રોમાનિયન ડાયરેક્ટર બોગદાન મુરેશાનુની ફિલ્મ `ન્યુ યર ધેટ નેવર કેમ`ને 55મા IFFI ગોઆમાં શ્રેષ્ઠ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો છે. વૈશ્વિક સ્તરે 14 એવોર્ડ મેળવી ચુકેલી આ ફિલ્મ એક રાજકીય કટાક્ષ છે અને રાજકીય સિનેમા બનાવનારાઓ માટે એખ સિમાચિહ્ન સમાન છે
ન્યુ યર ધેટ નેવર કેમ ફિલ્મનું પોસ્ટર અને ડાયરેક્ટર બોગદાન મુરેશાનુ
કી હાઇલાઇટ્સ
- રોમાનિયન ક્રાંતિના અંતે સામાન્ય લોકોની જિંદગીમાં પર તેના પ્રભાવની વાત આ ફિલ્મમાં કરાઇ છે
- આ ફિલ્મ એક દ્રષ્ટાંત છે કે રાજકીય ફિલ્મ કેવી રીતે બનવી જોઇએ
- યુરોપિયન સિનેમામાં આ ફિલ્મ એક સિમા ચિહ્ન સાબિત થઇ છે
બોગદાન મુરેશાનુ (Bogdan Mureșanu) રોમાનિયન ફિલ્મ ડાયરેક્ટર છે અને બુખારેસ્ટ, રોમાનિયામાં (Romania) રહે છે. તે 55મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ગોઆ (55th IFFI GOA) નિમિત્તે ભારતના મહેમાન બન્યા. 2024ના નવેમ્બર મહિનામાં યોજાયેલા IFFIમાં તેમને ફિલ્મ “ન્યુ યર ધેટ નેવર કેમ” (New Year that Never Came) (Romanian: Anul Nou care n-a fost) )માટે શ્રેષ્ઠ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો. તેમની આ ફિલ્મ ઇન્ટરનેશનલ ફિલ્મ સર્કિટમાં ખુબ સરાહના મેળવી રહી છે. બોગદાન આ ફિલ્મના દિગ્દર્શક જ નહીં પણ લેખક અને પ્રોડ્યુસર પણ છે. આ ફિલ્મ અત્યાર સુધી 20 ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવમાં પસંદગી પામી છે ને તેને 14 એવોર્ડ્ઝ મળ્યા છે જેમાં ઇફ્ફી ગોઆ ઉપરાંત વેનિસ ફિલ્મ ફેસ્ટિવલના ઓરિઝોન્ટી સેક્શનમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે, કૈરો ઇન્ટરનેશલ ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વોચ્ચ સન્માન ધી ગોલ્ડન પિરામીડ અને પામ સ્પ્રિંગ ઇન્ટરનેશલ ફિલ્મ ફેસ્ટિવલમાં ન્યુ વૉઇસિઝ ન્યુ વિઝન એવોર્ડ કેટેગરીમાં, યુરોપિયન સિનેમાને સમર્પિત અરાસ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ આ ફિલ્મને બિરદાવવામાં આવી છે. એક રોમાનિયન ફિલ્મ અને તેના ડાયરેક્ટર વિશે વાત કરવું જરૂરી એટલા માટે બને છે કારણકે અત્યારની દુનિયામાં બદલાતો સમય, સતત બદલાતું રાજકારણ, જિઓ-પોલિટિકલ સંજોગો બધું જ એક એવા ભવિષ્યની કેડી પર આગળ વધી રહ્યું છે જ્યાં અસમંજસ અને અણધારી પરિસ્થિતિઓ સામાન્ય બનતી જશે. આવા સંજોગોમાં રાજકીય કટાક્ષ કરતી ફિલ્મ કેવી રીતે બની શકે તેની દિશા સિને ચાહકોને મળે.
ADVERTISEMENT
ફિલ્મ ‘ન્યુ યર ધેટ નેવર કેમ’ વિશે જાણવું જરૂરી છે જેથી તેમની સાથેની વાતચીતના સંદર્ભ કળવા સરળ બને. કોઇ સામાન્ય ફિલ્મ બફ કે લોક-કથાના ચાહકને માટે રોમાનિયા એ દેશ હોઇ શકે જે વેમ્પાયર્સ અને ડ્રેક્યુલાઝની દંતકથાઓ માટે જાણીતો છે પણ પૂર્વ યુરોપના આ દેશની સંસ્કૃતિ, સ્થાપત્ય, કાર્પેથિયન પહાડો અને કાળા સમુદ્રનો કિનારો બધું જ મંત્ર મુગ્ધ કરી દે તેવું છે. તેનો ઈતિહાસ જટિલ છે, જેનું ઘડતર રોમન સામ્રાજ્ય, મધ્ય યુગિન રાજવંશ ઓટોમન એમ્પાયર અને ઑસ્ટ્રો-હંગેરિયન શાસનને થયું છે. તેના આધુનિક ઈતિહાસમાં સોવિયત યુનિયને સામ્યવાદી શાસન લાગુ કર્યા પછી સામ્યવાદને બદલે સરમુખત્યારશાહીની પકડ મજબૂત બની. આની પાછળ દેશના વડા નિકોલાઇ ચૌશેસ્કુનો બહુ મોટો હાથ છે જેમની સામે 1989ના ડિસેમ્બરમાં બળવો પોકારાયો, ક્રાંતિ થઇ અને આખરે તેમના શાસનનો અંત આવ્યો. રોમાનિયાને લોકશાહી નેવુંના દાયકામાં મળી. અત્યારે રોમાનિયા NATO અને યુરોપિયન યુનિયનનો હિસ્સો પણ છે. રોમાનિયાનો આધુનિક ઇતિહાસ લોહિયાળ અને સરમુખત્યાર રંગોથી રંગાયેલો હતો. પરંતુ નાગરિકોએ સત્તા ઉથલાવી. ક્રાંતિ વિશે પુસ્તકોમાં વાંચનારાઓ કલ્પના નથી કરી શકતા કે સામાન્ય માણસોની જિંદગી પર તેની કેવી અને કેટલી અસાધારણ અસર પડી શકે છે.
બોગદાન મુરેશાનુની ફિલ્મ ફિલ્મ ‘ન્યુ યર ધેટ નેવર કેમ’ ચૌશેસ્કુના શાસનનું પતન થયું, તેની ‘સરકાર’ પડી ભાંગી તેના ચોવીસ કલાક પહેલાંની વાર્તા છે. તેમાં છ પાત્રો છે – આ તમામ સામાન્ય માણસો છે, કોઇ રાજકીય હોદ્દા પર કામ કરનારા કે દેશમાં ચાલી રહેલી ક્રાંતિમાં કોઇ દેખીતો ભાગ નથી ભજવી રહ્યાં છતાં. દરેકનાં પોતાનાં પ્રશ્નો છે. પણ આસપાસ જે ચાલી રહ્યું છે તેનો તેમની જિંદગી પર કેવો પ્રભાવ પડે છે તે વાત ફિલ્મમાં વણી લેવાઇ છે. આમ જોવા જઇએ તો આ એક એવી ઘટના છે જેનો પ્રભાવ યુનિવર્સલ હોય છે. એક માન્યતા એવી છે કે રાજકીય સામાજિક ક્રાંતિ, બદલાવ, વિરોધ કંઇપણ થતું હોય ત્યારે તેમાં આમ જનતાને કોઇ ફેર પડતો નથી. પરંતુ એ માન્યતા ભૂલ ભરેલી છે જે આ ફિલ્મ જોઇને સમજાય છે. ફિલ્મ ‘ન્યુ યર ધેટ નેવર કેમ’ની ફ્લેવર ડાર્ક હ્યુમર છે, રાજકીય કટાક્ષમાં રમુજ પણ વણી લેવાઇ છે.
