શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘ઓ રોમિયો’ ૧૩ ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થવાની છે
‘પાનની દુકાન’ની લૉન્ચ-ઇવેન્ટ
શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘ઓ રોમિયો’ ૧૩ ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થવાની છે જેને કારણે હાલમાં બન્ને સ્ટાર્સ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. શુક્રવારે આ ફિલ્મના નવા ગીત ‘પાનની દુકાન’ની લૉન્ચ-ઇવેન્ટ યોજાઈ હતી જેમાં શાહિદ અને તૃપ્તિ બન્ને હાજર રહ્યાં હતાં. જોકે આ ઇવેન્ટમાં ફૅન્સે ધમાલ મચાવી દીધી હતી જેને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં શાહિદ કપૂરે સ્ટેજ છોડીને જવું પડ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે આ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં ચાહકો હાજર હતા. લોકો સાથે વાતચીત દરમ્યાન શાહિદે પોતાના નવા ગીત પર ડાન્સ કરવા માટે કેટલાક ફૅન્સને સ્ટેજ પર બોલાવ્યા. જોકે બોલાવેલા ફૅન્સ સિવાય પણ અનેક લોકો સ્ટેજ પર ચડી આવતાં પરિસ્થિતિ બગડી ગઈ અને સ્ટેજ પર ભારે ભીડ એકઠી થઈ જતાં શાહિદ ફૅન્સની ભીડ વચ્ચે ઘેરાઈ ગયો. આ સ્થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષા-કર્મચારીઓને સ્ટેજ પર આવવું પડ્યું. આ દરમ્યાન શાહિદે સ્ટેજ છોડીને જતા રહેવું પડ્યું અને જ્યારે માહોલ શાંત થયો ત્યારે તે ફરી સ્ટેજ પર પાછો ફર્યો હતો. એ પછી શાહિદે સ્ટેજ પર આવીને પોતાના ગીત પર ડાન્સ કર્યો હતો અને ઇવેન્ટ પૂરી થતાં ચાહકોનો આભાર પણ માન્યો હતો.


