રાજ્યના ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટે કૉન્સર્ટના આયોજકો માટે કડક ઍડ્વાઇઝરી જાહેર કરીને આવી સૂચના આપી
સુનિધિ ચૌહાણ
સિંગર સુનિધિ ચૌહાણની ગોવામાં યોજાનારી લાઇવ કૉન્સર્ટ પહેલાં જ રાજ્યની ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટે કૉન્સર્ટના આયોજકો માટે કડક ઍડ્વાઇઝરી જાહેર કરી છે. આ સૂચનામાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે કૉન્સર્ટ દરમ્યાન એવાં ગીતો ગાવામાં ન આવે જે તમાકુ, ધૂમ્રપાન કે દારૂ જેવી કુટેવોને પ્રોત્સાહન આપે.
‘ધી અલ્ટિમેટ સુનિધિ લાઇવ’ નામની આ કૉન્સર્ટનું આયોજન ગોવાના વેર્ના સ્થિત 1919 સ્પોર્ટ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં થવાનું છે. આ શોની ખાસ વાત એ છે કે એમાં પાંચ કે એથી વધુ ઉંમરનાં બાળકોને પણ પ્રવેશ આપવામાં આવ્યો છે. એને કારણે જ પ્રશાસનની ચિંતા વધી છે, કારણ કે બાળકોની હાજરીમાં ગીતોની પસંદગી ખૂબ વિચારીને કરવી જરૂરી છે.
આ સમગ્ર કાર્યવાહી ચંડીગઢના અસોસિએટ પ્રોફેસર ડૉ. પંડિતરાવ ધારેણવર દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ શરૂ થઈ છે. તેમણે સુનિધિનાં કેટલાંક પ્રખ્યાત ગીતો જેમ કે ‘બીડી જલઈ લે’ અને ‘શરાબી’ના પર્ફોર્મન્સ પર વાંધો ઉઠાવ્યો છે. ડૉ. પંડિતરાવનું માનવું છે કે આવાં ગીતો તમાકુ અને દારૂના સેવનને ગ્લૅમરાઇઝ કરે છે; બાળકોની સામે આવા પર્ફોર્મન્સ થવાથી તેમના મન પર ખરાબ અસર પડી શકે છે અને તેઓ નશીલા પદાર્થોના ઉપયોગને નૉર્મલ ગણી શકે છે.


