Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ખુશી છે કે જે દેશદ્રોહી છે તેને ભારત છોડવા માટે કહેવામાં આવ્યું છે

ખુશી છે કે જે દેશદ્રોહી છે તેને ભારત છોડવા માટે કહેવામાં આવ્યું છે

Published : 17 October, 2026 07:55 AM | Modified : 17 October, 2026 08:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રઝા મુરાદે આ મામલે ઇમરાનના વલણ સામે નારાજગી વ્યક્ત કરીને કહ્યું હતું કે ‘ઇમરાન હોય કે અન્ય કોઈ વિદેશી નાગરિક, તેમણે આપણા દેશની આંતરિક બાબતોમાં દખલ કરવાની જરૂર નથી. મને તો હમણાં જ જાણવા મળ્યું છે કે તે અમેરિકાનો નાગરિક છે.

ઇમરાન ખાન

ઇમરાન ખાન


ઇમરાન ખાનને ભારત છોડવા માટે આપવામાં આવેલી નોટિસ વિશે હવે અનેક કલાકારો પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. એક તરફ કિરણ રાવ અને સબા આઝાદ જેવા કલાકારોએ ઇમરાન ખાનનું સમર્થન કર્યું છે તો બીજી તરફ બી. આર. ચોપડાની ‘મહાભારત’માં યુધિષ્ઠિરની ભૂમિકા ભજવનાર અભિનેતા ગજેન્દ્ર ચૌહાણ, રઝા મુરાદ અને પાયલ રોહતગીએ મુંબઈ પોલીસના પગલાનું સમર્થન કર્યું છે. 

શું છે મામલો?



૧૦ ઑક્ટોબરે ઑગસ્ટ ક્રાન્તિ મેદાનમાં યોજાયેલા વિરોધ-પ્રદર્શન દરમ્યાન ઇમરાન ખાનને અટકાયતમાં લેવામાં આવ્યો હતો. આ વિરોધ-પ્રદર્શન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણીને લઈને યોજાયું હતું. આ ઘટનાના થોડા દિવસો બાદ ભારતીય નાગરિક ન હોવા છતાં વિરોધ-પ્રદર્શનમાં ભાગ લેવા બદલ ઇમરાનને મુંબઈ પોલીસ તરફથી નોટિસ મોકલવામાં આવી હતી. આ નોટિસમાં તેને ૨૮ ઑક્ટોબર સુધીમાં ભારત છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.


આપણા દેશની બાબતોમાં દખલ ન કરવી જોઈએ

રઝા મુરાદે આ મામલે ઇમરાનના વલણ સામે નારાજગી વ્યક્ત કરીને કહ્યું હતું કે ‘ઇમરાન હોય કે અન્ય કોઈ વિદેશી નાગરિક, તેમણે આપણા દેશની આંતરિક બાબતોમાં દખલ કરવાની જરૂર નથી. મને તો હમણાં જ જાણવા મળ્યું છે કે તે અમેરિકાનો નાગરિક છે અને અહીં અભિનેતા તરીકે કામ કરતો હતો. અમેરિકાના નાગરિક હોવાને કારણે તેણે આપણી બાબતોમાં પડવું જોઈએ નહીં. મુંબઈ પોલીસ કાયદાની મર્યાદામાં રહીને કાર્યવાહી કરી રહી છે. તેને તાત્કાલિક અથવા ૨૪ કલાકની અંદર દેશ છોડવાનું કહેવામાં આવ્યું નથી. તેને ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે.’


ચોક્કસપણે સજા મળવી જોઈએ

‘મહાભારત’માં યુધિષ્ઠિરની ભૂમિકા ભજવનાર અભિનેતા ગજેન્દ્ર ચૌહાણે આ મામલે વાત કરતા કહ્યું હતું કે ‘ઇમરાન ખાન અમેરિકાનો નાગરિક છે અને અહીં રહેતો હતો. મને નથી લાગતું કે તેણે વિરોધ-પ્રદર્શનમાં જવું જોઈતું હતું, કારણ કે આ કાયદાની વિરુદ્ધ છે. ભારતમાં ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા (OCI) કાર્ડના આધારે રહેતી કોઈ પણ વ્યક્તિ ન તો ચૂંટણી લડી શકે છે કે ન તો મતદાન કરી શકે છે. તે વિરોધ-પ્રદર્શનમાં પણ ભાગ લઈ શકે નહીં. જો તેણે આવું કર્યું હોય તો તેને ચોક્કસપણે સજા મળવી જ જોઈએ. મને ખુશી છે કે જે દેશદ્રોહી છે તેને ભારત છોડવાનું કહેવામાં આવ્યું છે.’

