ કમ્યુનિટીમાં આજે પણ મહિલાઓને પુરુષો સમકક્ષ સ્વીકારવામાં ભેદભાવ થાય છે. ઘણા કેસમાં મહિલા બાઇકર જોઈને તેને ખોટી રીતે હૅરૅસ પણ કરવામાં આવે છે. હજી પણ કેટલાક પુરુષો એ સ્વીકારી નથી શક્યા કે મહિલાઓ પણ સારી રીતે લૉન્ગ રૂટ પર હેવી કહી શકાય એવી બાઇક ચલાવી શકે છે.’ 

નજર સામે ફ્રેન્ડનો અકસ્માત થયો પણ રાઇડ ન અટકી

અંધેરીમાં રહેતાં મેઘા શાહે ૪૩ વર્ષની ઉંમરે બાઇકિંગ શરૂ કર્યું હતું. ૨૧ અને ૧૭ વર્ષના બે દીકરાઓનાં મમ્મી મેઘા માટે બાઇકિંગ માત્ર શોખ નથી, કૉલેજકાળથી પરિવારના સપોર્ટ વગર અને ગુજરાતી કૌટુંબિક બૅકગ્રાઉન્ડનાં અનેક રિસ્ટ્રિક્શન્સ સામે લડીને શરૂ કરેલું એક પૅશન છે જે તેમના માટે મેડિટેશન અને મેડિસિન સમાન કામ કરે છે. મેઘા કહે છે, ‘મારા માટે બાઇકિંગ એ રીચાર્જ થવાની પ્રોસેસ છે. ગુજરાતી ફૅમિલીમાંથી આવતી છોકરીઓ માટે બાઇકિંગની શરૂઆત જ ઘરેથી મોટા સંઘર્ષ સાથે થાય છે, પરંતુ એ સંઘર્ષ પણ મીઠો લાગતો હોય છે. મારા ઘરમાં પણ મારાં મમ્મી-પપ્પાથી લઈને બધા જ શરૂઆતમાં મારી બાઇકિંગ ટૂર્સથી બહુ ડરતાં, પણ હવે તેમને મારા પર વિશ્વાસ બેસી ગયો છે. હા, મારી બાઇકિંગ ટૂર દરમ્યાન પણ અકસ્માતો થયા છે પણ એણે મારું મોરાલ તોડ્યું નથી. ગયા વર્ષે હું મારી ફ્રેન્ડ સાથે ૧૨ દિવસની રામેશ્વરમની ટૂર પર ગઈ હતી. અમે મૈસૂર પહોંચ્યા હોઈશું ત્યાં તેનો અકસ્માત થયો. બધો જ સામાન અમારી બાઇક પર હતો. નસીબથી ત્યારે અમને લોકલ લેવલ પર ખૂબબધી હેલ્પ મળી ગઈ. ફ્રેન્ડનો હસબન્ડ બૅન્ગલોર હતો તે આવી ગયો અને મારો એક કઝિન પણ આવી ગયો એટલે તેને હૉસ્પિટલાઇઝ કરીને મેં ટૂર મારા ભાઈ સાથે કન્ટિન્યુ કરી હતી. આવા પ્રસંગોમાં જો સારી રીતે મૅનેજ્ડ ગ્રુપ-ટૂર હોય તો વધુ સારું પડતું હોય છે. ગ્રુપ-રાઇડિંગમાં સ્પીડ-પ્રોટોકૉલ્સ, સર્ટિફાઇડ લીડ-ટેઇલ (પહેલો અને છેલ્લો બાઇકર), બ્લુટૂથ સાથે એકબીજાથી જોડાયેલા રાઇડર્સ, યોગ્ય નંબરિંગ વગેરે હોવું અનિવાર્ય છે જેથી કોઈ રાઇડર મિસ થાય તો આખો કાફલો સ્લો થઈ જાય. મૈસૂરના અકસ્માત અને અગાઉ તવાંગ કે નેપાલ જેવાં લોકેશન્સ પર થયેલા અનુભવો બાદ હું હવે બહુ મોટાં ગ્રુપ્સને બદલે ૫-૬ બાઇકર્સના નાના સેફ ગ્રુપમાં જ રાઇડ કરવાનું પ્રિફર કરું છું.’
મહિલા રાઇડર તરીકે ભોગવવી પડતી તકલીફોનું વર્ણન કરતાં મેઘા કહે છે, ‘છેલ્લાં ૩ વર્ષના રાઇડિંગ-અનુભવમાં મેં જોયું છે કે હાઇવે પર મહિલા રાઇડર્સ માટે સ્થિતિ ઘણી વાર બહુ કઠિન બની જાય છે. બાઇક પર ક્રૉસ કરીને જાણીજોઈને ટીઝ કરવું, સ્પીડિંગ કરવું કે ગાડી અડાડી દેવી જેવા કડવા અનુભવો થયા છે. રામેશ્વરમમાં તો બે ગાડીઓની વચ્ચે મારી બાઇક લિટરલી અટવાઈ ગઈ હતી અને બૂટ ઘસાઈ ગયાં હતાં જેને કારણે સુરક્ષા માટે અમારે પેપર સ્પ્રે પણ સાથે રાખવો પડે છે.’
બીજી તરફ તેમનાં સાસુ ભારતી શાહ પોતાના દિલનો ડર વ્યક્ત કરતાં કહે છે, ‘મેઘા જ્યારે પણ રાઇડ પર જાય ત્યારે તે સહીસલામત પાછી ન આવે ત્યાં સુધી ઘરમાં સતત ટેન્શન રહે 
છે. મારા દીકરાને પણ બાઇકનો શોખ છે એટલે રોકવાનો તો હવે સવાલ જ નથી. બેશક, શરૂઆતમાં હું બન્નેને રોકતી, પણ પછી સમજાયું કે બાળકોની ઇચ્છા અને પૅશનને રોકી ન શકાય. પછી એક વાતથી મન મનાવી લીધું જે હકીકત પણ છે કે નસીબમાં જે હશે એ જ થવાનું છે. જો કંઈક અઘટિત ઘટવાનું હોય તો ક્યાંય પણ ઘટી શકે. બસ, એટલું કહેતી હોઉં છું કે બરાબર ધ્યાન રાખજે અને સતત સંપર્કમાં રહેજે. હમણાં બૅકમાં દુખતું હતું ત્યારે મેં કહ્યું કે બેટા, હવે બ્રેક લઈ લે અને આરામ કર.’