View this post on Instagram
આ એક પિરિયડ ફિલ્મ છે અને ઈતિહાસને સટિકતાથી કેવી રીતે દર્શાવવો જોઇએ, તેનું સિનેમેટિક દસ્તાવેજીકરણ કેવી રીતે કરવું જોઇએ, કેવી રીતે થવું જોઇએ તે આ ફિલ્મ આબાદ દર્શાવે છે. આ ફિલ્મ એક દ્રષ્ટાંત છે કે રાજકીય ફિલ્મ કેવી રીતે બનવી જોઇએ. ફિલ્મનું દરેક પાત્ર દેશમાં ચાલી રહેલી ક્રાંતિનું સાક્ષી તો છે જ પણ સાથે તેમની અંગત લડત પણ ચાલુ છે, દરેક પાત્ર એક પર્સનલ કટોકટીમાંથી પસાર થઇ રહ્યું છે, તાણમાં છે અને એવા નિર્ણય લેવાના મુકામે છે જે તેમની જિંદગી બદલી શકે છે. આ સમય ડિસેમ્બર 1989નો છે. એક આશાસ્પદ એક્ટરને એજન્ડા ડ્રિવન ટેલિવિઝન શોમાં ભાગ લેવો પડે એમ છે અને તે તેને ગળે નથી ઉતરતું, બીજી તરફ એક નાનકડો છોકરો સાન્તાક્લોઝને પત્ર લખીને ઘરનાં બધાં સભ્યો માટે ભેટ માંગે છે જેમાં તે પિતા તરફથી માંગે છે કે “નિક અંકલ મરી જાય તો સારું” – આ નિક અંકલ એટલે કે સરમુખત્યાર શાસનકર્તા નિકોલાઇ ચૌશેસ્કુ. આ એવો વખત હતો જ્યારે ત્યાં લોકોને સતત એમ લાગતું કે તેમના પર સરકારની, સરકારી જાસુસોની નજર છે. નિર્દોષ દીકરાએ ટપાલ પેટીમાં નાખેલો પત્ર પાછો મેળવવાની પિતાની ગડમથલ કેમેરામાં આબેહુબ કંડારાઇ છે. બે જુવાનિયાઓ સરમુખત્યાર ચૌશેસ્કુ સામે ચાલી રહેલી ક્રાંતિ અને અરાજકતાથી દૂર સરહદ પાર કરીને બીજે જવા માંગે છે, તેમની એક વાર્તા છે તો એક સ્ત્રી જેણે આખી જિંદગી જે ઘરમાં પસાર કરી છે તે ઘર તોડી પડાવાનું છે તેની પીડાની વાત આ ફિલ્મમાં છે. છએ પાત્રોની જિંદગીઓ એકબીજા સાથે જોડાયેલી છે અને તેમની જિંદગીના ચોવીસ કલાકમાં રાજકીય તખ્તો પલટાઇ જાય છે. તણાવ ભર્યા રાજકીય સામાજિક માહોલની પૃષ્ઠભૂમિ પર ચાલી રહેલી વાર્તામાં કટાક્ષ સ્થાયી ભાવ છે. આ ફિલ્મ હાલમાં પણ અનેક પ્રતિષ્ઠિત ફેસ્ટિવલ્સમાં પ્રસંશા મેળવી રહી છે.
આપણે આપણા દેશમાં બનતી રાજકીય કે ઐતિહાસિક ફિલ્મો જોઇએ છીએ. વળી સર્જનાત્મકતા પર પ્રતિબંધો અને વિરોધોના બનાવો પણ આપણે માટે નવા નથી. આપણે ત્યાં ભારતમાં પ્રોપેગેન્ડા ફિલ્મોની યાદી લાંબી થઇ રહી છે જેમાં સિનેમાની કળા નેવે જ મુકાયેલી હોય છે. આ સંજોગોમાં બોગદાન મુરેશાનુના આ ફિલ્મ બનાવવા પાછળના ઉદ્દેશ, તેમના ક્રાફ્ટ, રાજકીય વિચારધારાને સમજવા એ દરેક માટે અનિવાર્ય છે જે રાજકીય સામાજિક સંજોગો પર સિનેમાને પડદે કંઇ ઉતારવા માગતું હોય. યુરોપિયન સિનેમાની સ્થાપના સરકારે – સ્ટેટે કરી છે અને આ સંજોગોમાં ત્યાં નવાસવા દિગ્દર્શકો પોતાના દેશ વિશે સાચી વાત કરનારી ફિલ્મો બનાવતા ખચકાય છે. આવા સંજોગોમાં બોગદાને અલગ ચિલો ચાતરતી ફિલ્મ બનાવી અને તેમને મળેલો પ્રતિસાદ એ વાતનો પુરાવો છે કે લોકો ઈતિહાસનું સત્ય જાણવા, સ્વીકારવા, અને તેને આધારે વર્તમાનને સવાલ કરવા માટે તત્પર હોય છે. ક્રાંતિ હોય કે વર્તમાન સંજોગો પર સવાલ પૂછવાની શરૂઆત હોય તેને સિનેમાના પડદે કંડારાયેલી વાર્તાથી પણ દિશા મળી શકે છે.
બોગદાન મુરેશાનુએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતઇમાં ભારત પ્રવાસનો અનુભવ, આ ફિલ્મ બનાવવાની અનિવાર્યતા, ફિલ્મને મળી રહેલા પ્રતિસાદ અને ફિલ્મ સાથે સંકળાયેલી ઘણી વાતો કરી. તેમની સાથેનો સંવાદ રસપ્રદ અને વૈચારિક પ્રેરણા પુરો પાડે તેવો છે.
એશિયાના સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલ IFFIમાં મળેલું સન્માન અને ભારતની પહેલી મુલાકાત આ બંન્ને અનુભવો વિશે જણાવશો.
IFFI GOA બહુ મોટો ફિલ્મ ફેસ્ટિવલ છે અને યુરોપમાં તેની ખૂબ પ્રતિષ્ઠા છે. ભારતની મુલાકાત લેતાં પહેલાં મારા મનમાં ભારત એક બહુ જ એક્ઝોટિક સ્થળ છે તેવી કલ્પના હતી અને એ બિલકુલ સાચી પડી. રોમાનિયન સંસ્કૃતિમાં ભારતની એક આધ્યાત્મિક દેશ તરીકેની છાપ છે. અમે લોકો ભારત વિશે એ જ રીતે વિચારીએ છીએ. આ એક સાંસ્કૃતિક પ્રવાસ પણ હતો, માત્ર કોઇ બીજા ખંડનો પ્રવાસ નહોતો પણ એક છબી જે મનમાં હતી તેને અનુભવવાનો પ્રવાસ હતો.
તમારી ફિલ્મ ‘ન્યુ યર ધેટ નેવર કેમ’ એ રોમાનિયન ક્રાંતિની વાત કરે છે. નેવુંના દાયકાના અંતે જ્યારે ક્રાંતિ થઇ ત્યારે તમે ટીનએજમાં હશો, તમને ત્યારની કઇ બાબતો યાદ છે?
હું ટીનએજમાં પ્રવેશી રહ્યો હતો, ઘણો નાનો હતો. મને એ વર્ષોમાં ફેલાયેલો ડર, ગોરંભાયેલો અંધકાર અને ઘીમા અવાજે થતી ગુસપુસ વાતોનો માહોલ યાદ છે. લોકો કંઇ પણ ખૂલીને બોલતાં ગભરાતા, જે બોલાતું તે ધીમા અવાજે બોલાતું જાણે રોમાનિયા એક વ્હિસ્પરિંગ કન્ટ્રી હોય. મને એ વર્ષોનું રોમાનિયા એ જ રીતે યાદ છે, અંધારિયો ઠંડોગાર માહોલ. સતત ચિંતાનો બોજ રહેતો, લોકોને લાગતું કે તેમની પર કોઇની ચાંપતી નજર છે. મારે આ જ બાબતો ફિલ્મમાં દર્શાવવી હતી અને મને લાગે છે કે હું એ કરી શક્યો છું. તેમાં કોઇ સસ્પેન્સ કે એક્શન નથી, પણ એક વાઇબ છે જેમાં આ ગોરંભાયેલો માહોલ તૂટી પડે છે. મારી ફિલ્મમાં એ છેલ્લા દિવસો છે જ્યારે દેશમાં ક્રાંતિ ચાલી રહી છે અને અંતે ચૌશેસ્કુની સત્તા પડી ભાંગે છે. ક્રાંતિની પરાકાષ્ઠા તેમાં મેં દર્શાવી છે. આ પછી ગણતરીના જ દિવસોમાં, ક્રિસમસના દિવસે તેની ગોળી મારીને હત્યા થઇ હતી.
કોઇપણ કળાનું સર્જન સંઘર્ષને અંતે થતું હોય છે, તમારી પાસે ક્રાંતિના દિવસોની તમારી પોતાની યાદો છે તેને પગલે તમે આ ફિલ્મ બનાવી એમ કહી શકાય?
મને લાગે છે કે આ વિષય પર કામ કરવું એ મારી નૈતિક ફરજ હતી કારણકે એ ક્રાંતિનું પરિણામ રોમાનિયાના જન્મનું પ્રમાણપત્ર છે. એ ક્રાંતિ લોકોએ પોતાનું સન્માન, પોતાની ડિગ્નિટી જાળવવા માટે કરી હતી, આ એ લોકો હતા જે આકરા કપરા સંજોગો સહન કરી શકે તેમ હતું જ નહીં પરિણામે તેમણે સરમુખત્યારને અને સરમુખત્યારશાહીને ઉથલાવી દીધાં.
ફિલ્મની ભાષા તેનું ગ્રામર અલગ છે, તેની ગતિ, એડિટિંગ બધું જ એક સજાગતાથી કરાયું છે. અત્યારે સ્ક્રીનનું વ્યાકરણ જુદું છે, એમાં અસહ્ય માહોલ છે અને લોકો- મારી ફિલ્મના પાત્રો આ અસંભવ સંજોગોમાંથી છૂટકારો મેળવવા માગે છે. મને એ દિવસો અંગે આ બાબતો બરોબર યાદ છે કે એ લોકો માટે સ્થિતિ બહુ વધારે પડતી જ ભારે થઇ ગઈ હતી.
મને એ પણ લાગે છે કે હવે એ ઘટનાઓથી થોડું અંતર છે. પાંત્રીસ વર્ષ થયા છે એ ઘટનાને. મારે એ સમયના એ અંતરનો પણ લાભ લેવો હતો અને એ પરિસ્થિતિને સન્માનથી પણ એક રીતે તેનાથી દૂર રહીને તેને પણ નાણવી હતી. હું ફિલ્મને ઐતિહાસ ફારસ કે મોક્યુમેન્ટરી કહીશ. પણ ફિલ્મ ચોકસાઇથી ત્યારની લાગણીઓને કંડારે છે.
ધી ક્રિસમસ ગિફ્ટ નામની શોર્ટ ફિલ્મ તમે પહેલાં બનાવી અને પછી આ આખી ફિલ્મનું યુનિવર્સ ઘડાયું. તમે પહેલાં શોટ કરેલી ફિલ્મના ફૂટેજ વાપર્યા કે પછી કંઇ નવેસરથી શૂટ કર્યું? તેની ટેક્નિકાલિટીઝ જણાવશો?
મેં એ જ ફૂટેજ વાપર્યું હતું પણ અમુક વસ્તુઓ રિ-એડિટ કરી અને કલરાઇઝ કરી અને તે ફિલ્મને હજી ટૂંકી કરી. મારે માટે ક્રિસમસ ગિફ્ટ આ ફૂલ લેન્થ ફિલ્મનું આર્કાઇવ હતી તેમ કહી શકાય.
લેખક, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર આ ત્રણેય રોલ તમે આ ફિલ્મમાં ભજવ્યા, કઇ જવાબદારી સૌથી વધુ અઘરી હતી?
પ્રોડ્યુસરની જવાબદારી સૌથી અઘરી હતી. તમે ડાયરેક્ટર પણ હો ત્યારે પ્રોડ્યુસરનો રોલ ભજવવો અઘરો થિ જાય કારણકે ડાયરેક્ટરને બધુ જ જોઇતું હોય અને પ્રોડ્યુસરને રસ્તા શોધવાના હોય. (રમુજમાં) માટે એ જાણે એક સ્ક્રિટ્ઝોફેનિક અનુભવ જેવું હતું.
તમે પત્રકાર પણ રહી ચૂક્યા છો, પૉલિટિકલ સાયન્સ ભણ્યા છો પણ ફિલ્મની વાર્તા લખવી તમારે માટે અઘરી હતી કે સરળ? આ સર્જનામત્મક લેખન હતું, પત્રકારત્વ નહોતું.
મારે માટે એ લખવું બહુ મોટો સંઘર્ષ હતો, આ ફિલ્મનો ટોન જળવાઈ રહે એ રીતે લખવું જરૂરી હતું. આ પ્રકારની ફિલ્મમાં ટોન બહુ અગત્યનો હોય છે કારણકે તેમાં સંતુલન જરૂરી છે. અડધી ફિલ્મમાં રમૂજ હોય અને બાકીની ફિલ્મમાં ટ્રેજેડી હોય તો ન ચાલે. લખાણમાં રિધમ અને ટોન જળવવા મારે માટે અઘરાં જ હતાં. વાર્તાઓ પણ સરળ નહોતી અને મને એ શોધવામાં પણ ખાસ્સી જહેમત પડી અને એ સ્વીકારવામાં પણ કે હું આ વાર્તા લખી શકીશ કારણકે મને એવો ડર હતો જ કે એ હું નહીં કરી શકું. નવું કામ કરવામાં ડર લાગે એ તો સ્વાભાવિક છે. આપણે ઘણો બધો શ્રેય સંજોગોને આપવો પડે અને ઘણીવાર તો ચમત્કાર જેવું જ લાગે. યોગ્ય ટોન મળે એ બહુ જરૂરી છે. મારે ફરી આ સ્ક્રીપ્ટ લખવાની આવે તો હું એ યોગ્ય ટોનમાં તેને લખી શકું કે કેમ તેની મને કોઈ ખાતરી નથી.
ચાળીસ એક્ટર્સ સાથે કામ કરવું એ કોઇ મોટા જહાજના કેપ્ટન હોવા જેવું છે, તમે શાંત કેવી રીતે રહ્યા? તમે બધું મેનેજ કેવી રીતે કર્યું?
હું નસીબદાર હતો કે મારી પાસે બહેતરીન એક્ટર્સ હતા જે એ જહાજમાં સવારી કરવા તૈયાર હતા. મારી સાથે આ સફરે નિકળવાનો તેમને પણ આનંદ હતો એટલે એ કામ બહુ અઘરું ન હતું. એક્ટિંગ પેરોડિકલ હતી, બહુ સાહજિક નહોતી છતાં પણ તે લોકોને ગળે ઊતરે એવી હોય તે પણ જરૂરી હતું. જાણે અભિનય કરતાં કરતાં તેઓ પણ આ ફારસ છે એમ વિચારીને હળવાશથી કામ કરતા હતાં. હું તો ફિલ્મને એ જ રીતે જોઉ છું પણ લોકો એ રીતે જુએ જરૂરી નથી અને એમ થતું પણ નથી.
તમારો રાજકીય દૃષ્ટિકોણ આ સંજોગોને કારણે ઘડાયો પણ તે સિવાય બીજા કયાં પરિબળોની તમારી પર અસર રહી છે?
સરમુખત્યારશાહીના જે વર્ષોમાં હું હતો તેમાં સ્વતંત્રતા હતી જ નહીં અને મારા બાળપણ પર તેનો પ્રભાવ હતો તે મને એ સમજાયું હતું. રોમાનિયન સમાજમાં સતત તણાવ હતો જ. દરેકને એકબીજા પર વહેમ રહેતો. આ સંજોગોએ મારી પર અસર કરી. મને ક્યારેય નોસ્ટાલજિયા નથી સમજાતો, કાં તો લોકો સદંતર ભૂલી જાય છે કે દિવસો કેટલા ખરાબ હતા. મને કોઇપણ પ્રકારના અંતિમવાદીઓ નથી સમજાતા. ક્યારેય નહીં. બીજા લોકોની સ્વતંત્રતાઓ પર બાધ મુકનારા લોકો મને ક્યારેય નથી સમજાતા. મને લાગે છે કે તે માનવીય નથી, તેઓ માણસજાતને પુરતો પ્રેમ નથી કરતા માટે આમ કરે છે. મને લાગે છે કે માણસ તરીકે સ્વતંત્રતા આપણને વ્યાખ્યાયિત કરે છે. લેપટોપ પર લોગ-ઇન કરતી વખતે ટ્રાફિક લાઇટ પસંદ કરવાથી આપણે માણસ સાબિત નથી થતાં.
દુનિયામાં આજે ઘણી એવી ઘટનાઓ છે જે કઠે. યુદ્ધો, દિવાલો ચણાવી અને બીજું ઘણું. તમારો વૈશ્વિક દ્રષ્ટિકોણ એ બાબતે શું છે?
