Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મેટ્રોનું કામ ચાલતું ન હોત તો મારાં લગ્ન જલદી ન થયાં હોત

મેટ્રોનું કામ ચાલતું ન હોત તો મારાં લગ્ન જલદી ન થયાં હોત

Published : 20 September, 2026 12:34 AM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

ટારઝન-ધ વન્ડર કાર’ જેવી સફળ ફિલ્મ કર્યા પછી આજે તે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા નિર્મિત શૉર્ટ ફિલ્મોની કંપની ધરાવે છે. વત્સલની ગુજરાતી ફિલ્મ ‘ફિરકી’ રિલીઝ થઈ છે ત્યારે જાણીએ આ જાણીતા કલાકાર વિશે જાણવા જેવું

મેટ્રોનું કામ ચાલતું ન હોત તો મારાં લગ્ન જલદી ન થયાં હોત

મેટ્રોનું કામ ચાલતું ન હોત તો મારાં લગ્ન જલદી ન થયાં હોત


૨૦ વર્ષની નાની ઉંમરે અચાનક જ મળેલા ટીવી-બ્રેકથી ઘર-ઘરમાં જાણીતા બનેલા ગુજરાતી બિઝનેસ ફૅ‌મિલીના વત્સલ શેઠે ૨૦૧૭માં પોતાની સાથે કામ કરતી શોની લીડ ઍક્ટ્રેસ ઈશિતા દત્તા સાથે લગ્ન કર્યાં એમાં મુંબઈમાં ચાલતા મેટ્રોના કામકાજે કઈ રીતે ભાગ ભજવ્યો એ એક રસપ્રદ વાત છે. ‘ટારઝન-ધ વન્ડર કાર’ જેવી સફળ ફિલ્મ કર્યા પછી આજે તે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા નિર્મિત શૉર્ટ ફિલ્મોની કંપની ધરાવે છે. વત્સલની ગુજરાતી ફિલ્મ ‘ફિરકી’ રિલીઝ થઈ છે ત્યારે જાણીએ આ જાણીતા કલાકાર વિશે જાણવા જેવું

મુંબઈવાસીનું જીવન મુંબઈને આધારિત હોય છે. તેના દરરોજના નિર્ણયો જેમ કે કેટલા વાગ્યે ઊઠવુંથી લઈને કેટલા વાગ્યે સૂઈ શકાય એમાં પણ મુંબઈ શહેર મોટો ભાગ ભજવતું હોય છે, કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવામાં કેટલો સમય લાગશે એ વાત ઘણી મહત્ત્વની થઈ જતી હોય છે. દરરોજના આ નિર્ણયો તો ઠીક છે, જીવનના મોટા-મોટા નિર્ણયોમાં પણ શહેર માણસ સાથે જોડાયેલું છે. જેમ કે અહીં લગ્ન પણ ક્યારે અને ક્યાં રહેતા લોકો સાથે કરવાં એ નિર્ણયમાં મુંબઈ ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. ૨૦૧૬ આસપાસની વાત. ‘રિશ્તોં કા સૌદાગર-બાઝીગર’ નામનો એક ટીવી-શો ચાલી રહ્યો હતો. એનાં બન્ને લીડ ઍક્ટર્સ વત્સલ શેઠ અને ઈશિતા દત્તા પહેલી વાર આ સેટ પર જ મળ્યાં અને સાથે કામ કરતાં-કરતાં પ્રેમ થઈ ગયો. 
ટીવી-સિરિયલમાં હિરોઇન હંમેશાં આંસુ સારતી હોય છે. એના માટે ગ્લિસરીન ખૂબ લગાવવું પડે છે જે તકલીફ આપે છે. એક દિવસ ઈશિતા ખૂબ જ ગુસ્સે ભરાઈ કે કેમ મારે જ હંમેશાં રોવાનું, મારે જ ગ્લિસરીન વાપર્યા કરવાનું? ત્યારે વત્સલે ઈશિતાને કહ્યું કે ફક્ત તું નહીં, બધા જ રડશે બસ. એમ કહીને તેને હસાવવા માટે સેટ પર હાજર દરેકેદરેક આર્ટિસ્ટને ગ્લિસરીન લગાવવા કહ્યું. બધાએ એ લગાવ્યું પણ. આ દિવસે કદાચ ઈશિતાને વિશ્વાસ આવી ગયો હતો કે આ માણસ તેનાં આંસુને હાસ્યમાં બદલવાની તાકાત ધરાવે છે. જોકે તકલીફ એ હતી કે સેટ સિવાય બન્નેને મળવાનો ખૂબ પ્રૉબ્લેમ હતો. વત્સલ શેઠ જુહુમાં રહે અને ઈશિતા લોખંડવાલામાં. એટલે ખરેખર તો ૧૦-૧૫ મિનિટનો સમય લાગવો જોઈએ એકબીજાને મળવા માટે, પરંતુ એ સમયે મેટ્રોનું કામ ચાલુ હતું. બધું જ ખોદાઈ ગયું હતું. ટ્રાફિક જૅમ એટલો થઈ જતો કે કલાકો નીકળી જતા હતા. એ સમયે ઈશિતાને મળવા વત્સલને કલાકો ટ્રાફિકમાં અટવાવું ત્રાસજનક લાગવા લાગ્યું હતું. એક દિવસ દોઢ કલાક હેરાન થયા પછી જ્યારે તે ઈશિતાને મળ્યો ત્યારની વાત યાદ કરતાં વત્સલ શેઠ કહે છે, ‘મેં તેને મળતાંવેંત કહ્યું કે ઈશિતા, દરરોજ આ ટ્રાફિકનો ત્રાસ સહન નહીં થાય. વિલ યુ મૅરી મી? તને મળવા માટે હવે આ કલાકોનું વેઇટિંગ સહન નથી થઈ રહ્યું. આ સાંભળીને ઈશિતા પણ હસી પડી. અમે બન્ને એકબીજાને મળ્યાં એના માંડ એકાદ વર્ષમાં જ અમે પરણી ગયાં હતાં. આજે અમે હસતાં હોઈએ છીએ કે મેટ્રોનું કામ ચાલુ ન હોત તો કદાચ આટલા જલદી અમે પરણ્યાં ન હોત. જોકે ભલું થાય મુંબઈનું કે એણે અમને પરણાવી દીધાં.’
વત્સલ શેઠ ગુજરાતી કલાકારોમાં એક રૂપકડું નામ કહી શકાય. માંજરી આંખોવાળો છોકરો જ્યારે પહેલી વખત ટીવી પર ‘જસ્ટ મોહબ્બત’ નામના શોમાં આવ્યો ત્યારથી જ લોકોના મનમાં વસી ગયો હતો. એ પછી તરત જ તેને તેની પહેલી ફિલ્મ મળી ગઈ. એ હતી ‘ટારઝન : ધ વન્ડર કાર’ જે ઘણી જ પૉપ્યુલર ફિલ્મ બની. આજે પણ લોકોને આ ફિલ્મ યાદ છે. હીરો જેવો દેખાવ હોવા છતાં વિલનનું કામ શું કામ કરવું છે એવું કહેનારાઓની વાતને અવગણીને તેણે ટીવી પર સંજીદા શેખ સાથે ‘એક હસીના થી’ સિરિયલમાં વિલનનું કામ કર્યું. એ સમયને યાદ કરીને વત્સલ કહે છે, ‘હું એક મૉડલ તરીકે કામ કરતો હતો. એ સમયે મેં વિલન બનવાનું વિચાર્યું ત્યારે મને લોકોએ સલાહ આપી હતી કે હીરો બનો તો