ઘણા એવા પ્રસંગો બનતા હોય છે જ્યારે કોઈ જ લાંબો સંબંધ ન હોય છતાં પણ આપણા જીવનમાં દીવો બનીને કોઈક આવે અને જીવનને ઝળહળતું કરી દે. આજે દિવાળી નિમિત્તે અગ્રણી સેલિબ્રિટીઝ મિડ-ડે સાથે શૅર કરે છે પોતાના જીવનના એ અજાણ્યા દીવાઓની વાતો જેમણે અનાયાસ જ તેમના જીવનને તેજોમય બનાવ્યું છે અને સાથે જ પોતાને વધુ બહેતર વ્યક્તિ બનવા માટેની પ્રેરણા પણ આપી દીધી
દીવાનો સ્વભાવ છે અજવાળું પાથરવાનો. જે પણ એ દીવાના પ્રકાશમાં આવે છે એને એ અજવાળી જાય છે. એ સમયે દીવો એ પણ નથી વિચારતો કે તમે દીવામાં તેલ પૂરનારા છો કે દીવો બુઝાવનારા છો. તમારે માત્ર એ દીવાના રેડિયસમાં આવવાનું અને એ તમને અજવાળશે. હકારાત્મકતાનું પ્રતીક ગણાતા દીવા જેવો જ સ્વભાવ ધરાવતા કેટલાક માનવો પણ હોય છે જેમનો સ્વભાવ નિ:સ્વાર્થભાવે માત્ર સામી વ્યક્તિને, પોતાની આસપાસના વાતાવરણને આબાદ કરવાનો છે. એવા જ કેટલાક માનવદીવાઓની વાત લઈને આજે અમે આવ્યા છીએ. આ વાત કરી રહ્યા છે મનોરંજન ક્ષેત્ર સાથે સંકળાયેલા કેટલાક અગ્રણીઓ. જ્યારે તેમના જીવનને નિ:સ્વાર્થભાવે અજવાળનારી વ્યક્તિઓ વિશે તેમને પુછાય છે ત્યારે તેમના સ્વરમાં આર્દ્રતા ભળે છે, તેમની વાણી સંવેદનશીલ થઈ જાય છે અને નોસ્ટૅલ્જિયાની એ વાતો તેમની આંખોમાં ચમક ઉમેરે છે. આ દિવાળીએ જાણીએ, માણીએ અને અનુસરીએ એ અજવાળાની તાકાતને કેટલાક જીવંત અનુભવો સાથે જે આપણા માટે રિમાઇન્ડર બની શકે કે એ દીવો આપણે પણ બની શકીએ અને ક્યારેક કોઈકના જીવનને અપેક્ષા વિના અજવાળી શકીએ.
20 October, 2025 01:14 IST | Mumbai | Ruchita Shah