સારા અર્જુને તેની પહેલી ફિલ્મની સફળતાને પગલે સોશ્યલ મીડિયામાં નોંધ લખીને તેને મળેલા પ્રેમ અને સપોર્ટ બદલ દર્શકોનો આભાર માન્યો
સારા અર્જુન
સારા અર્જુન પોતાની પહેલી ફિલ્મ ‘ધુરંધર’ની જબરદસ્ત સફળતાનો આનંદ માણી રહી છે. ફિલ્મમાં સારાએ યલિના જમાલીનો રોલ ભજવ્યો છે અને લોકોને તેની ઍક્ટિંગ બહુ ગમી છે. આ સફળતા વચ્ચે સારાએ પોતાના જીવનના સૌથી ખાસ ‘ધુરંધર’ને યાદ કરતાં ઇમોશનલ પોસ્ટ શૅર કરીને તેમનો આભાર માન્યો છે.
સારાએ સોશ્યલ મીડિયા પર પોતાની તસવીરો શૅર કરીને ખાસ નોંધ લખીને અપાર પ્રેમ અને સપોર્ટ બદલ દર્શકોનો દિલથી આભાર માન્યો અને તેમને તેના સૌથી મજબૂત ધુરંધર ગણાવ્યા.
ADVERTISEMENT
સારાએ આ પોસ્ટમાં લખ્યું હતું કે ‘લાંબા સમયથી લોકો કહેતા આવ્યા છે કે આજકાલ દર્શકો પાસે લાંબી વાર્તાઓ જોવા માટે ધીરજ નથી, તેમનું ધ્યાન ઝડપથી ભટકી જાય છે અને સિનેમાની જગ્યા ઓછી રહી ગઈ છે. તમે સૌએ આ વાત ખોટી સાબિત કરી છે અને જણાવ્યું છે કે જ્યારે લોકો કોઈ વસ્તુમાં ખરેખર વિશ્વાસ કરે છે ત્યારે દર્શકોની શક્તિ કેટલી મોટી હોઈ શકે છે.’
સારાએ ‘ધુરંધર’ની સફળતાનું શ્રેય દર્શકોને આપતાં કહ્યું હતું કે ‘ફિલ્મ ‘ધુરંધર’ની આ સફળતા સંપૂર્ણપણે તમારા કારણે છે. તમારા દરેકનો પ્રેમ, દરેકનો સપોર્ટ આ ફિલ્મને આગળ વધારવામાં મદદરૂપ બન્યો છે. એ માટે હું જેટલો આભાર માનું એટલો ઓછો છે. અમે કલાકારો અને ફિલ્મ બનાવનારાઓ પ્રક્રિયાના દરેક ભાગને નિયંત્રિત કરી શકીએ છીએ, પરંતુ દર્શકો પર અમારો કોઈ કાબૂ નથી અને એ જ વાત સૌથી સુંદર છે. જ્યારે આવું કનેક્શન બને છે ત્યારે એ અતિ સંતોષકારક અનુભવ બની જાય છે.’
દર્શકોનો દિલથી આભાર માનતાં સારાએ લખ્યું હતું કે ‘મને જે સ્નેહ, હિંમત અને સકારાત્મકતા મળી છે એને માટે હું અત્યંત કૃતજ્ઞ છું. ભગવાન સમક્ષ અને આપ સૌ સમક્ષ હું માથું ઝુકાવીને દિલથી આભાર માનું છું. મેં હજી મારી શરૂઆત જ કરી છે. જે પ્રકારની ફિલ્મોમાં હું કામ કરી રહી છું અને જે પ્રકારનું કામ કરવાનો પ્રયાસ કરી રહી છું એ માટે આટલો વહેલો મળેલો આટલો પ્રેમ મારા માટે બહુ મોટો છે. આ બધું મને આગળ વધવા માટે ઘણી શક્તિ આપે છે. અંતમાં કહું છે કે અભિનય એક કલા છે. આપણે જે કરીએ છીએ એ એટલા માટે કરીએ છીએ કે કોઈ એને અનુભવી શકે. તમે આ વાર્તાને ખરેખર અનુભવી અને એ તમારા સુધી પહોંચી છે જે એક મોટી જીત છે. આનું શ્રેય હું જાતે લેતી નથી, આ બધું ફિલ્મ બનાવનારાઓનું છે. હું તો ફક્ત ખુશ છું કે હું એનો એક ભાગ બની શકી અને એનાથી પણ વધારે ખુશ છું કે તમે આ જીતને તમારી પોતાની બનાવી.’
અંતમાં સારાએ આભાર માનતાં કહ્યું કે ‘નવા વર્ષની શરૂઆત કરતી વખતે હું આપ સૌને સારી તબિયત, પ્રેમ, પ્રગતિ, શાંતિ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવું છું. મને જોવા, સપોર્ટ કરવા અને પ્રેમ આપવા બદલ આભાર. હું ટીમમાં સૌથી નાની છું, પરંતુ આખી ટીમ તરફથી તમને આભાર કહેવાનું સાહસ કરી રહી છું.’


