રવીના ટંડને આ ઘટનાને પ્રાઇવસીનો સંપૂર્ણ ભંગ ગણાવીને એની આકરી ટીકા કરી
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
બૉલીવુડ ઍક્ટર્સના ફૅન્સ તેમના ફેવરિટ સ્ટાર સાથે જોડાયેલી નાનામાં નાની વાત જાણવા તત્પર હોય છે. ફૅન્સની આ ઇચ્છાને કારણે ફોટોગ્રાફર્સ તેમને જ્યાં પણ તક મળે ત્યાં સ્ટાર્સને ક્લિક કરવા માટે તલપાપડ હોય છે. મોટા ભાગના સ્ટાર્સે આ વાતને તેમના પ્રોફેશન સાથે જોડાયેલી હકીકત તરીકે સ્વીકારી લીધી છે, પણ ક્યારેક ફોટોગ્રાફર્સ કે પછી ફૅન્સ એક નિશ્ચિત સીમારેખાને ઓળંગી જાય છે.
તાજેતરમાં શ્રદ્ધા કપૂર અને તેના બૉયફ્રેન્ડ રાહુલ મોદીની ફ્લાઇટમાં એકબીજાની નજીક બેઠેલી તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે. આ તસવીરોમાં શ્રદ્ધાના ફૅન્સે તેના ફોનના વૉલપેપર પર રાહુલ સાથેની તેની પ્રાઇવેટ તસવીર પણ જોઈ. બન્ને ઍરક્રાફ્ટની પ્રથમ હરોળમાં બેઠાં હતાં ત્યારે એક ઍર હૉસ્ટેસે તેમનો છૂપી રીતે વિડિયો લઈ લીધો હતો. આ ક્લિપ ઝડપથી સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ હતી. હવે રવીના ટંડને આ ઘટનાને પ્રાઇવસીનો સંપૂર્ણ ભંગ ગણાવીને એની ટીકા કરી, જેના કારણે સોશ્યલ મીડિયામાં સ્ટાર્સની પ્રાઇવસી વિશે ચર્ચા થવા લાગી છે.
શ્રદ્ધા અને રાહુલના સંબંધની ચર્ચા ૨૦૨૪માં શરૂ થઈ હતી અને તેઓ વારંવાર જાહેર સ્થળોએ એકસાથે જોવા મળ્યાં હતાં. રાહુલ એક પટકથા લેખક છે અને ફિલ્મનિર્માતા લવ રંજનની લવ ફિલ્મ્સ સાથે સંકળાયેલો છે. શ્રદ્ધાએ રાહુલ સાથેની ડેટિંગની ચર્ચા વિશે જાહેરમાં કંઈ કહ્યું નથી, પરંતુ તાજેતરમાં તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મને મારા પાર્ટનર સાથે સમય વિતાવવો ખૂબ ગમે છે; જેમ કે મૂવી જોવી, ડિનર માટે જવું કે મુસાફરી કરવી. મને એકસાથે સમય વિતાવવો ગમે છે અથવા તો એકસાથે કંઈ ન કરવું પણ ગમે છે.’

