વિજયે ફિયૉન્સે રશ્મિકાને જાહેરમાં હાથ પર કિસ કરી લીધી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડા ૨૬ ફેબ્રુઆરીએ ઉદયપુરમાં લગ્ન કરવાનાં છે એવો રિપોર્ટ છે. આ બન્નેએ સગાઈ તો ચૂપચાપ કરી લીધી, પણ તેઓ અવારનવાર એન્ગેજમેન્ટ રિંગ સાથે જોવા મળ્યાં છે. હાલમાં રશ્મિકાની લેટેસ્ટ ફિલ્મ ‘ગર્લફ્રેન્ડ’ની ઇવેન્ટમાં વિજયે જાહેરમાં રશ્મિકાના હાથ પર કિસ કરીને સરપ્રાઇઝ આપી હતી. વિજયનો જાહેરમાં આ પ્રેમ જોઈને રશ્મિકા પણ શરમાઈ ગઈ હતી.
આ ઇવેન્ટ દરમ્યાન રશ્મિકાએ વિજયને પોતાનો સપોર્ટ-સિસ્ટમ ગણાવ્યો અને જાહેરમાં કહ્યું, ‘વિજ્જુ, તું આ ફિલ્મની શરૂઆતથી એનો ભાગ રહ્યો છે. તું આ ફિલ્મની સફળતાનો ભાગ છે. તું આ આખી સફરમાં વ્યક્તિગત રીતે અમારી સાથે રહ્યો છે. હું માત્ર એટલું જ ઇચ્છું છું કે દરેક વ્યક્તિના જીવનમાં એક વિજય દેવરાકોંડા હોય કારણ કે તે એક મોટો આશીર્વાદ છે.’


