તેણે કહ્યું કે તે ઑગસ્ટમાં આના પર કામ શરૂ કરશે અને એ ફિલ્મોની આખી સિરીઝ હશે
આમિર ખાન
આમિર ખાનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ લોકોને પસંદ પડી રહી છે ત્યારે આમિરે હવે તેના આગામી પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધું છે. આમિરનો આ પ્રોજેક્ટ એક ફિલ્મ નહીં પણ ‘મહાભારત’ પર આધારિત ફિલ્મોની સિરીઝ હશે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં આમિરે આ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આમિરને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે શું તે ‘મહાભારત’ પર ફિલ્મ બનાવવાનો છે ત્યારે જવાબ આપતાં આમિરે કહ્યું કે ‘હું ઑગસ્ટ મહિનામાં આના પર કામ શરૂ કરી રહ્યો છું. આ ફિલ્મોની સિરીઝ હશે જે એક પછી એક આવશે, કારણ કે ‘મહાભારત’નું કથાનક એટલું વિશાળ છે કે એને એક ફિલ્મમાં સમાવી શકાય નહીં. આ બહુ રિસ્કી પ્રોજેક્ટ છે, પણ આ એક એવી વાર્તા છે જે મારા લોહીમાં છે. મારે આ વાર્તા કહેવી જ પડશે. એથી હું આના પર કામ શરૂ કરી રહ્યો છું.’ આમિર ખાનને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે આ ફિલ્મમાં અર્જુન કે કૃષ્ણની ભૂમિકા ભજવશે તો તેણે સ્પષ્ટ જવાબ આપ્યો કે ‘ના, હું ફિલ્મમાં કોઈ જાણીતા ચહેરાને લેવાનું વિચારી રહ્યો નથી. મારા માટે પાત્રો જ સ્ટાર્સ છે. મને આ ફિલ્મ માટે અજાણ્યા ચહેરાઓ જોઈએ છે. મારું પ્લાનિંગ છે કે આ ફિલ્મના તમામ કલાકારો નવોદિત હોય.’