બ્રૅન્ડ આવે તમારી પાસે, વિલન પાસે ન આવે. જોકે મારે કંઈક અલગ કરવું હતું. હું એક ગુજરાતી પરિવારનો સીધો-સરળ છોકરો છું. ઊંચા અવાજે વાત પણ નહીં કરી હોય મેં કોઈ સાથે. મારાથી તદ્દન વિરુદ્ધ પાત્ર મારે ભજવવાનું હોય તો એક કલાકાર તરીકે એ એક મોટી ચૅલેન્જ હતી, જે મેં ઉઠાવી અને પ્રેક્ષકોને ખૂબ ગમી. ‘રિશ્તોં કા સૌદાગર-બાઝીગર’ જ્યાં હું અને ઈશિતા મળ્યાં એમાં પણ મારું નેગેટિવ પાત્ર હતું જે ખાસ્સું લોકપ્રિય બન્યું હતું.’ 
વત્સલ શેઠે ‘ઝલક દિખલા જા’માં પણ ભાગ લીધો હતો. વત્સલે આ સિવાય ‘ગહરાઈયાં’, ‘હાસિલ’, ‘કૌન હૈ’, ‘યે રિશ્તે હૈં પ્યાર કે’, ‘નાગિન ૬’ જેવી ટીવીસિરિયલોમાં કામ કર્યું છે. ‘નન્હે જેસલમેર’, ‘હીરોઝ’, ‘જય હો’, ‘પેઇંગ ગેસ્ટ્સ’, ‘તો બાત પક્કી’ ‘હૉસ્ટેલ’, ‘મલંગ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય ઘણી શૉર્ટ ફિલ્મો પણ તેણે કરી છે. અજય દેવગન અને કાજોલની ફિલ્મ ‘યુ મી ઔર હમ’માં પ્રોડક્શન ટીમ તરીકે કામ પણ કર્યું છે. અજય દેવગન સાથે મળીને તેણે દોઢ વર્ષ પહેલાં 
એક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સ્ટોરી-ટેલિંગ કંપની ‘પ્રિસમિક્સ’ની શરૂઆત કરી, જેમાં AIની મદદથી વિડિયોઝ અને શૉર્ટ ફિલ્મ્સ બનાવવામાં આવી રહ્યાં છે. એ અંતર્ગત ‘હૅપી બર્થ-ડે જોશી’ નામની એક શૉર્ટ ફિલ્મ બની જે યુટ્યુબના માધ્યમથી લાખો લોકો સુધી પહોંચી. આ ફિલ્મનું નિર્માણ જ નહીં, વત્સલે આ ફિલ્મમાં લેખનનું કામ પણ કર્યું છે. ટેક્નૉલૉજીના ક્ષેત્રમાં વિશ્વના પહેલા વાઇરસની ઓરિજિનલ સ્ટોરીમાં કલ્પનાનો ઉમેરો કરીને તેણે રસપ્રદ વાર્તા બનાવવાનો એક સફળ પ્રયાસ કર્યો છે. આવનારા સમયમાં ફિલ્મોમાં AIનો બહોળો ઉપયોગ થશે ત્યારે વત્સલ શેઠની આ કંપની એ કંપનીઓમાંની એક રહેશે જેણે આ કામની કરી હતી. 
બાળપણ 
મુંબઈના જુહુમાં ગુજરાતી બિઝનેસ પરિવારમાં ઊછરેલો વત્સલ ઘરનો મોટો દીકરો છે. તેનાથી નાનો એક ભાઈ છે. ઉત્પલ સંઘવી સ્કૂલ અને મીઠીબાઈ કૉલેજનો તે વિદ્યાર્થી રહી ચૂક્યો છે. નાનપણથી તે અત્યંત શરમાળ અને અંતર્મુખી પ્રતિભા ધરાવે છે. એ વિશે વાત કરતાં વત્સલ કહે છે, ‘હું ભણવામાં ઍવરેજ રહ્યો છું, પણ ટેક્નૉલૉજી માટે મને હંમેશાંથી એક જિજ્ઞાસા રહી છે. હું સાયન્સનો સ્ટુડન્ટ હતો. મારા એક મિત્રને ત્યાં અમે મૅથ્સનું ટ્યુશન સાથે લેતા. તે મિત્રનાં મમ્મી કાસ્ટિંગ ડિરેક્ટર હતાં અને એ સમયે તેઓ ઘણા સમયથી ‘જસ્ટ મોહબ્બત’ માટે કાસ્ટિંગ શોધી રહ્યાં હતાં. એક દિવસ અચાનક જ મને જોઈને તે કહે કે તું ઑડિશન આપ. મેં તેમને કહ્યું કે આન્ટી, મને કશું નથી આવડતું. તો પણ તેમણે મને ફોર્સ કરીને ઑડિશન માટે મોકલ્યો. આજના પ્રમાણમાં એ ઑડિશન એટલું ખરાબ કર્યું હતું મેં એ હું જ જાણું છું, પણ કદાચ નસીબ મને એ તરફ લઈ જવા માગતું હતું એટલે હું એ ઑડિશનમાં પાસ થઈ ગયો અને કામ ચાલુ થઈ ગયું. જોકે કામ બદલાયું, મારી આજુબાજુની દુનિયા બદલાઈ પણ હું આજની તારીખે પણ એવો ને એવો જ છું. મેં કામ શરૂ કર્યું ત્યારે હું ૨૦ વર્ષનો હતો. આજે હું ૪૬ વર્ષનો છું. ૨૬ વર્ષ થઈ ગયાં મારી કરીઅરને, પણ આ વર્ષો મને અંદરથી બદલી શક્યાં નથી. હું હજી પણ એવો જ રહી શક્યો છું જેવો હું નાનપણથી હતો.’
પહેલી ફિલ્મ 
