Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરણ જોહર લઈને આવી રહ્યો છે કૉફી વિથ કરણની નવમી અને છેલ્લી સીઝન

કરણ જોહર લઈને આવી રહ્યો છે કૉફી વિથ કરણની નવમી અને છેલ્લી સીઝન

Published : 01 October, 2026 09:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કરણ જોહરે ‘કૉફી વિથ કરણ’ની નવી સીઝનની જાહેરાત કરવાની સાથે પોતાની બાવીસ વર્ષની સફર વિશે પણ વાત કરી છે

એક પ્રોમો દ્વારા નવી સીઝનની જાહેરાત

એક પ્રોમો દ્વારા નવી સીઝનની જાહેરાત


ફિલ્મમેકર કરણ જોહર પોતાના ટૉક-શો ‘કૉફી વિથ કરણ’ની નવમી સીઝન લઈને આવી રહ્યો છે જે એની છેલ્લી સીઝન હશે. આ ટૉક-શોના નિર્માતાઓએ એક પ્રોમો દ્વારા નવી સીઝનની જાહેરાત કરી છે. જોકે આ માત્ર પ્રોમો નથી, પણ કરણ જોહર તરફથી ચાહકો માટે એક ભાવુક સંદેશ પણ છે.

કરણ જોહરે ‘કૉફી વિથ કરણ’ની નવી સીઝનની જાહેરાત કરવાની સાથે પોતાની બાવીસ વર્ષની સફર વિશે પણ વાત કરી છે. તેણે વિડિયો-મેસેજમાં કહ્યું હતું કે ‘મેં ૨૦૦૪માં ‘કૉફી વિથ કરણ’ શરૂ કર્યો હતો. મને યાદ છે કે જ્યારે મેં મારા પપ્પા સાથે આ ચૅટ-શોનો વિચાર શૅર કર્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે તું તો આમ પણ રોજ ચાર મિત્રો સાથે મળતો રહે છે, તો તારે ટૉક-શો શરૂ કરવાની શું જરૂર છે? ત્યાર બાદ મેં મારા પપ્પાને ગુમાવ્યા અને પછી આ શોની શરૂઆત થઈ. ૮ સીઝન અને ૧૬૧ એપિસોડમાં આ શોમાં ઘણું બધું બદલાયું. શોમાં એવા પ્રેમીઓ આવ્યા જેઓ પછી એકબીજાના ભૂતપૂર્વ પ્રેમી બની ગયા. કેટલાક એવા લોકો પણ આવ્યા જેઓ આજે પણ એકબીજા સાથે જોડાયેલા છે. પરિવાર સાથે મિત્રો પણ આ શોમાં સામેલ થયા. શોમાં થયેલી વાતચીત હેડલાઇન્સ, મીમ્સ, ચર્ચાઓ અને ક્યારેય ન ભૂલી શકાય એવી યાદોમાં ફેરવાઈ ગઈ. કેટલીક સફર એવી હોય છે જેને સમાપ્ત કરવાની તમે કોઈ યોજના બનાવતા નથી. બસ, તમારા મનમાં ક્યાંક ઊંડે એ વાત હોય છે કે ક્યારે એને છોડી દેવી છે. ‘કૉફી વિથ કરણ’ મારી જિંદગીનો એક ખૂબ જ ખાસ હિસ્સો રહ્યો છે. આ શોએ મને મિત્રો, યાદો, સંપૂર્ણપણે મસ્તીભરી ક્ષણો, ખૂબ જ પ્રેમ અને હા, કેટલાક વિવાદો પણ આપ્યા છે; પણ હવે આ શોની છેલ્લી સીઝન છે. આ બધાની વચ્ચે જે વસ્તુ હંમેશાં જળવાઈ રહી એ છે દર્શકો. તેઓ અમારી સાથે હસ્યા, અમારી સાથે દલીલ કરી, અમને ટ્રોલ કર્યા, અમારી પ્રશંસા કરી અને સૌથી મહત્ત્વની વાત કે તેઓ વારંવાર એક વધુ કપ માટે પાછા આવતા રહ્યા. અલવિદા કહેવું ભાવુક કરી દેનારું છે, પણ આ યોગ્ય લાગે છે. આ છેલ્લી સીઝન તમામ લોકો પ્રત્યે કૃતજ્ઞતા અને પ્રેમ સાથે છેલ્લી વાર મગ ઊંચો કરવાનો મારો એક પ્રયાસ છે. તો આવો, મારી સાથે કૉફીનો એક છેલ્લો કપ પીઓ. એક છેલ્લી વાર.’


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2026 09:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK