Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું એવાં લગ્ન નથી ઇચ્છતો જેમાં પતિ મર્દાનગી અનુભવી શકે એ માટે પત્નીએ કામ છોડવું પડે : અભિષેક બચ્ચન

હું એવાં લગ્ન નથી ઇચ્છતો જેમાં પતિ મર્દાનગી અનુભવી શકે એ માટે પત્નીએ કામ છોડવું પડે : અભિષેક બચ્ચન

Published : 11 April, 2026 04:05 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની જોડીમાં પત્ની ઐશ્વર્યા વધારે સફળ અને ફેમસ છે. આ બન્નેએ લગ્ન કર્યાં ત્યારે ઐશ્વર્યા વધુ મોટી સ્ટાર હતી, પણ આ વાતની બન્નેનાં લગ્નજીવન પર ક્યારેય અસર નથી થઈ. હાલમાં અભિષેકે પોતાના લગ્નજીવનનાં સમીકરણો વિશે વાત કરી છે

હું એવાં લગ્ન નથી ઇચ્છતો જેમાં પતિ મર્દાનગી અનુભવી શકે એ માટે પત્નીએ કામ છોડવું પડે : અભિષેક બચ્ચન

હું એવાં લગ્ન નથી ઇચ્છતો જેમાં પતિ મર્દાનગી અનુભવી શકે એ માટે પત્નીએ કામ છોડવું પડે : અભિષેક બચ્ચન


અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની જોડીમાં પત્ની ઐશ્વર્યા વધારે સફળ અને ફેમસ છે. આ બન્નેએ લગ્ન કર્યાં ત્યારે ઐશ્વર્યા વધુ મોટી સ્ટાર હતી, પણ આ વાતની બન્નેનાં લગ્નજીવન પર ક્યારેય અસર નથી થઈ. હાલમાં અભિષેકે પોતાના લગ્નજીવનનાં સમીકરણો વિશે વાત કરી છે. 
અભિષેકનું કહેવું છે કે તેનો ઉછેર જ એવી રીતે નથી થયો જેથી તે સફળ પત્નીની હાજરીથી કોઈ પ્રકારની અસુરક્ષા અનુભવે. માતા-પિતાનું ઉદાહરણ આપતાં અભિષેકે કહ્યું કે જ્યારે જયા અને અમિતાભ બચ્ચને લગ્ન કર્યાં હતાં ત્યારે મારી મમ્મી વધુ મોટી સ્ટાર હતી, એથી આ કોઈ નવી કે અજાણી વાત નથી.
ઐશ્વર્યા સાથેના પોતાના સંબંધો વિશે વાત કરતાં અભિષેકે કહ્યું કે ‘મારા ઉછેરમાં ક્યારેય આવું શીખવવામાં આવ્યું નથી કે પુરુષે હંમેશાં પ્રભુત્વમાં રહેવું જોઈએ. સંબંધ એક પાર્ટનરશિપ છે. હું ઐશ્વર્યાને મારી કરીઅરની શરૂઆતથી ઓળખું છું અને મારી બીજી જ ફિલ્મમાં મેં ઐશ્વર્યા સાથે કામ કર્યું હતું. અમે એ સમયે સારાં મિત્રો હતાં. અમે જ્યારે લગ્ન કર્યાં ત્યારે એવું નહોતું કે એક કમાશે અને બીજું ઘર સંભાળશે. આ બધું સ્વાભાવિક રીતે બને છે અને એમાં અહંકારની કોઈ જગ્યા નથી. હું એવો માણસ નથી જે માનતો હોય કે સંબંધમાં કોઈ એક જીતે એ માટે બીજાએ હારવું પડે. હું એવો સંબંધ અથવા લગ્ન નથી ઇચ્છતો જેમાં પત્નીને પોતાનું કામ છોડવું પડે જેથી પતિ પોતાની ‘મર્દાનગી’ અનુભવી શકે. સદ્ભાગ્યે મારી પત્ની પણ આવી વિચારધારા રાખતી નથી અને અમે બન્ને સમાનતા સાથે જીવન જીવવાનું પસંદ કરીએ છીએ.’

અમે જેવું વર્તન કરીશું એવું જ દીકરી આરાધ્યા શીખશે



પેરન્ટિંગ વિશે વાત કરતાં અભિષેક બચ્ચને કહ્યું કે, આ મામલે મારા અને ઐશ્વર્યા વચ્ચે કોઈ પૂર્વનિર્ધારિત ભૂમિકા નથી


અભિષેક બચ્ચન પોતાની પર્સનલ લાઇફ વિશે ભાગ્યે જ વાત કરે છે. જોકે હાલમાં એક ઇન્ટરવ્યુમાં તેણે પેરન્ટિંગ વિશે વાત કરીને જણાવ્યું કે હું અને ઐશ્વર્યા મળીને અમારી દીકરી આરાધ્યાની સંભાળ રાખીએ છીએ.
આરાધ્યાના ઉછેર માટેના અભિગમની વાત કરતાં અભિષેકે કહ્યું હતું કે ‘પેરન્ટિંગ મામલે મારા અને ઐશ્વર્યા વચ્ચે કોઈ પૂર્વનિર્ધારિત ભૂમિકા નથી. માત્ર પુરુષ હોવાના કારણે એ જરૂરી નથી કે હું જ આરાધ્યાને આત્મરક્ષા શીખવીશ, ઐશ્વર્યા પણ એટલી જ સક્ષમ છે અને તે પણ આ કામ કરી શકે છે. અમારા ઘરમાં માતા-પિતા તરીકે અમે બન્ને આરાધ્યાને સીધું સાચું-ખોટું શીખવવા કરતાં તેના માટે એક આદર્શ ઉદાહરણ બનવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારો વિશ્વાસ છે કે અમે જેવું વર્તન કરીશું એવું જ વર્તન આરાધ્યા શીખશે.’
બાળઉછેરનાં મૂલ્યો વિશે વાત કરતાં અભિષેકે કહ્યું કે ‘જીવનમાં પોતાનાં મૂલ્યો અને નૈતિકતા સાથે સારું અને જવાબદાર જીવન જીવવું સૌથી મહત્ત્વપૂર્ણ છે. બાળક માતા-પિતાને જોઈને જ શીખે છે અને એ જ રીતે તેનું વ્યક્તિત્વ વિકસે છે. મારા ઘરમાં ક્યારેય એવો પ્રશ્ન નથી ઊઠતો કે કોણ પુરુષની ભૂમિકા ભજવશે અને કોણ સ્ત્રીની. બાળકોના મામલે હું માનું છું કે ઉદાહરણ આપવું વધારે મહત્ત્વનું છે, કારણ કે જે વાત આજની પેઢી માટે સાચી છે એ આવતી પેઢી માટે બદલાઈ શકે છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

11 April, 2026 04:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK