એક વાર ઘરે આ ભાંડો ફૂટ્યો ત્યારે પપ્પા વઢવાને બદલે એવું બોલેલા કે આ તો મોટો થઈ ગયો : ત્રીજા ધોરણથી બાળનાટકો કરવા માંડેલા યશ સોનીને ૧૭ વર્ષની ઉંમરે પહેલી ફિલ્મ છેલ્લો દિવસ આૅફર થઈ અને તેનું ભણવાનું છૂટી ગયું
યશ સોની
આજથી ૧૦ વર્ષ પહેલાં ૨૦૧૫માં રિલીઝ થયેલી ફિલ્મ ‘છેલ્લો દિવસ’ માટે એમ કહેવાય છે કે એ ગુજરાતી ફિલ્મો માટે મોટો વળાંક સાબિત થઈ જેણે યુવા વર્ગને થિયેટર સુધી ખેંચી લાવવામાં મોટી ભૂમિકા ભજવી. એ ફિલ્મની સફળતા બાદ ગુજરાતી સિનેમામાં કૉમેડી અને યુવાકેન્દ્રિત ફિલ્મોનો પ્રવાહ શરૂ થયો. ‘છેલ્લો દિવસ’ની સફળતા સાથે જ ફિલ્મના લીડ ઍક્ટર યશ સોનીને તેની ડેબ્યુ ફિલ્મથી જ સફળતાનો સ્વાદ મળી ગયો. નિખિલના પાત્રથી તે લોકોમાં ઓળખાતો થઈ ગયો. આ ફિલ્મ માટે તેણે અભ્યાસમાંથી બ્રેક લીધો, જે તેના જીવનનો સૌથી મોટો વળાંક સાબિત થયો.
ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો ૨૦૧૫થી લઈને ૨૦૨૫ સુધીમાં યશે ‘છેલ્લો દિવસ’, ‘શું થયું?’, ‘ચાલ જીવી લઈએ’, ‘રાડો’, ‘નાડીદોષ’, ‘ફક્ત મહિલાઓ માટે’, ‘ત્રણ એક્કા’, ‘ડેની જિગર’, ‘જગત’, ‘ફક્ત પુરુષો માટે’ અને ‘ચણિયા ટોળી’ જેવી ફિલ્મો કરી છે. આ ફિલ્મોમાં તેણે અલગ-અલગ ભૂમિકાઓ કરી છે જેમાં રમૂજી, ભાવુક, ગંભીરથી લઈને આક્રમક બધા જ પ્રકારનાં પાત્રો ભજવ્યાં છે. વાસ્તવિક જીવનના યશ સાથે કઈ ફિલ્મની પર્સનાલિટી સૌથી વધારે મૅચ થાય છે એનો જવાબ આપતાં તે કહે છે, ‘હું બહુ શાંત માણસ છું. અફકોર્સ, હું જે છું એ મારે હંમેશાં માટે નથી રહેવું. એક અભિનેતા તરીકે મારી સૌથી મોટી આઝાદી એ છે કે મારે આખી જિંદગી માત્ર યશ બનીને રહેવાની જરૂર નથી. હું મારી જાતને બદલી શકું છું, કોઈ બીજાના વ્યક્તિત્વમાં ઊતરી શકું છું અને તેમના દૃષ્ટિકોણથી આ દુનિયાને જોઈ શકું છું. એટલે મને હંમેશા એવાં પાત્રો આકર્ષે છે જેનાં લક્ષણો કંઈક અલગ અને રસપ્રદ હોય. એકધારી કે મૉનોટોનસ ભૂમિકાઓ ભજવવામાં મને જરાય રસ નથી. એક કલાકાર તરીકે હું હંમેશાં નવા શેડ્સ એક્સપ્લોર કરવા માટે ઉત્સાહિત હોઉં છું. જેમ કે મારી લેટેસ્ટ ફિલ્મ ‘ચણિયા ટોળી’માં મારું પાત્ર ખૂબ જ રસપ્રદ છે. આ એક એવું કૅરૅક્ટર છે જે કદાચ સીધી રીતે દરેક કામમાં સામેલ નથી દેખાતું, પરંતુ વાર્તામાં બનતી દરેક ઘટના પાછળનું અસલી મગજ એ જ છે. આ ફિલ્મ એક સાધારણ શિક્ષકની આસપાસ ફરે છે, જે ભ્રષ્ટાચારથી પીડિત ગામમાં સાત મહિલાઓની મદદથી અન્યાયી બૅન્કને લૂંટવાનો અને સિસ્ટમને પાઠ ભણાવવાનો બોલ્ડ પ્લાન બનાવે છે. ફિલ્મનો વિષય અને વાર્તા આપણે જે ગુજરાતી ફિલ્મો અત્યાર સુધી જોતા આવ્યા છીએ એનાથી એકદમ હટકે છે.’
ADVERTISEMENT
રોલ કે લિએ કુછ ભી કરેગા
યશ અભિનયની સાથે પોતાની ફિટનેસ માટે પણ જાણીતો છે. સોશ્યલ મીડિયા પર ઘણી વાર તે જિમ-ટ્રેઇનિંગના વિડિયો પોસ્ટ કરતો હોય છે એટલું જ નહીં, યશ તેની ફિલ્મોના પાત્રને લઈને વજન વધારતો અને ઓછું પણ કરતો હોય છે. સામાન્ય રીતે હૉલીવુડ અને બૉલીવુડના કલાકારોમાં જોવા મળતું બૉડી-ટ્રાન્સફૉર્મેશનનું કલ્ચર ગુજરાતી ફિલ્મજગતમાં એટલું જોવા મળતું નથી. એવામાં કોઈ એક પાત્ર માટે આટલો બધો પરસેવો પાડવાની પ્રેરણા ક્યાંથી મળે છે એનો જવાબ આપતાં યશ કહે છે, ‘‘રાડો’ ફિલ્મમાં મસ્ક્યુલર લુક મેળવવા માટે મેં સખત મહેનત કરીને મસલ્સ બનાવ્યા હતા. એ માટે મેં ૧૦ કિલો વજન વધારેલું. ટ્રાન્સફૉર્મેશન શરૂ કરેલું ત્યારે ૮૩ કિલો વજન હતું, જ્યારે ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું ત્યારે એ વધીને ૯૩ કિલો થઈ ગયેલું. ‘ચણિયા ટોળી’માં હું શિક્ષકની ભૂમિકામાં છું તો મેં મારા જીવનમાં જેટલા શિક્ષકો જોયા છે તેમના જેવા દેખાવ માટે મેં મારું વજન થોડું વધાર્યું હતું જેથી પાત્રમાં એ ગંભીરતા ઉમેરાય. ‘નાડીદોષ’માં મારે સિક્સ-પૅક ઍબ્સ દેખાડવાના હતા. એ સમયે મારું પેટ માટલા જેવું હતું અને મારી પાસે ફક્ત ત્રણ મહિનાનો સમય હતો. નો ડાઉટ, હું બૉડીસૂટ પહેરીને એ ટ્રાન્સફૉર્મેશન દેખાડી શકું છું, પણ એ પહેરવાથી મારી બૉડી-લૅન્ગ્વેજમાં ફરક નહીં આવે. હું વાસ્તવિકતામાં મસ્ક્યુલર બૉડી બનાવીશ ત્યારે મારી ચાલવાની ઢબ બદલાઈ જશે, મારું પૉશ્ચર બદલાઈ જશે, મારા બોલવાની રીત બદલાઈ જશે. એ બધા ચેન્જિસ મને મારા પાત્રમાં જોઈએ છે.’
જાનકી સાથેની મૅજિકલ કેમિસ્ટ્રી
યશ સોની અને અભિનેત્રી જાનકી બોડીવાલાની જોડીને ગુજરાતી સિનેમાની સૌથી પ્રિય જોડી માનવામાં આવે છે. જ્યારે પણ બન્ને સાથે હોય છે ત્યારે ચાહકો તેમને યશકી (YashKi) તરીકે ઓળખાવે છે. યશ સોનીએ હંમેશાં તેમના સંબંધોને મળતા આ પ્રેમને આવકાર્યો છે. બન્ને વચ્ચે ‘કંઈક’ હોવાની અટકળો પણ અવારનવાર થતી રહે છે. યશ અને જાનકીએ ‘છેલ્લો દિવસ’, ‘નાડીદોષ’ ફિલ્મમાં સાથે કામ કર્યું છે, જ્યારે ‘ચણિયા ટોળી’ ફિલ્મમાં પણ જાનકી એક આઇટમ સૉન્ગમાં છે. જાનકી સાથેના પોતાના સંબંધો અને તેની સાથે કામ કરવાના અનુભવો વિશે ખૂબ જ સંતુલિત રીતે જવાબ આપતાં યશ કહે છે, ‘જાનકી મારી ફેવરિટ કો-સ્ટાર છે. તમને જાણીને નવાઈ લાગશે કે ‘નાડીદોષ’માં આખી ફિલ્મના શૂટ દરિમયાન હાય-હેલોથી વધારે કોઈ ખાસ વાત નથી થઈ. તેમ છતાં અમારી આટલી સારી કેમિસ્ટ્રી બની. એનું કારણ એ છે કે સામેવાળો ઍક્ટર એટલી સારી રીતે પર્ફોર્મ કરતો હોય, એ પર્ટિક્યુલર સીનને સમજતો હોય અને એ પ્રકારની એનર્જી ક્રીએટ કરતો હોય ત્યારે તમારાં રીઍક્શન્સ બહુ શાર્પ અને ડિફાઇન થઈ જાય. હું માનું છું કે ઍક્ટિંગ ઇઝ ઑલ અબાઉટ રીઍક્ટિંગ. ડાયલૉગ જે લખેલા હોય એ હું કઈ રીતે બોલીશ એ મને ખબર છે, પણ તમે જે કહેશો અને એના પર હું રીઍક્ટ કરીશ એ બહુ ઇન્સ્ટિંક્ટિવ છે. જાનકી જે રીતે પર્ફોર્મ કરતી હોય, એની જે એનર્જી આવે અને એમાં નૅચરલી મારાં જે રીઍક્શન આવે એમાં કામ કરવાની બહુ મજા છે. સામે સારો ઍક્ટર હોય તો તમારાં રીઍક્શન આપોઆપ ખૂબ પાવરફુલ થઈ જાય. જાનકી સાથેની મારી ઑન-સ્ક્રીન કેમિસ્ટ્રી ખૂબ સહજ અને કમ્ફર્ટેબલ છે. જાનકીનો કામ પ્રત્યેનો અભિગમ મને બહુ ગમે છે. તેની પાસેથી હું ઘણું શીખું છું. ‘વશ’ ફિલ્મ માટે તેને નૅશનલ અવૉર્ડ મળ્યો. મારા માટે આ ખૂબ પ્રેરણાદાયક છે.’
મસ્તીખોર અને અભિનયપ્રેમી
યશનો ઉછેર અમદાવાદમાં થયો છે. ચંદ્રેશભાઈ અને લીનાબહેનનો તે મોટો દીકરો છે. યશનો તેનાથી ૧૦ વર્ષ નાનો એક ભાઈ કાવ્ય છે. યશ બાળપણમાં ખૂબ રમતિયાળ અને મસ્તીખોર હતો. યશ સ્કૂલમાંથી બંક મારીને મિત્ર જોડે પિક્ચર જોવા માટે જતો. યશે ખૂબ નાની ઉંમરથી થિયેટરમાં કામ કરવાનું શરૂ કરી દીધેલું. બાળપણની વાતોને યાદ કરતાં તે કહે છે, ‘સ્કૂલમાંથી બંક મારીને મિત્રો સાથે હું દર શુક્રવારે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો પિક્ચર જોવા જતો. ઘરવાળાઓને એમ હોય કે હું સ્કૂલ ગયો છું. એક દિવસ એવું થયું કે ઘરે મારો ભાંડો ફૂટી ગયો. ઘરમાં ગંભીર વાતાવરણ હતું. હું પણ ડરેલો હતો. મને એમ કે આજે તો વાટ લાગી જશે. જોકે મારા આશ્ચર્ય વચ્ચે પપ્પા ફક્ત એટલું બોલ્યા કે ‘મોટો થઈ ગયો આ’. મારા પપ્પા ખૂબ કૂલ નેચરના છે. મને બાળપણથી ખૂબ જ સપોર્ટિવ એન્વાયર્નમેન્ટ મળ્યું છે. તેમણે મને ખીલવા દીધો છે. મને મારી રીતે જીવવા દીધું છે. આજે હું જ્યાં પણ છું એ તેમના કારણે જ છું એવું મારું માનવું છે. મેં ત્રીજા ધોરણથી બાળનાટકોમાં કામ કરવાનું શરૂ કરી દીધેલું, પણ સાતમા ધોરણમાં મારી મુલાકાત થિયેટર-લેજન્ડ નિમેશ દેસાઈસાહેબ સાથે થઈ. તેમણે મારી ઍક્ટિંગ-કરીઅરને શેપ આપ્યો એમ હું કહી શકું. બારમું ધોરણ પતાવીને મેં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં આર્ટ્સમાં ઍડ્મિશન લીધું. એ સમયગાળામાં જ મને ૧૭ વર્ષની ઉંમરે ‘છેલ્લો દિવસ’ ઑફર થઈ. શૂટિંગ માટે રજાઓ લેવી પડી. ઘણીબધી રજાઓ થઈ જતાં કૉલેજે બ્લૅક-લિસ્ટમાં નાખી દીધો. ભણવામાંથી રસ પણ ઊડી ગયેલો. એટલે પછી ભણતરને બ્રેક જ મારી દીધી. આમ પણ ફિલ્મમાં તો બ્રેક મળી જ ગયો હતો.’
જલદી ફાઇવ
ડ્રીમ વેકેશન પ્લેસ : એમ તો ઘણીબધી છે. મારે હિમાચલ પ્રદેશમાં સ્પીતિ વૅલી, ચિતકુલમાં પહાડોની વચ્ચે સારો સમય વિતાવવો છે.
કોઈ સીક્રેટ ટૅલન્ટ? : આ મારી ટૅલન્ટ છે કે નહીં ખબર નહીં, પણ મને ફોટોગ્રાફી કરવી ગમે. ખાસ કરીને સ્ટ્રીટ-ફોટોગ્રાફી ખૂબ ગમે. હું અને મારો મિત્ર અમે કોઈ એક સ્ટ્રીટ પકડી લઈએ અને પછી ત્યાં ફોટોગ્રાફી કરવા નીકળીએ.
લાઇફની ફિલોસૉફી : કોઈનું ખરાબ વિચારવું નહીં, કોઈનું ખરાબ કરવું નહીં, કોઈ વસ્તુનું વધારે પ્રેશર લેવું નહીં. તમે રાત્રે શાંતિથી ઊંઘી શકો એ જ તમારી સૌથી મોટી અમીરાઈ છે.
ઍક્ટર ન હોત તો? : કદાચ ઍક્ટર બનવા માટે સ્ટ્રગલ કરી રહ્યો હોત. મારા દિમાગમાં બીજું કંઈ ક્યારેય આવ્યું જ નથી. તમને ખબર હોય કે તમારે આ જ કરવાનું છે તો પછી એ કામ પ્રત્યેની તમારી મહેનત, ગંભીરતા વધી જાય.
શોખ : મને વૉલીબૉલ રમવું ખૂબ ગમે છે. હું રેગ્યુલર બેઝિસ પર રમું છું. મારા માઇન્ડને એ રિફ્રેશ કરે છે.


