લખનઉની કૉન્સર્ટ વખતે ગળું ખરાબ હતું એટલે તેણે કહ્યું કે મને થોડી શરમ લાગે છે
સુનિધિ સ્ટેજ પર જ ભાવુક બની ગઈ
સિંગર સુનિધિ ચૌહાણ હાલમાં પોતાના ‘આઇ ઍમ હોમ ઇન્ડિયા ટૂર ૨૦૨૫–૨૬’ હેઠળ દેશભરમાં પર્ફોર્મ કરી રહી છે. શનિવારે લખનઉના કૂલબ્રિઝ રિસૉર્ટ્સમાં સુનિધિની કૉન્સર્ટ હતી અને અહીં સુનિધિ સ્ટેજ પર જ ભાવુક બની ગઈ અને તેની આંખોમાં આંસુ આવી ગયાં. સુનિધિએ જણાવ્યું કે તેનું ગળું ખૂબ ખરાબ છે અને આ સ્થિતિમાં કૉન્સર્ટ કરવા બદલ સુનિધિએ ફૅન્સની માફી માગી હતી.
સુનિધિએ વિડિયોમાં જણાવ્યું છે કે ‘મારું ગળું ખૂબ ખરાબ છે, આજે મારો અવાજ બહુ ખરાબ છે પરંતુ મને ખબર છે કે તમે બધા મારી સાથે છો તેથી હું આ સ્થિતિમાં પણ પર્ફોર્મ કરવા ઇચ્છું છું. ઓહ માય ગૉડ, આવું મારી સાથે ક્યારેય થયું નથી અને મને થોડી શરમ પણ લાગે છે. હું ખરેખર માફી માગું છું. હું હંમેશાં ૧૦૦ ટકા આપવાનો પ્રયાસ કરું છું. દુર્ભાગ્યે આજે હું પ્રયાસ કરી રહી છું પરંતુ કદાચ પર્ફોર્મન્સ પહેલાં જેવો ન થઈ શકે એટલે પ્લીઝ પહેલેથી જ મને માફ કરજો. હું હવે આગળ વધું છું. તમારા પ્રેમ માટે ખૂબ આભાર.’