ગજેન્દ્ર ચૌહાણે ઇમરાનને દેશ છોડવા માટે આપવામાં આવેલા સમય વિશે પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે અધિકારીઓને કાર્યવાહી ઝડપી કરવાની વિનંતી પણ કરી હતી. આ મામલે ગજેન્દ્રએ ઇમરાનને સંદેશ આપ્યો હતો કે ‘ભારતમાં આટલી મોટી સેલિબ્રિટી તરીકે પૈસા, નામ અને દરજ્જો બધું મેળવ્યું છે. ભારત તને પ્રેમ કરતું હતું. આમ છતાં તું એવા 
વિરોધ-પ્રદર્શનમાં સામેલ થયો જે એ મૂલ્યોની વિરુદ્ધ છે જેના આધારે તું ભારતમાં રહી રહ્યો છે. આ કાયદાના નિયમોનું ઉલ્લંઘન છે, તેથી સજા તો મળશે જ.’

મૂર્ખ અને બેરોજગાર

‘બિગ બૉસ’ની ભૂતપૂર્વ સ્પર્ધક પાયલ રોહતગીએ આ મામલે ઇમરાનને મૂર્ખ અને બેરોજગાર ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘તેને ખબર હોવી જોઈએ કે તેણે આટલું મૂર્ખતાભર્યું પગલું ન ભરવું જોઈએ. તે ભારતીય નાગરિક નથી. સૌથી પહેલાં તો તેની પાસે અમેરિકાની નાગરિકતા છે. બીજું, તે ભારતમાં રહે છે અને અહીં જ કામ કરે છે. મેં સાંભળ્યું છે કે તેણે વીઝા પણ લીધા નથી અને તેના છૂટાછેડા પણ થઈ ચૂક્યા છે. જ્યારે તમે આ દેશના નાગરિક જ નથી, તો પછી વિરોધ-પ્રદર્શનના સ્થળે જવાની જરૂર શું છે? ઘણા એવા બેરોજગાર કલાકારો પણ વિરોધ-પ્રદર્શનમાં ગયા હતા જેથી તેઓ લોકોને દેખાય અને તેમને થોડી પ્રસિદ્ધિ મળી જાય. મીડિયા આ વિરોધ-પ્રદર્શનોને આવરી લે છે, તેથી કેટલાક બેરોજગાર લોકો ત્યાં પહોંચી જાય છે.’

આ તો સાવ અન્યાયી અને વાહિયાત વાત

ઇમરાનને ૨૮ ઑક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ  સામે કિરણ રાવ અને સબા આઝાદે વ્યક્ત કર્યો આક્રોશ

ઇમરાન ખાનના મામા આમિર ખાનની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ અને હૃતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદ ઇમરાનના સમર્થનમાં આગળ આવ્યાં છે.કિરણ રાવે સોશ્યલ મીડિયામાં ઇમરાનના સમર્થનમાં બે પોસ્ટ શૅર કરી હતી. પહેલી પોસ્ટમાં તેણે ઇમરાનનો પોલીસ-વૅનનો ફોટો શૅર કરીને લખ્યું હતું કે ‘વાહ, હવે મુંબઈ પોલીસ પણ?’ બીજી પોસ્ટમાં પોતાની નારાજગી વ્યક્ત કરતાં કિરણ રાવે લખ્યું હતું કે ‘૪૩ વર્ષનો માણસ, તેણે ૪૦ વર્ષ ભારતમાં વિતાવ્યાં છે. અહીં જ અભ્યાસ કર્યો, અહીં જ કામ કર્યું, અહીં જ તેને સફળતા મળી અને આ જ દેશમાં તે નિષ્ફળ પણ થયો. તેને પ્રેમ પણ અહીં જ મળ્યો અને તે આ દેશ માટે અહીં જ લડ્યો.’

કિરણ રાવ ઉપરાંત સબા આઝાદે પણ મુંબઈ પોલીસ દ્વારા ઇમરાન ખાનને આપવામાં આવેલા આદેશ સામે નારાજગી વ્યક્ત કરી હતી. સબાએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને લખ્યું હતું કે ‘શું? આ તો સાવ અન્યાયી અને વાહિયાત વાત છે.’

 

Whatsapp-channel Whatsapp-channel

17 October, 2026 08:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK