પરાગે હાલમાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર સિમ્બા સાથેનો એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે ફુટપાથ પર કેટલાક ગરીબોને પૈસા અને ભોજનવિતરણ કરતો જોવા મળે છે.
શેફાલીનું અવસાન થતાં સિમ્બાને બહુ આઘાત લાગ્યો છે
શેફાલી જરીવાલાને માતા બનવાની બહુ ઇચ્છા હતી, પણ એ શક્ય ન બનતાં તેણે સિમ્બા નામનો શ્વાન પાળ્યો હતો જેને તે પોતાનો દીકરો જ માનતી હતી. ચર્ચા હતી કે શેફાલીનું અવસાન થતાં સિમ્બાને બહુ આઘાત લાગ્યો છે અને એની તબિયત બગડી ગઈ છે. જોકે હવે આ મામલે શેફાલીના પતિ પરાગ ત્યાગીએ સ્પષ્ટતા કરી છે. પરાગે શેફાલીના મૃત્યુ પછી સિમ્બાના સ્વાસ્થ્ય બગડવાના સમાચારને અફવા ગણાવી છે અને ખોટા સમાચાર ફેલાવનારાઓને ઠપકો આપ્યો છે. હકીકતમાં શેફાલી સિમ્બાને દીકરા જેવો માનતી હતી અને એટલે જ તેના મૃત્યુ પછી પતિ પરાગ સિમ્બા પાસે મૃત્યુ પછીની ધાર્મિક વિધિઓ કરાવી રહ્યો છે.
પરાગે હાલમાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર સિમ્બા સાથેનો એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે ફુટપાથ પર કેટલાક ગરીબોને પૈસા અને ભોજનવિતરણ કરતો જોવા મળે છે. વિડિયોમાં પરાગ સિમ્બાને પકડીને ઊભો છે અને એક મહિલા એને આશીર્વાદ આપી રહી છે. આ વિડિયો શૅર કરતાં પરાગે લખ્યું, ‘સિમ્બા ખૂબ જ ખુશ છે અને એ દરેક વિધિ કરી રહ્યો છે જે એક દીકરો તેની માતા માટે દિલથી કરે છે. આ વિડિયો તે અદ્ભુત લોકો માટે છે જેઓ ખરેખર અમારા બાળક સિમ્બાના સ્વાસ્થ્ય વિશે ચિંતિત છે, કારણ કે કેટલાક ક્રૂર લોકો લાઇક્સ અને વ્યુઝ મેળવવા માટે અમારા બાળક સિમ્બાના સ્વાસ્થ્ય વિશે ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે.’

