પોતાના નિવેદનોને કારણે હંમેશા વિવાદમાં રહેતી કંગના ફરી મુશ્કેલીમાં આવી છે.

કંગના રનૌત
પોતાના નિવેદનોને કારણે હંમેશા વિવાદમાં રહેતી કંગના ફરી મુશ્કેલીમાં આવી છે. શુક્રવારે બૉલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની કારને પંજાબના કિરતપુરમાં પ્રદર્શનકારી ખેડૂતોએ રોકી હતી. ખેડૂત આંદોલનને લઈ સતત વિવાદિત નિવેદન આપવાનો કંગના પર આરોપ છે. કંગના કારમાં પોતાના સિક્યોરિટી સ્ટાફ સાથે હતી, આ દરમિયાન પ્રદર્શનકારીઓએ તેમની કારનો રોકી હતી.
કંગનાની કારને રોકનારા પ્રદર્શનકારીઓના હાથમાં ઝંડાઓ હતા અને સુત્રોચ્ચાર કરી રહ્યાં હતા. તેમણે ખેડૂતો અને કૃષિ કાયદા રદ કરવાની માગ કરનારા વિરુદ્ધ વિવાદિત નિવેદન આપવા બદલ કંગનાને માફી માગવા કહ્યું છે. તો બીજી બાજુ કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરતાં દાવો કર્યો કે, ` મને અહીં આ ટોળાએ ઘેરી લીધી છે. આ લોકો મારી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યાં છે અને મને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે.`
Actress kangana ranaut was gheraoed by protesting farmers in Ropar (Rupnagar district) today and later allowed to move after speaking to women farmers over her controversial statements.... https://t.co/uGGPAHSO0Q pic.twitter.com/ThTrB8e0AH
— Mohammad Ghazali (@ghazalimohammad) December 3, 2021
કંગનાને સોશિયલ મીડિયા પર ખેડૂતો, ખાસ કરીને શીખ સમુદાય વિરુદ્ધ કથિત ટિપ્પણીઓ માટે ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ ઈન્સ્ટાગ્રામ પર શીખ સમુદાય વિરુદ્ધ કથિત રૂપે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કંગના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. ખેડૂતોના વિરોધને ઈરાદાપૂર્વક ખાલિસ્તાની ચળવળ તરીકે ગણાવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અભિનેત્રીએ શીખ સમુદાય વિરુદ્ધ `વાંધાજનક અને અપમાનજનક` ભાષાનો ઉપયોગ કર્યો હતો.
દેશની આઝાદી અંગેના નિવેદનને કારણે વિવાદમાં આવેલી કંગના પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાનો પણ આરોપ છે. કંગનાએ દાવો કર્યો હતો કે સુભાષ ચંદ્ર બોઝ અને ભગત સિંહને મહાત્મા ગાંધીનું સમર્થન મળ્યું નથી. એટલું જ નહીં કંગનાએ બાપુના અહિંસાના મંત્રની પણ મજાક ઉડાવી અને કહ્યું કે વધુ એક ગાલ આગળ મુકવાથી તમને ભિક્ષા મળે છે, આઝાદી નહીં.