સિરિયલ પછી વત્સલને તેની પહેલી ફિલ્મ કઈ રીતે મળી એ વિશે જણાવતાં તે કહે છે, ‘અબ્બાસભાઈ-મસ્તાનભાઈ અને હુસેનભાઈ એક ફિલ્મ બનાવી રહ્યા છે એવી મને ખબર પડી. હું એ માટે તેમને મળવા ગયો. અડધા કલાકની અમારી મુલાકાત પછી તેમણે કહ્યું કે હું આ ફિલ્મ કરી રહ્યો છું. આ માટે કોઈ ઑડિશન તેમણે લીધું જ નહીં. મારી હિંમત નહોતી કે હું તેમને પૂછું કે તમે મને કેમ લીધો ફિલ્મમાં? પણ ફિલ્મ બની ગઈ, હિટ થઈ એ પછી મેં તેમને પૂછેલું કે તમે ઑડિશન વગર મને કેમ લઈ લીધો? તેમણે કહ્યું હતું કે આ રોલ માટે તેમણે ૩૦-૩૫ છોકરાઓ જોયા. તું મળવા આવ્યો ત્યારે નૉર્મલ શર્ટ-પૅન્ટમાં આવેલો. તું સહજ હતો જે અમને ગમ્યું અને અમે તને લઈ લીધો. અમારા કામમાં કયા સમયે, કઈ વ્યક્તિને તમારી કઈ વસ્તુ ગમી જાય એ કહેવું અઘરું છે. કહેવાતા ગ્લૅમરવર્લ્ડમાં મને સાદા અને સહજ રહેવાને કારણે પહેલી ફિલ્મ મળી.’ 
શીખ 
વત્સલે અજય દેવગન અને સલમાન ખાન બન્ને સાથે ફિલ્મો કરી છે અને આ બન્ને સુપરસ્ટાર પાસેથી તે અઢળક શીખ્યો છે એમ જણાવતાં તે કહે છે, ‘હું અજયસર સાથે પહેલી ફિલ્મ કરી રહ્યો હતો ‘ટારઝન-ધ વન્ડર કાર’. એ સમયે હું તેમની સાથે વર્ક-આઉટ કરતો અને સવારે અમે સાથે નાસ્તો કરતા. એક દિવસ હું ગયો ત્યારે તે ખૂબ માંદા હતા. તાવ આવેલો. કસરત કરી શકે એમ હતા નહીં. મને થયું કે આજે શૂટિંગ કૅન્સલ થશે એટલે મેં તેમને કહ્યું ભલે, તો કાલે મળીએ, તમે આરામ કરો. તેમણે કહ્યું ના, શૂટિંગ તો કરીશું જ, મારા તાવ પાછળ પ્રોડ્યુસરનું નુકસાન થાય એ મને ન પોસાય.’
સલમાન ખાન સાથે વત્સલે ‘હીરોઝ’ અને ‘જય હો’ બન્ને ફિલ્મો કરી. એનો અનુભવ જણાવતાં વત્સલ કહે છે, ‘‘હીરોઝ’નું શૂટિંગ ચંડીગઢથી ઘણે દૂર હતું. એટલે ત્યાં વૅનિટી વૅન્સ એટલી મળી જ નહીં. ફક્ત બે વૅનિટી વૅન હતી. હું, સોહેલભાઈ, સલમાનભાઈ અને પ્રીતિ ઝિન્ટા હતાં. વૅનિટી વૅન પુરુષ અને સ્ત્રી એમ વહેંચાઈ ગઈ. મેં પૂછ્યું મારે ક્યાં તૈયાર થવાનું છે તો તેમણે કહ્યું કે સોહેલભાઈ, સલમાનભાઈ અને તમારી એક વૅનિટી વૅન છે. મને ભયંકર બીક લાગી. હું વૅનિટી વૅનના દરવાજા સુધી ગયો, પણ દરવાજો ખોલવાની હિંમત નહોતી. મને લાગ્યું કે તેમને જરાય નહીં ગમે કે હું એક નાનકડો આર્ટિસ્ટ તેમની સાથે વૅનિટી વૅન શૅર કરું, પણ નવાઈની વાત એ છે કે આ બધું મારા જ મગજમાં હતું. તેઓ તો એકદમ નૉર્મલ હતા. અમે એક જ વૅનિટીમાં સાથે હતા, પણ તેમને આ વાતની કોઈ જ તકલીફ નહોતી જે આ કક્ષાએ પહોંચીને હોતી નથી. એ લોકોને જોઈને હું શીખ્યો કે તે લોકો સુપરસ્ટાર એટલે છે કારણ કે તેઓ આવા છે.’  
પરિવાર 
વત્સલનાં બે બાળકો છે. દીકરો વાયુ લગભગ ૩ વર્ષનો છે અને દીકરી વેદા એક વર્ષની છે. વત્સલ પોતે એક મૉડર્ન પિતા છે. બાળકોનાં ડાયપર બદલવાથી લઈને તેમને વાર્તા કહીને સુવડાવવા જેવી જવાબદારીઓ ખુશીથી નિભાવે છે. પોતાના જીવનમાં આવેલા આ બદલાવ વિશે વત્સલ કહે છે, ‘મને ફરવું ખૂબ ગમે છે. કામસર જ્યારે પણ કશે એકાદ દિવસ જવાનું હોય તો હું ત્યાં ૨-૩ દિવસ વધુ રોકાઈને બધું ફરીને જ પાછો આવતો. હવે એવું જરાય નથી રહ્યું. હું કામ જલદીથી જલદી પતાવીને ઘરે વહેલામાં વહેલી તકે પહોંચું છું. હવે ઘરથી દૂર વધુ સમય માટે રહેવાનું ગમતું નથી.’ 



જલદી ફાઇવ
 શોખ : મારા અઢળક શોખ હતા. એક સમયે હું નેટિવ અમેરિકન ફ્લુટ વગાડવાનો શોખ ધરાવતો હતો. આજે હું બે બાળકોનો પિતા છું અને રૂટીન કામો માટે પણ સમય ફાળવવો અઘરો છે ત્યાં શોખ તો હવે બધા ભુલાઈ ગયા છે. દરેક ઉંમર અને સમય પ્રમાણે એ બદલાતું રહે છે. 
 ફોબિયા : મને ટમેટાંથી ફોબિયા છે. હું ટમેટાંને જોઈ નથી શકતો, ખાવાની તો દૂરની વાત છે. મારા ખોરાકમાં એ નથી હોતાં. એક શાકાહારી માણસને નૉન-વેજથી જેટલી તકલીફ હોય છે એટલી જ તકલીફ મને ટમેટાંથી છે. મારા મિત્રો માને છે કે ટોમા‌‌િટના ફેસ્ટિવલ મારા માટે નાઇટમેર છે. 
 બકેટ-લિસ્ટ : મને ખૂબબધું ટ્રાવેલ કરવું છે. ઘણું સારું કામ કરવું છે. મેં હમણાં જ ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું છે. મને એમાં મારી છાપ છોડવી છે. ગુજરાતી પ્રેક્ષકોને સારામાં સારો અનુભવ અપાવવો છે.  
 જો ઍક્ટર ન હોત તો શું હોત? : તો મેં ટેક્નૉલૉજીમાં જ કરીઅર બનાવી હોત, જે હું આજે પણ કરી જ રહ્યો છું. 
 સફળતાની પરિભાષા :  ભલે આ ગમે એટલું ફિલોસૉફિકલ લાગે, પણ મારા જીવનનું આ સત્ય છે કે કામમાં તમે સફળ હો એ જરૂરી છે. જોકે મારા માટે એ પહેલેથી જરૂરી હતું કે હું ખુશ છું કે નહીં, હું સંતુષ્ટ છું કે નહીં, મને આ કામમાં મજા આવે છે કે નહીં. સફળતા ત્યારે જ સાર્થક છે જ્યારે એમાં તમારી ખુશી ભળે.


Whatsapp-channel Whatsapp-channel

20 September, 2026 12:34 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK