Entertainment Updates: સૂરજ બડજાત્યાની ફિલ્મના સેટ પર યુનિટની ક્રિકેટ-મસ્તી; મંદિરાએ ૨૦૨૬ની શરૂઆત આભારની લાગણીથી કરવા માની અનોખી માનતા અને વધુ સમાચાર
‘છાપ તિલક’ રાશાએ પોતે જ ગાયું છે
ફિલ્મ ‘લાઇકી લાઇકા’માં રાશા થડાની અને ‘મુંજ્યા’ સ્ટાર અભય વર્માની જોડી જોવા મળશે. હાલમાં ફિલ્મના મેકર્સે ફિલ્મનું પહેલું ગીત ‘છાપ તિલક’ રિલીઝ કર્યું છે. આ ગીત રિલીઝ થવાની માહિતી રાશાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર ફૅન્સ સાથે શૅર કરી હતી. ફિલ્મના આ પહેલા ગીત ‘છાપ તિલક’ની સૌથી ખાસ વાત એ છે કે એને ઍક્ટ્રેસ રાશાએ પોતે જ ગાયું છે. આ ગીત દ્વારા રાશાએ સિંગર તરીકે ડેબ્યુ કર્યું છે. રાશાએ હાલમાં સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં રાશા હુડીમાં જોવા મળે છે. એમાં એક તરફ પંજાબના શહેર ફરીદકોટનું નામ લખેલું છે, જ્યારે બીજી તરફ રાશાનું નામ જોવા મળે છે. પોતાની આ પોસ્ટથી રાશાએ ફૅન્સને જણાવી દીધું છે કે તે એક મલ્ટિ-ટૅલન્ટેડ ઍક્ટ્રેસ છે.
સૂરજ બડજાત્યાની ફિલ્મના સેટ પર યુનિટની ક્રિકેટ-મસ્તી
ADVERTISEMENT

અનુપમ ખેરે ફિલ્મમેકર સૂરજ બડજાત્યા સાથે તેના આગામી પ્રોજેક્ટ ‘યે પ્રેમ મોલ લિયા’નું શૂટિંગ શરૂ કર્યું છે. આ શૂટિંગ દરમ્યાન અનુપમ ખેર અને યુનિટના સભ્યોએ ગલી-ક્રિકેટ રમીને મજા માણી અને એનો વિડિયો પણ સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે. અનુપમે આ વિડિયો શૅર કરીને લખ્યું, ‘ગલી-ક્રિકેટની ઝલક, મારા પ્રિય મિત્ર અને ભારતના શ્રેષ્ઠ ડિરેક્ટર સૂરજ બડજાત્યા અને યુનિટના લોકો સાથે શૂટિંગ દરમ્યાન ક્રિકેટ રમવાનો આનંદ માણ્યો. જે બૉલમાં મને ક્લીન બોલ્ડ કર્યો એનો વિડિયો પોસ્ટ નથી કર્યો, બરાબર કર્યુંને?’
મંદિરાએ ૨૦૨૬ની શરૂઆત આભારની લાગણીથી કરવા માની અનોખી માનતા

મંદિરા બેદીએ ૨૦૨૬ની શરૂઆત આભારની ભાવનાથી કરવા માટે એકવીસ દિવસ સુધી રોજ ગુરદ્વારા જવાની માનતા માની હતી. પોતાની આ માનતા વિશે વાત કરતાં મંદિરાએ કહ્યું હતું કે ‘મેં ૨૦૨૬ને આભારની લાગણી સાથે શરૂ કરવા માટે એકવીસ દિવસની માનતા માની હતી. આમાં દરરોજ ગુરદ્વારા જવું જરૂરી હતું, પણ સમય નિશ્ચિત નહોતો. કામ માટે મુસાફરી દરમ્યાન આનું પાલન કરવાનું પડકારજનક હતું, પણ મેં એ વચન જાળવી રાખ્યું છે. અત્યાર સુધી એ ખૂબ જ સુંદર રહ્યું છે અને એણે મનને આનંદિત રાખ્યું છે.’
પૈચાન કૌન?

રિમી સેને ૨૦૦૦ની શરૂઆતનાં વર્ષોમાં સતત હિટ ફિલ્મો આપીને પોતાની ખાસ ઓળખ બનાવી હતી. તેણે ‘હંગામા’, ‘ધૂમ’, ‘ગોલમાલ’, ‘ફિર હેરા ફેરી’ અને ‘જૉની ગદ્દાર’ જેવી ફિલ્મોમાં ફીમેલ લીડ તરીકે કામ કર્યું હતું. જોકે ૨૦૦૦ના દાયકાનો અંત આવ્યો તેમ-તેમ ફિલ્મોમાં રિમીની હાજરી ઓછી થવા લાગી અને રિમી સંપૂર્ણ રીતે લાઇમલાઇટમાંથી ગાયબ થઈ ગઈ. આજે રિમી સેન દુબઈના રિયલ એસ્ટેટ સેક્ટરમાં સક્રિય છે. તેણે પોતે જણાવ્યું છે કે દુબઈ તેને એટલા માટે પસંદ આવ્યું, કારણ કે આ શહેર દુનિયાભરના લોકોને સ્વીકારે છે. અહીં સિસ્ટમ સ્વચ્છ છે, નિયમો સ્પષ્ટ છે અને બિઝનેસ કરવો સરળ છે. આજે રિમીનો લુક પણ સાવ બદલાઈ ગયો છે અને તે બિલકુલ ઓળખાતી નથી.
નાગઝિલા પછી કાર્તિક આર્યન જોવા મળશે ઍક્શન-ઍડ્વેન્ચર ફિલ્મમાં
કાર્તિક આર્યનની લેટેસ્ટ રિલીઝ ‘તૂ મેરી મેં તેરા, મેં તેરા તૂ મેરી’ બૉક્સ-ઑફિસ પર ખરાબ રીતે ફ્લૉપ સાબિત થઈ હતી. જોકે આ ફિલ્મ ફ્લૉપ થયા પછી પણ કાર્તિક આર્યનની કરીઅરમાં કોઈ ખાસ નકારાત્મક અસર જોવા મળી નથી. હવે કાર્તિક આર્યન પોતાની આગામી ફિલ્મ ‘નાગઝિલા’ને લઈને ચર્ચામાં છે. આ વચ્ચે રિપોર્ટ છે કે કાર્તિક હવે એક ઍક્શન-ઍડ્વેન્ચર ફિલ્મ કરવાની તૈયારીમાં છે. મળતી માહિતી પ્રમાણે કાર્તિક આર્યન જલદી જ ‘કિલ’ના ડિરેક્ટર નિખિલ નાગેશ ભટ્ટની આગામી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ ભારતીય પૌરાણિક કથાઓ પર આધારિત
એક ઍક્શન-ઍડ્વેન્ચર ફિલ્મ હશે.
વિજય વર્માના સેલ્ફીએ આખી દુનિયાને બતાવી દીધું અમિતાભ બચ્ચનનું ગોલ્ડન ટૉઇલેટ

વિજય વર્માએ હાલમાં સોશ્યલ મીડિયા પર ૨૦૧૬નો એક થ્રોબૅક સેલ્ફી શૅર કર્યો છે. આ સેલ્ફીમાં તેણે અમિતાભ બચ્ચનના ઘર ‘જલસા’ના બાથરૂમમાં ‘ગોલ્ડન ટૉઇલેટ’ સાથે પોઝ આપ્યો છે. આ તસવીર અત્યારે સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે અને એણે બિગ બીની લક્ઝરી લાઇફસ્ટાઇલ પર નવી ચર્ચા શરૂ કરી દીધી છે. હકીકતમાં વિજય વર્માએ આ વર્ષે ‘પિન્ક’માં અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગના સમયગાળામાં તેણે અમિતાભની મુલાકાત લીધી હતી અને ત્યારે જ તેમના ઘરના બાથરૂમમાં ‘ગોલ્ડન ટૉઇલેટ’ સાથે સેલ્ફી લીધો હતો.
અમિતાભ બચ્ચને ટીમ મર્દાની 3ને પાઠવી શુભેચ્છા
અમિતાભ બચ્ચને સોશ્યલ મીડિયા પર ૩૦ જાન્યુઆરીએ આવનારી રાની મુખરજીની ફિલ્મ ‘મર્દાની 3’ની સમગ્ર ટીમને રિલીઝ માટે દિલથી શુભેચ્છા પાઠવી છે. અમિતાભ અને રાનીએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ ફિલ્મોમાં ‘વીર-ઝારા’, ‘બન્ટી ઔર બબલી’, ‘કભી અલવિદા ના કહના’ અને ‘બાબુલ’નો સમાવેશ થાય છે. આ બન્નેની ‘બ્લૅક’ને સૌથી વધારે પ્રશંસા મળી છે. આ સિવાય રાનીએ અમિતાભની ‘કભી ખુશી કભી ગમ’ તો અમિતાભે પણ રાનીની ‘પહેલી’માં નાનકડો રોલ કર્યો હતો.


