સંજય લીલા ભણસાલીની નવી પૌરાણિક જંગલ ઍડ્વેન્ચર ફિલ્મમાં ધનુષ સાથે કરીના કપૂરને લીડ ઍક્ટ્રેસ તરીકે લેવામાં આવે એવી ચર્ચા છે. હાલમાં ફી અને અન્ય શરતો અંગે વાતચીત ચાલી રહી છે.
કરીના કપૂર અને સંજય લીલા ભણસાલી
સંજય લીલા ભણસાલી હાલમાં અભિનેતા ધનુષ સાથે એક પૌરાણિક જંગલ ઍડ્વેન્ચર ફિલ્મ પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં લીડ ઍક્ટ્રેસ તરીકે તેમણે કરીના કપૂરનો સંપર્ક કર્યો હોવાના રિપોર્ટ છે. કરીનાએ આ ઑફરમાં રસ દાખવ્યો છે, પણ હજુ સુધી ફિલ્મ સાઇન કરી નથી. હાલમાં તેની ફી, શૂટિંગની તારીખો અને અન્ય કરારની શરતો વિશે ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મનું નિર્માણ સંજય લીલા ભણસાલી કરશે જ્યારે ડિરેક્શનની જવાબદારી દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા નિર્દેશક પી.એસ. મિત્રનને સોંપવામાં આવી છે.
સંજય લીલા ભણસાલી અને કરીના કપૂરના વણસેલા સંબંધોનો ઇતિહાસ
ADVERTISEMENT
સંજય લીલા ભણસાલી અને કરીના કપૂરના સંબંધો લગભગ અઢી દાયકાથી વણસેલા છે. ૨૦૦૦ની આસપાસ સંજય લીલા ભણસાલી પોતાની ફિલ્મ ‘દેવદાસ’ માટે પારોના પાત્રની શોધમાં હતા. આ ભૂમિકા માટે તેમણે કરીનાની સ્ક્રીન-ટેસ્ટ પણ લીધી હતી. જોકે અંતે આ પાત્ર માટે ઐશ્વર્યા રાય બચ્ચનની પસંદગી કરવામાં આવી હતી. સંજય લીલા ભણસાલીના આ નિર્ણયથી કરીના નારાજ થઈ ગઈ હતી અને ત્યાર બાદ બન્ને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. આ પછી કરીનાએ ‘ગોલિયોં કી રાસલીલા - રામ લીલા’માં કામ કરવાની હા પાડીને છેલ્લી ઘડીએ ફિલ્મ છોડી દેતાં તેમના સંબંધો વધારે વણસ્યા હતા.
