ફારાહ ખાન સાથે નીતિન ગડકરીના ઘરે પહોંચેલા રસોઇયા દિલીપે ખાસ વિનંતી કરીને બધાનું ધ્યાન ખેંચ્યું
નીતિન ગડકરીના ઘરે પહોંચેલા ફારાહ ખાન અને દિલીપ
ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફારાહ ખાન પોતાના યુટ્યુબ વ્લૉગ્સમાં અવારનવાર કોઈને કોઈ સેલિબ્રિટીના ઘરે પહોંચે છે અને દરેક એપિસોડમાં ફારાહનો રસોઇયો દિલીપ પણ તેની સાથે જ હોય છે. હાલમાં ફારાહ વ્લૉગ શૂટ કરવા માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના ઘરે પહોંચી હતી. આ વ્લૉગ દરમ્યાન નીતિન ગડકરીએ પોતાની જીવનયાત્રા વિશે અનેક રસપ્રદ ખુલાસા કર્યા. તેમણે જણાવ્યું કે રસ્તા બનાવવાના કામ માટે તેમણે પોતાના જ સસરાનું ઘર તોડાવ્યું હતું. જોકે આ આખા એપિસોડમાં નીતિન ગડકરી સમક્ષ ફારાહના કુક દિલીપે પોતાના ગામમાં રસ્તો બનાવવા માટે કરેલી વિનંતીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે.
વ્લૉગ માટે ફારાહ ખાન તેના રસોઇયા દિલીપ સાથે નીતિન ગડકરીના દિલ્હી સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી. જ્યારે ફારાહ નીતિન ગડકરી સાથે હાથ મિલાવી રહી હતી ત્યારે દિલીપે તેમનાં ચરણ સ્પર્શ કર્યાં હતાં. આ જોઈને ફારાહે મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે ‘આટલા મોટા માણસ અત્યાર સુધી અમારા વ્લૉગ પર ક્યારેય આવ્યા નથી. દિલીપની એક રિક્વેસ્ટ છે, તે તમને વારંવાર કદાચ હેરાન કરશે પણ તમે જરા સાંભળી લેજો.’
ADVERTISEMENT
આ પછી તક મળતાં જ બિહારના દરભંગા શહેરના વતની દિલીપે સીધી જ માગણી કરી દીધી કે ‘સાહેબ, મારા ગામમાં એક રોડ બનાવી આપોને.’ દિલીપની આ વાત સાંભળીને ફારાહે પોતાનું માથું પકડી લીધું અને કહ્યું, ‘અરે, સાહેબ આટલા મોટા-મોટા ફ્લાયઓવર અને એક્સપ્રેસવે બનાવી રહ્યા છે અને તું ગામના રોડની વાત કરે છે.’
આ સાંભળીને દિલીપે વળતો જવાબ આપ્યો કે જો ગામમાં રસ્તા બની જાય તો બહુ મોટી મદદ થશે. દિલીપની આ વિનંતી સાંભળીને નીતિન ગડકરી પણ સ્મિત રોકી શક્યા નહોતા.