મમ્મીને પાછળ બેસાડીને એકલા જ હજારો કિલોમીટરની ટૂર કરી ચૂકી છે આ યંગ ગર્લ

અંધેરીની ૩૧ વર્ષની મંડાલા આર્ટિસ્ટ કિંજલ મહેતા છેલ્લાં ૧૦ વર્ષથી બાઇકિંગ કરે છે અને મુખ્યત્વે સ્પિરિચ્યુઅલ ટૂર્સ તેનું ફોકસ હોય છે. તેણે પોતાની બાઇક પર મમ્મીને પાછળ બેસાડીને બે વાર ૧૨ જ્યોતિર્લિંગની અને ચારધામની રાઇડ પૂરી કરી છે. મથુરા, કચ્છ, ગોવા જેવાં સ્થળોએ કિંજલ તેની મમ્મી સાથે બાઇક-રાઇડની ટૂર કરી ચૂકી છે. કિંજલ કહે છે, ‘મેં પહેલી લાંબા ડિસ્ટન્સની ટૂર ગ્રુપમાં કરી હતી, પણ મારો ગ્રુપ-રાઇડિંગનો અનુભવ ખૂબ ખરાબ રહ્યો છે. ગ્રુપમાં લોકો રૅશ ડ્રાઇવિંગ કરે કે ઇન્ડિકેટર આપ્યા વગર લેન ચેન્જ કરે કે તમને એકલા મૂકીને આગળ નીકળી જાય જેવું બન્યું એટલે મેં વિચાર્યું કે હવે હું સોલો જ ટ્રાવેલ કરીશ. હું માનું છું કે જ્યાં સુધી તમે ગ્રુપના બધા જ સભ્યોને પર્સનલી ન ઓળખતા હો ત્યાં સુધી ગ્રુપમાં જવાનું અવૉઇડ કરો.’
પોતાની સાથે થતા-થતા રહી ગયેલા એક ગંભીર અકસ્માતને યાદ કરતાં કિંજલ કહે છે, ‘અમે ઉત્તરાખંડમાં ધારીદેવીથી આગળ જઈ રહ્યાં હતાં ત્યારે મારી બાઇક અને એક ટ્રક વચ્ચે અકસ્માત થઈ જાત, જો એક સેકન્ડની પણ ચૂક થઈ હોત. અમે સીધા ખાઈમાં પડ્યાં હોત. એ સમયે અંદરથી ખૂબ ડર લાગ્યો હતો. મને લાગે છે કે હું ટ્રાફિકના બધા જ નિયમોનું પાલન કરું છું એ જ મારા અત્યાર સુધીના સેફ બાઇક-રાઇડિંગનું સીક્રેટ છે. રેઅર-વ્યુ મિરરનો સતત ઉપયોગ કરવો અને યોગ્ય સ્પીડ-લિમિટ જાળવવી જેવી બાબતો મહત્ત્વની છે. એમાં પણ જ્યારે પાછળ મમ્મી બેઠી હોય ત્યારે તેને સિક્યૉર અને સેફ રાખવી એ મારી પહેલી પ્રાયોરિટી હોય છે.’

 

Whatsapp-channel Whatsapp-channel

16 August, 2026 06:59 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK