આમિર ખાને સમિટમાં ભૂતપૂર્વ પત્નીઓ તેમ જ લેટેસ્ટ ગર્લફ્રેન્ડ સાથેના સંબંધો વિશે ખૂલીને વાત કરી
આમિર ખાને ભૂતપૂર્વ પત્નીઓ રીના દત્તા અને કિરણ રાવ તેમ જ લેટેસ્ટ ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૅટ સાથેના સંબંધો વિશે ખૂલીને વાત કરી
આમિર ખાને હાલમાં દિલ્હીમાં એક લીડરશિપ સમિટમાં હાજરી આપી હતી. અહીં તેણે પોતાની ફિલ્મો ઉપરાંત ભૂતપૂર્વ પત્નીઓ રીના દત્તા અને કિરણ રાવ તેમ જ લેટેસ્ટ ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૅટ સાથેના સંબંધો વિશે ખૂલીને વાત કરી. આમિરને જ્યારે ભૂતપૂર્વ પત્નીઓ રીના દત્તા અને કિરણ રાવ સાથેની મિત્રતા અને તેમના પારિવારિક સંબંધો વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે જવાબ આપતાં તેણે કહ્યું કે ‘અમારી વચ્ચે હજી પણ મિત્રતા છે અને આ દર્શાવે છે કે અમે સારા માણસો છીએ. રીના એક અદ્ભુત વ્યક્તિ છે. હું તેની સાથે મોટો થયો છું. મેં તેની સાથે ૧૬ વર્ષ પસાર કર્યાં છે અને પતિ-પત્ની તરીકે અમે અલગ થઈ ગયાં. જોકે આનો અર્થ એ નથી કે અમે માણસ તરીકે પણ અલગ થઈ ગયાં. મને લાગે છે કે મારા હૃદયમાં રીના માટે ઘણો પ્રેમ અને સન્માન છે અને હું તેની સાથે વિતાવેલા સમયની સાચી કદર કરું છું.’
આમિર અને રીનાએ ૧૯૮૬ની ૧૮ એપ્રિલે સીક્રેટ મૅરેજ કર્યા હતા અને દીકરી ઇરા અને દીકરા જુનૈદનાં માતા-પિતા બન્યા બાદ ૨૦૦૨ના ડિસેમ્બરમાં છૂટાછેડા લીધા હતા. આમિર ખાને પત્ની રીનાને છૂટાછેડા આપ્યા બાદ ૨૦૦૫ની ૨૮ ડિસેમ્બરે કિરણ રાવ સાથે લગ્ન કર્યાં. બન્નેને એક દીકરો આઝાદ છે. આ પછી આમિર અને કિરણે ૨૦૨૧ના જુલાઈમાં છૂટાછેડા લઈ લીધા. આમિરે સમિટમાં રીના અને બીજી પત્ની કિરણ સાથેની રિલેશનશિપ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘હું ખરેખર રીના સાથે જ મોટો થયો છું. જ્યારે અમારાં લગ્ન થયાં હતાં ત્યારે અમે બન્ને ખૂબ નાનાં હતાં. તે એક અદ્ભુત વ્યક્તિ છે. એથી જ્યારે અમારા વચ્ચે મતભેદ થયા અને અમે અલગ થયા ત્યારે મને લાગે છે કે અમે માનવતાના નાતે અલગ નહોતાં થયાં, કારણ કે કદાચ અમને આવું કરવાનું મન નહોતું. કિરણ સાથે મને આવો જ અનુભવ થયો. મને લાગે છે કે કિરણ એક અદ્ભુત વ્યક્તિ છે. તેણે અને મેં પતિ-પત્ની તરીકે અલગ થવાનો નિર્ણય કર્યો છે, પરંતુ અમે એક પરિવાર છીએ અને હું આ મજાક નથી કરી રહ્યો. કિરણ, તેનાં માતા-પિતા, મારો પરિવાર, રીના, તેનાં માતા-પિતા એમ અમે બધાં ખરેખર એક પરિવાર છીએ.’
ADVERTISEMENT
ગૌરી મારા જીવનમાં શાંતિ અને સ્થિરતા લાવી છે
આમિર ખાને આ સમિટમાં તેની વર્તમાન ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૅટ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘કિરણથી અલગ પડ્યા પછી મેં નહોતું વિચાર્યું કે મને ૬૦ વર્ષની ઉંમરે ફરીથી પ્રેમ મળશે. હું વિચારતો હતો કે હું એવા મુકામ પર પહોંચી ગયો છું જ્યાં કદાચ મને કોઈ એવું મળે જે મારો સાથી બની શકે. મને એની અપેક્ષા નહોતી. ગૌરી મારા જીવનમાં ખૂબ શાંતિ લાવી છે, ખૂબ સ્થિરતા લાવી છે. તે ખરેખર એક અદ્ભુત વ્યક્તિ છે અને હું ખરેખર ખૂબ નસીબદાર છું કે તે મને મળી છે. સાચું કહું તો હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું. અમારાં લગ્ન ભલે ન ચાલ્યાં, પણ જિંદગી તો આખરે ચાલી જ પડી. મને લાગે છે કે હું આજે પણ ખૂબ ખુશ છું કે મને રીના, કિરણ અને હવે ગૌરી મળી.’


