‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ના પ્રમોશન દરમ્યાન તેણે કરેલી એક કમેન્ટ પછી ફૅન્સ આવી ચર્ચા કરી રહ્યા છે
વરુણ ધવન અને રણવીસ સિંહની ફાઇલ તસવીર
રણવીર સિંહની ‘ધુરંધર’ ફ્રૅન્ચાઇઝીએ બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત ધમાકો કર્યો છે અને લોકોને આ ફિલ્મ બહુ પસંદ પડી છે. હવે પોતાની ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’નું પ્રમોશન કરી રહેલા વરુણ ધવને પણ આ ફિલ્મ વિશે કમેન્ટ કરી છે પણ એમાં તેણે ફિલ્મની સફળતાની સંપૂર્ણ ક્રેડિટ ડિરેક્ટર આદિત્ય ધરને આપતાં રણવીર સિંહના ફૅન્સને લાગી રહ્યું છે કે વરુણને કદાચ રણવીરની ઈર્ષા થઈ રહી છે.
તાજેતરમાં વરુણ ધવને પોતાની ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’નું પ્રમોશન શરૂ કર્યું છે. આ પ્રમોશનમાં તે પોતાના પિતા ડેવિડ ધવનનો ઇન્ટરવ્યુ લેતો જોવા મળ્યો હતો. આ દરમ્યાન એક સવાલના જવાબમાં ડેવિડ ધવને કહ્યું, ‘મને તો સમજાતું જ નથી કે કઈ ફિલ્મ હિટ થઈ છે. જે રીતે વસ્તુઓ ચાલી રહી છે, એ ખૂબ મુશ્કેલ છે. જોકે ફરી એક વાર ફિલ્મોને ઍક્ટર્સ જ ચલાવી રહ્યા છે. પહેલાં પણ આવું જ હતું અને આજે પણ છે.’
ADVERTISEMENT
આ સાંભળીને વરુણે સવાલ કર્યો કે ‘તમે ‘ધુરંધર’ જોઈ? આદિત્ય ધર જે રીતે ફિલ્મને બનાવી રહ્યા છે અને ટ્રીટ કરી રહ્યા છે એ ડિરેક્ટરની જીત કહેવાયને?’ તો જવાબમાં ડેવિડ ધવને કહ્યું કે હા, આ ડિરેક્ટરની જીત છે. આમ વરુણે અને ડેવિડે મળીને ‘ધુરંધર’ ફ્રૅન્ચાઇઝીની સફળતામાં રણવીરના ફાળાની જાહેરમાં અવગણના કરી. જોકે આ વાત બદલ બન્નેને સોશ્યલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
