બૉબી દેઓલે કહ્યું કે આ ફિલ્મની શૂટિંગ તેમના કરિયરના સૌથી યાદગાર અનુભવમાંથી એક રહી છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે શર્વરી પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
બૉબી દેઓલ
યશરાજ ફિલ્મ્સની ફિલ્મ આલ્ફાને લઈને અભિનેતા બૉબી દેઓલે પોતાનો અનુભવ શેર કર્યો છે. બૉબી દેઓલે કહ્યું કે આ ફિલ્મની શૂટિંગ તેમના કરિયરના સૌથી યાદગાર અનુભવમાંથી એક રહી છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે શર્વરી પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મ એક એવી અસેસિનની ઓરિજિન સ્ટોરી પર આધારિત છે, જેને બાળપણથી જ હત્યા કરવા માટે તૈયાર કરવામાં આવી હતી.
બૉબી દેઓલે જણાવ્યું કે ભારતમાં બે મહિલા કલાકારોને કેન્દ્રમાં રાખીને આવી મોટી એક્શન ફિલ્મ બનવી ખૂબ જ ખાસ વાત છે. તેમણે કહ્યું કે દર્શકો માટે આ એક નવી અને અલગ પ્રકારની ફિલ્મ સાબિત થશે. બૉબીએ કહ્યું, “મને રણબીર અને આલિયા બંને ખૂબ ગમે છે અને હું હંમેશાં તેમની સાથે કામ કરવા માગતો હતો. રણબીર સાથે મેં એનિમલ ફિલ્મ કરી હતી અને હવે આલિયા સાથે આલ્ફા કરી રહ્યો છું. બંને સાથે કામ કરવાનો અનુભવ સારો રહ્યો છે.”
ADVERTISEMENT
તેમણે વધુમાં કહ્યું કે આલ્ફા જેવી ફિલ્મ ભારતમાં બનવી એ મોટી વાત છે, કારણ કે ફિલ્મમાં બે યુવતીઓ જબરદસ્ત એક્શન કરતી જોવા મળશે. બૉબીના જણાવ્યા પ્રમાણે, ફિલ્મનો વિષય નવો છે અને દર્શકોને થિયેટરમાં એક અલગ અનુભવ આપશે.
બૉબી દેઓલે આલિયા ભટ્ટના કામ અને મહેનતની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આલિયા ખૂબ મહેનતુ અને ઇમાનદાર અભિનેત્રી છે. “આલિયા દરેક સીન માટે સંપૂર્ણ તૈયારી સાથે સેટ પર આવે છે. તે પોતાના પાત્રમાં સંપૂર્ણ રીતે ડૂબી જાય છે. આ પહેલાં તેણે આ પ્રકારનું એક્શન કર્યું નહોતું, છતાં તેણે ખૂબ જ મહેનત કરી,” એમ બૉબીએ જણાવ્યું.
બૉબીએ કહ્યું કે ફિલ્મના પ્રોડ્યુસર આદિત્ય ચોપરા અને ડિરેક્ટર શિવ રાવેલની ઇચ્છા હતી કે ફિલ્મનું એક્શન રિયલ અને નેચરલ લાગે. તેથી શૂટિંગ દરમિયાન ઘણી મહેનત કરવી પડી હતી. તેમણે કહ્યું કે આ ફિલ્મ દર્શકોને ચોક્કસ ગમશે.
આલ્ફા ફિલ્મનું દિગ્દર્શન ધ રેલવે મેન વેબ સિરીઝ માટે જાણીતા શિવ રાવેલે કર્યું છે. ફિલ્મમાં અનિલ કપૂર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 10 જુલાઈ 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ઉલ્લેખનીય છે કે, શેખર સુમનના ટૉક શો, શેખર ટુનાઇટના વધુ એક ઈન્ટર્વ્યુએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. નીતિન ગડકરીના પ્રીમિયર એપિસોડને મળેલા સકારાત્મક પ્રતિસાદ બાદ, શોના બીજા એપિસોડની પણ દર્શકો રાહ જોઈ રહ્યા છે ત્યારે આ વખતે, બૉબી દેઓલ શોમાં મહેમાન તરીકે આવવાનો છે તેવી જાહેરાત કરવામાં આવી છે. બૉબી દેઓલ જે તાજેતરમાં તેની ફિલ્મ ‘ઍનિમલ’ની સફળતા બાદ ચર્ચામાં આવ્યો છે તે આ એપિસોડ દરમિયાન તેના અંગત જીવન વિશે ખુલીને વાત કરતા અને તેના પરિવાર વિશે ભાવનાત્મક વાતો શૅર કરતો જોવા મળવાનો. વાતચીત દરમિયાન, તેણે તેના પિતા, દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને પણ યાદ કર્યા છે.
