મહિલા સશક્તીકરણ ફક્ત એક સામાજિક ખ્યાલ નથી, એ એક પ્રગતિશીલ સમાજનો પાયો છે. દરેક સ્ત્રીને પોતાના નિર્ણયો લેવાની સ્વતંત્રતા, આત્મવિશ્વાસ, શિક્ષણ અને ગૌરવ સાથે જીવવાની તકો મળવી જોઈએ.
બીના શાહ
મહિલા સશક્તીકરણ ફક્ત એક સામાજિક ખ્યાલ નથી, એ એક પ્રગતિશીલ સમાજનો પાયો છે. દરેક સ્ત્રીને પોતાના નિર્ણયો લેવાની સ્વતંત્રતા, આત્મવિશ્વાસ, શિક્ષણ અને ગૌરવ સાથે જીવવાની તકો મળવી જોઈએ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં મહિલાઓએ શિક્ષણ, વ્યવસાય, વિજ્ઞાન, રાજકારણ, રમતગમત અને આરોગ્યસંભાળ જેવા દરેક ક્ષેત્રમાં અભૂતપૂર્વ અને નોંધપાત્ર યોગદાન આપ્યું છે. રૂઢિચુસ્ત વિચારોની દીવાલો તોડીને તેમણે સાબિત કરી દીધું છે કે પ્રતિભા, દૃઢ સંકલ્પ અને ક્ષમતાને કોઈ જેન્ડર હોતું નથી. સફળ વ્યવસાયોનું નેતૃત્વ કરવાથી લઈને રાષ્ટ્રની સેવા કરવા અને ભાવિ પેઢીઓને પ્રેરણા આપવા સુધી મહિલાઓ તેમની શક્તિ અને ક્ષમતાઓ બતાવી રહી છે.
આટલી પ્રગતિ છતાં વાસ્તવિકતા એ છે કે આજે પણ અસંખ્ય મહિલાઓ લિંગ ભેદભાવ, અસમાન તકો, આર્થિક પરાવલંબન અને સામાજિક દબાણનો સામનો કરી રહી છે. કેટલાય સમાજમાં દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અને સપનાં પૂરાં કરવાની આઝાદીથી વંચિત રાખવામાં આવે છે. આ પડકારો આપણને યાદ અપાવે છે કે સાચું સશક્તીકરણ શબ્દોથી નહીં, નક્કર કાર્યોથી જ આવશે.
સમાજમાં રોટી, કપડાં અને મકાન જેવી પ્રાથમિક જરૂરિયાતો અને શિક્ષણસહાય પૂરી પાડતી અસંખ્ય સંસ્થાઓ કાર્યરત છે અને એમનું યોગદાન પ્રશંસનીય છે. જોકે આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગના લોકોના જીવનમાં ખુશી, હાસ્ય અને ઉત્સાહ લાવવાનો તદ્દન અનોખો પ્રયોગ ‘સ્માઇલી સોલ્સ ફાઉન્ડેશન’ દ્વારા થઈ રહ્યો છે. અનાથ બાળકો, વૃદ્ધાશ્રમના વડીલો, સ્લમ વિસ્તારના લોકો અને ટ્રાન્સજેન્ડર્સને પિકનિક, મૂવીઝ, મ્યુઝિકલ શો અને તહેવારોની સામૂહિક ઉજવણીના માધ્યમથી અમે તેમના ચહેરા પર સ્મિત આવે એવો પ્રયાસ કરીએ છીએ. જોકે અમારો હેતુ માત્ર મનોરંજન પૂરતો સીમિત નથી પણ ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અને વંચિત મહિલાઓ માટે કૌશલ્ય વિકાસ વર્કશૉપ ચલાવીને તેમને આત્મનિર્ભર બનાવવાનો પણ છે.
ADVERTISEMENT
સ્ત્રીને સક્ષમ બનાવવા માટે શિક્ષણ સૌથી વધુ શક્તિશાળી સાધન છે. શિક્ષિત સ્ત્રી માત્ર પોતાના જીવનના યોગ્ય નિર્ણયો લેવા સક્ષમ જ નથી બનતી, તે આર્થિક રીતે સ્વનિર્ભર બનીને પરિવાર અને પ્રગતિશીલ સમાજમાં પોતાની ભાગીદારી પણ નોંધાવે છે. આર્થિક સ્વતંત્રતા સ્ત્રીને પોતાના પગ પર ઊભા રહેવાનો આત્મવિશ્વાસ આપે છે, જેનાથી ઘર અને કાર્યસ્થળ બન્ને જગ્યાએ તેની ગરિમા જળવાય છે. મહિલા સશક્તીકરણ સ્ત્રી-પુરુષ વચ્ચેની સ્પર્ધા નથી, એક પ્રગતિશીલ સમાજનો મજબૂત પાયો છે. ચાલો, આપણે સૌ મળીને સ્ત્રીની કિંમત તેના ઘરકામના રોલથી આંકવાની જૂની માનસિકતા બદલીને તેની ક્ષમતા, સિદ્ધિઓ તથા વ્યક્તિત્વને સન્માન આપીએ.
