રશ્મિકા મંદાનાએ સ્વીકાર્યું કે પતિ વિજય દેવરકોંડા એ સમય દરમ્યાન તેના બદલાતા મૂડને સારી રીતે સમજે છે
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા
હાલમાં રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાની જોડી ‘કૉફી વિથ કરણ’ની લેટેસ્ટ સીઝનમાં જોવા મળી હતી અને ત્યારથી જ તેમની રિલેશનશિપ ચર્ચામાં છે. આ સ્થિતિમાં હાલમાં રશ્મિકાએ તેના પિરિયડ્સ વખતે પતિ વિજય દેવરકોંડા તેને કેવી રીતે સહારો આપે છે એ વિશે વાત કરી છે. રશ્મિકા અને વિજયનાં લગ્નને લગભગ આઠેક મહિના થયા છે ત્યારે રશ્મિકાએ કહ્યું છે કે પિરિયડ્સ દરમ્યાન તેને થતી અસ્વસ્થતા અને તેના બદલાતા મૂડને વિજય સમજે છે અને આવા સમયે તેને સાથ આપે છે.
પતિ વિજયના સપોર્ટ વિશે વાત કરતાં રશ્મિકાએ કહ્યું હતું કે ‘હું કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છું અને મને કેવો અનુભવ થઈ રહ્યો છે એ વિજય સમજે છે. હું મારી લાગણીઓ સ્પષ્ટ રીતે વ્યક્ત કરનારી વ્યક્તિ પણ છું. જો કોઈ કારણ વગર મને ઉદાસી અનુભવાય તો હું તેને કહી દઉં છું કે સાંભળ, થોડા દિવસોમાં મને પિરિયડ્સ શરૂ થશે અને એ સમયે મને તારા સાથની જરૂર છે. હું તેને અગાઉથી જ આ વિશે જણાવી દઉં છું. એક પુરુષ પાસેથી તમે આનાથી વધુ અપેક્ષા ન રાખી શકો. મને એ જાણીને સાંત્વન મળે છે કે તે મારી સાથે છે. તે મારા પેટ પર હળવા હાથે માલિશ કરે છે અને મારા હાથ તથા પગને મસાજ કરીને મને કમ્ફર્ટ આપવાનો પ્રયાસ કરે છે.’
