પોલીસે મૉલ-મૅનેજમેન્ટ અને ઇવેન્ટના ઑર્ગેનાઇઝર્સ વિરુદ્ધ પોતે ફરિયાદી બનીને સુઓ મોટો કેસ નોંધ્યો
ઍક્ટ્રેસ નિધિ અગરવાલ સાથે હૈદરાબાદના મૉલમાં ઘટી આવી ઘટના
ઍક્ટ્રેસ નિધિ અગરવાલ બુધવારે હૈદરાબાદના લુલુ મૉલમાં તેની આગામી ફિલ્મ ‘ધ રાજા સાબ’ના ગીત ‘સહાના સહાના’ની લૉન્ચ-ઇવેન્ટમાં હાજરી આપવા આવી હતી. જ્યારે તે કાર્યક્રમમાંથી બહાર આવી રહી હતી ત્યારે બેકાબૂ ટોળાએ તેને ઘેરી લીધી હતી અને તેની સાથે અડપલાં કર્યાં હતાં. આ ભીડમાં મોટા ભાગે પુરુષો હતા. એ સમયે ભીડ એટલી વધી ગઈ હતી કે તેને કાર સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું. આવી સ્થિતિમાં નિધિ ખૂબ ગભરાઈ ગઈ હતી અને તેના બાઉન્સરે મહામુશ્કેલીથી તેને ભીડમાંથી બહાર કાઢી હતી. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં નિધિ ગભરાયેલી અને અસ્વસ્થ દેખાઈ રહી છે. આ ઘટના પછી હૈદરાબાદ પોલીસે મૉલ-મૅનેજમેન્ટ અને ઇવેન્ટના ઑર્ગેનાઇઝર્સ વિરુદ્ધ પોતે ફરિયાદી બનીને સુઓ મોટો કેસ નોંધ્યો છે. જોકે નિધિ અગ્રવાલે હજી સુધી આ સંદર્ભે કોઈ નિવેદન આપ્યું નથી.
કોણ છે નિધિ અગરવાલ?
ADVERTISEMENT
નિધિ અગરવાલે કારકિર્દીની શરૂઆત ૨૦૧૭માં હિન્દી ફિલ્મ ‘મુન્ના માઇકલ’થી કરી હતી. જોકે એ પછી તે તામિલ અને તેલુગુ ફિલ્મોમાં જ જોવા મળી છે. હવે તે પ્રભાસ સાથે હૉરર-કૉમેડી ફિલ્મ ‘ધ રાજા સાબ’માં જોવા મળશે.


