Alia Bhatt Ex-PA arrested: બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની ભૂતપૂર્વ પર્સનલ આસિસ્ટન્ટ વેદિકા શેટ્ટીની ધરપકડ કરવામાં આવી છે; વેદિકા પર ૭૭ લાખ રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો; અભિનેત્રીની માતાએ ભૂતપૂર્વ મેનેજર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી
આલિયા ભટ્ટ
બોલીવુડ (Bollywood) અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt)ની ભૂતપૂર્વ પર્સનલ આસિસ્ટન્ટ વેદિકા પ્રકાશ શેટ્ટી (Vedika Prakash Shetty)ની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી છે. તેના પર આલિયાના પ્રોડક્શન હાઉસ અને પર્સનલ એકાઉન્ટ્સમાંથી ૭૭ લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન (Soni Razdan)ની ફરિયાદ પર થોડા મહિના પહેલા વેદિકા વિરુદ્ધ કેસ (Alia Bhatt Ex-PA arrested) નોંધવામાં આવ્યો હતો. જુહુ પોલીસ (Juhu Police)એ આ કેસ નોંધ્યો છે અને તપાસ ચાલી રહી છે. હાલમાં, આલિયા ભટ્ટ કે તેની ટીમ દ્વારા આ બાબતે કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
આલિયા ભટ્ટના પ્રોડક્શન હાઉસ `ઇટર્નલ સનશાઇન પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ` (Eternal Sunshine Productions Pvt Ltd) અને આલિયાના અંગત ખાતામાંથી પૈસા ઉપાડવાના આરોપમાં વેદિકા પ્રકાશ શેટ્ટીની ધરપકડ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શેટ્ટીએ આ બંને ખાતાઓમાંથી ગેરકાયદેસર રીતે ૭૬,૯૦,૮૯૨ લાખથી વધુ રકમ મેળવી હતી. જો કે, આ કેસમાં તપાસ ચાલુ છે અને અધિકારીઓનું કહેવું છે કે, વધુ ખુલાસાઓ થઈ શકે છે.
ADVERTISEMENT
અભિનેત્રી આલિયા ભટ્ટની મમ્મી સોની રાઝદાનની ફરિયાદના પાંચ મહિના પછી, આરોપી વેદિકાની બેંગલુરુ (Bengaluru)થી ધરપકડ કરવામાં આવી અને કોર્ટમાં રજૂ કરવામાં આવી. વેદિકા પર આલિયાની નકલી સહી કરીને બે વર્ષમાં ૭૭ લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે.
વેદિકા શેટ્ટી એક સમયે આલિયા ભટ્ટ સાથે કામ કરતી હતી અને તેમને અભિનેત્રીના અંગત જીવન અને પ્રોડક્શન હાઉસની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. હવે એવું સામે આવી રહ્યું છે કે, તેણીએ પોતાના પદનો દુરુપયોગ કરીને આલિયાના પ્રોડક્શન હાઉસ અને અંગત ખાતામાંથી પૈસા ઉપાડ્યા હતા. આલિયા અને તેની ટીમ તરફથી આ મામલે હજી સુધી કોઈ નિવેદન આવ્યું નથી અને હવે પોલીસ (Mumbai Police) આ મામલે આગળની કાર્યવાહી કરી રહી છે.
આ કેસ જુહુ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે અને શરૂઆતની તપાસ બાદ વેદિકા શેટ્ટીની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે લાંબા સમયથી આ છેતરપિંડી કરી રહી હતી. પોલીસ તપાસ કરી રહી છે કે, પૈસા કેવી રીતે અને ક્યારે ઉપાડવામાં આવ્યા.
નોંધનીય છે કે, `ઇટર્નલ સનશાઇન પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ`ની સ્થાપના આલિયા ભટ્ટ દ્વારા ૨૦૨૧માં કરવામાં આવી હતી. આલિયાના આ પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મ `ડાર્લિંગ્સ` (Darlings) હતી, જે શાહરૂખ ખાન (Shah Rukh Khan)ની કંપની ‘રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ’ (Red Chillies Entertainment) સાથે સહ-નિર્માણ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, વિજય વર્મા (Vijay Verma) અને શેફાલી શાહ (Shefali Shah) મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ નેટફ્લિક્સ (Netflix) પર સ્ટ્રીમ કરવામાં આવી હતી અને તેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

