પંચાવન વર્ષની મનીષા કોઇરાલાએ શૅર કરી બીચ-વેકેશનની તસવીરો
દરિયાકિનારે વેકેશન માણતી જોવા મળે છે મનીષા કોઇરાલા
૯૦ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી મનીષા કોઇરાલા પંચાવન વર્ષની ઉંમરે પણ પોતાની ફિટનેસથી સૌને આશ્ચર્યચકિત કરી રહી છે. હાલમાં તેણે સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શૅર કરી હતી જેમાં તે દરિયાકિનારે વેકેશન માણતી જોવા મળે છે. આ તસવીરોમાં મનીષા હૅટ પહેરીને વેસ્ટર્ન આઉટફિટમાં સ્ટાઇલિશ અને આત્મવિશ્વાસભર્યા અંદાજમાં પોઝ આપતી દેખાય છે. સમુદ્રનાં મનોહર દૃશ્યો અને કુદરતી સૌંદર્યે તસવીરોની સુંદરતા વધારી છે. મનીષાએ આ તસવીર સાથે લખ્યું હતું કે ‘તમારો શેપ કે ઉંમર ગમે તે હોય અને તમે જીવનના કોઈ પણ તબક્કામાં હો પણ ટ્રાવેલિંગ જરૂર કરો, બીચ પર ચાલો, સ્વિમસૂટ પહેરો અને તસવીરો પડાવો. ત્વચા પર સૂર્યપ્રકાશનો સ્પર્શ અને પગ નીચેની રેતીનો અહેસાસ કરો. ડર અથવા લોકોના અભિપ્રાયને તમારા જીવન પર હાવી થવા ન દો. તમે જેવા છો એવા જ સ્વરૂપમાં જીવનને સંપૂર્ણ રીતે જીવવાનો તમને અધિકાર છે.’
