ભારતના અનેક મુદ્દાઓ પર તેઓ મૂકદર્શક બની રહે છે, સાવ ગૂંગા બનીને બેસી જાય છે.
નસીરુદ્દીન શાહ, પુનિત ઇસ્સાર
નસીરુદ્દીન શાહના ‘દિમાગી નક્સલ’ નિવેદન બાદ ઍક્ટર પુનીત ઇસ્સારે પોતાના સિનિયર નસીરુદ્દીન શાહના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. હકીકતમાં નસીરુદ્દીન શાહે તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કરીને BJP અને કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરી હતી. તેમનું કહેવું છે કે સરકાર અને એના સમર્થકો તેમના જેવા ટીકાકારોને ‘ઍન્ટી-નેશનલ’ અને ‘ટુકડે-ટુકડે ગૅન્ગ’ જેવાં નામ આપે છે. નસીરુદ્દીન શાહે પોતાના વિડિયો-સંદેશમાં કહ્યું હતું કે ‘હું ગર્વથી કહું છું કે હું દિમાગી નક્સલ છું.’ તેમણે એમ પણ કહ્યું હતું કે જે લોકો BJPની વિચારધારા સાથે સહમત નથી તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને તેમની પાસેથી બદલો લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
‘મહાભારત’માં દુર્યોધનનો રોલ કરીને સારી એવી લોકપ્રિયતા મેળવનાર ઍક્ટર પુનીત ઇસ્સારે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ‘સૌપ્રથમ તો નસીરુદ્દીન શાહજી મારા સિનિયર છે. તેમણે અમને ભણાવ્યા પણ છે અને તેઓ એક ઉત્તમ કલાકાર છે, પણ હું કહેવા માગું છું કે જ્યારે પણ તેઓ કોઈ મુદ્દા પર વાત કરે છે ત્યારે એકતરફી વાતો કરે છે. દુનિયા અથવા ભારતના અનેક મુદ્દાઓ પર તેઓ મૂકદર્શક બની રહે છે, ગૂંગા બનીને બેસી જાય છે. તેમની વિચારધારા એકતરફી ડાબેરી છે અને તેઓ એ જ પ્રમાણે વાતો કરે છે. આ ‘ટુકડે-ટુકડે’ ગૅન્ગ અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના લોકોને જ જોઈ લો. જ્યારે આપણા દેશના દોષિત ગુનેગારો અને જેલમાં બંધ આતંકવાદીઓની વાત આવે છે ત્યારે આ લોકો તેમની મુક્તિની માગ કરે છે અને તેમના પક્ષમાં બોલે છે. જો તમે આવા લોકોને સમર્થન આપો છો તો પછી ભારતીય હોવાનો અર્થ શું રહી જાય છે? જો તેઓ આ પ્રકારની વાતો કરશે તો તેમની ભારતીયતા પર સવાલ તો ઊભા થશે જ. મારે માત્ર એટલું જ કહેવું છે કે તેમને દરેક મુદ્દા પર પોતાના વિચારો રજૂ કરવાનો અને સરકારની વિરુદ્ધ બોલવાનો અધિકાર છે. જો તેમને સરકાર પસંદ ન હોય તો તેમણે ચૂંટણી લડવી જોઈએ અને આ સરકારને હરાવવી જોઈએ, કારણ કે સરકાર મનમાનીથી બની નથી પણ લોકોએ મત આપીને તેને વિજયી બનાવી છે.’
ADVERTISEMENT
