શાહરુખ ખાનની ફિલ્મ ‘કિંગ’ના સેટ પરથી લીક થયાનો દાવો કરાતી નવી તસવીરમાં તેનો બ્લડી ઍક્શન લુક જોવા મળ્યો છે. આ તસવીર સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહી છે.
શાહરુખ ખાન
શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’ ૨૪ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. થોડા સમય પહેલાં એવી માહિતી મળી હતી કે ફિલ્મના અંતિમ શેડ્યુલ માટે નિર્માતાઓ નવાં લોકેશન્સની શોધમાં છે. કહેવાય છે કે શાહરુખ એવી જગ્યાએ શૂટિંગ કરવા ઇચ્છે છે જ્યાં અગાઉ ક્યારેય શૂટિંગ થયું ન હોય. આ દરમ્યાન શાહરુખનો એક નવો ઍક્શનપૅક્ડ લુક ઇન્ટરનેટ પર ચર્ચામાં છે. આ નવી તસવીરમાં શાહરુખના ચહેરા પરથી લોહી વહી રહ્યું હોવાનું જોવા મળે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસવીર ‘કિંગ’ના સેટ પરથી લીક થઈ છે. આ પહેલાં પણ ફિલ્મના સેટ પરથી કેટલાંક વિડિયો અને તસવીરો સામે આવ્યાં હતાં, જેમાં શાહરુખ અને દીપિકા પાદુકોણ રોમૅન્ટિક દૃશ્યોનું શૂટિંગ કરતાં જોવા મળ્યાં હતાં.
ટૂંક સમયમાં આવી રહી છે મુસાફિર કૅફે 2
ADVERTISEMENT
વિક્રાન્ત મેસી, મહિમા મકવાણા અને વેદિકા પિન્ટોની રોમૅન્ટિક વેબ-સિરીઝ ‘મુસાફિર કૅફે’ ૨૪ જુલાઈએ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. સિરીઝના અંતમાં અનેક સવાલોના જવાબ અધૂરા રહી જતાં દર્શકોમાં બીજા ભાગને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી હતી. હવે આ અટકળો પર પૂર્ણવિરામ મૂકતાં નેટફ્લિક્સે ‘મુસાફિર કૅફે 2’ની સત્તાવાર જાહેરાત કરી છે.
નેટફ્લિક્સે એક ખાસ વિડિયો જાહેર કર્યો છે જેમાં પહેલી સીઝનની કેટલીક યાદગાર ઝલક દર્શાવવામાં આવી છે. વિડિયોના અંતે વિક્રાન્ત, મહિમા અને વેદિકા દર્શકોને ખુશખબર આપતાં કહે છે કે ‘મુસાફિર’ ફરી પાછા આવશે. આ પોસ્ટ સાથે લખવામાં આવ્યું છે કે ‘અધૂરી પ્રેમકહાનીને પૂર્ણ કરવા આ મુસાફિર ફરી પાછા ફરશે.’ જોકે બીજી સીઝનની ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી, પણ એ ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.
બટવારા 1947ની ટીમ અમદાવાદ પહોંચી
સની દેઓલ અને કરણ દેઓલે અટલ બ્રિજની મુલાકાત વખતે ચાની ચૂસકી માણી અને ગુજરાતી થાળી જમ્યા
સની દેઓલ, પ્રીતિ ઝિન્ટા અને કરણ દેઓલની ફિલ્મ ‘બટવારા 1947’ ૧૪ ઑગસ્ટે રિલીઝ થવાની છે. ગઈ કાલે આ ફિલ્મના પ્રમોશન માટે સ્ટાર્સ અમદાવાદ પહોંચ્યા હતાં. અહીં તેઓ અટલ બ્રિજની મુલાકાત લીધા બાદ શહેરની સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે યંગસ્ટર્સને મળ્યાં હતાં. ત્યાં તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો અને ફિલ્મ વિશે પણ વાતચીત કરી હતી. અટલ બ્રિજની મુલાકાત વખતે સની અને કરણે ત્યાં બેસીને ચાની ચૂસકી માણી હતી તેમ જ તમામ સ્ટાર્સે ગુજરાતી થાળી ઍન્જૉય કરી હતી.
