જયા બચ્ચન માને છે કે ફોટોગ્રાફર્સ સાથેના સંબંધની અગસ્ત્ય નંદાની કરીઅર પર કોઈ અસર ન થઈ શકે
અગસ્ત્ય નંદાએ આ વર્ષે ફિલ્મ ‘ઇક્કીસ’થી મોટા પડદા પર ડેબ્યુ કર્યું હતું
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદાએ આ વર્ષે ફિલ્મ ‘ઇક્કીસ’થી મોટા પડદા પર ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ખાસ કમાલ ન બતાવી શકી, પરંતુ અગસ્ત્યના અભિનયને દર્શકો અને સમીક્ષકો તરફથી પ્રશંસા મળી હતી. જોકે હાલમાં ચર્ચા છે કે અગસ્ત્ય ટૅલન્ટેડ હોવા છતાં નાની જયાના ફોટોગ્રાફર્સ સાથેના વણસેલા સંબંધોની અસર તેની કરીઅર પણ પડી રહી છે.
જોકે જયાએ આ ચર્ચાનો એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ જવાબ આપતાં કહ્યું હતું કે ‘દુનિયામાં કોઈ એવી શક્તિ નથી જે મારા દોહિત્રના ભાગ્યને બદલી શકે. જો અગસ્ત્યના નસીબમાં સ્ટાર બનવાનું લખાયેલું હશે તો કોઈ તેને અટકાવી શકશે નહીં. જ્યારે મારા પતિ અમિતાભ બચ્ચન સ્ટારડમના શિખરે હતા ત્યારે લગભગ ૧૫ વર્ષ સુધી પ્રેસે તેમને બૅન કર્યા હતા છતાં એની તેમની કરીઅર પર કોઈ પ્રતિકૂળ અસર પડી નહોતી. મારો ફોટોગ્રાફર્સ સાથેનો સંબંધ અલગ છે અને અગસ્ત્ય પોતાનો સંબંધ પોતે કેળવશે.’