અત્યારે તો જાણે દુનિયાનો અંત આવવાનો હોય એવા અપોકોલિપ્ટિક લક્ષણો છે. એમ લાગે છે કે આ દુનિયા જે રીતે અત્યારે ચાલી રહી છે તે રીતે બહુ લાંબે સુધી નહીં ચાલે. પણ આ સમજાવવું પણ અઘરું છે. આપણે સપાટી પર જોઇએ તો ગ્લોબલિસ્ટ વચ્ચે યુદ્ધો ચાલી રહ્યાં છે. જેમને વધુ ચિંતા છે તે લોકો રાષ્ટ્રીય લાગણી અને ઓળખને સાચવી રહ્યા છે. આ સંઘર્ષ માનવજાત સાથે પહેલેથી જ રહ્યો છે. આપણે યુનિવર્સલ થવું છે પણ આપણા ગામની ભાષા પણ છોડવી નથી, આ બહુ સાહજિક છે. મને એ સમજાય છે પણ બન્ને તરફનો અતિરેક જોખમી છે કારણકે તેઓ માનવતાનું સંતુલન ખોરવી નાખે છે. બધા સાથે એક થવાની ચાહ અને પછી બીજી તરફ માત્ર તમારી જાત રહેવાની ઇચ્છા એ વિરોધાભાસી છે. તમારી જાતિ કે દેશ સાથે કે તમારી પોતાની જાત સાથેની ઓળખ પણ સાચવવી હોય ત્યારે તમે આખી દુનિયા સાથે એક કેવી રીતે થઇ શકો. આ સંઘર્ષને કારણે અત્યારના સંજોગો ખડા થયાં છે. આપણે રાષ્ટ્રવાદની વાત કરીએ છીએ, સંકુચિતતાની વાત કરીએ છીએ, ધાર્મિક લાગણીઓ ઉજાગર કરીએ છીએ. વળી જે વિશ્વની ઓળખ ખોવાઇ રહી છે તેમાં આપણે ઓળખ ખોજવી છે. એક ચાઇનિઝ કહેવત છે કે ભગવાન આપણને રસપ્રદ વખતથી દૂર રાખે તો સારું, પણ આપણે અત્યારે રસપ્રદ વખતમાં જ જીવી રહ્યા છીએ. આપણે તોફાન કે કોલાહલમાં જીવીએ છીએ, એક દ્રષ્ટિકોણથી બહુ રસપ્રદ સમય છે, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની પણ વાત થાય છે તો લોસ એન્જલસના જંગલોની આગનો પણ પ્રશ્ન છે. આ બધી વાતો હવામાં નથી થઇ રહી, ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ એક કડવી વાસ્તવિકતા છે અને આપણે તેની સાથે જીવી રહ્યા છીએ. તમારે મગજ ઠેકાણે રાખવું પડશે અને તે સહેલું નથી.
તમારી ફિલ્મ ઇતિહાસનું એક અગત્યનું દસ્તાવેજીકરણ છે અને આગામી પેઢીઓ તેને જોઇને પોતાના રાષ્ટ્રના ઈતિહાસ અંગે યોગ્ય દૃષ્ટિકોણ કેળવી શકશે તેમ તમને લાગે છે?
હું મારી જ ફિલ્મ વિશે એવું કેવી રીતે કહી શકું? મારી ફિલ્મ અને મારી વચ્ચે મેં થોડું અંતર પણ જાળવ્યું છે. હું તેને એક મોક્યુમેન્ટરી તરીકે જોઉં છું જેમાં સામાન્ય લોકોની જિંદગી, તેમનો માહોલ અને વાઇબ્ઝની વાત છે. હા પણ ઇતિહાસ સાથે રિ-કનેક્ટ થવાનું એક માધ્યમ તે છે જેમાં રોજિંદી જિંદગીમાં સરમુખત્યારશાહીની અસર અને સરમુખત્યારશાહી દરમિયાનના અસાધારણ દિવસની વાત તેમાં કરાઇ છે, જ્યારે એ શાસનનો અંત આવ્યો એ દિવસની વાત. આ ટ્રેજિક કોમેડી છે, અને આપણને ખબર છે કે તેનો અંત હકારાત્મક આવવાનો છે.
તમે બીજા કયા પ્રકારની ફિલ્મો બનાવવા માગો છે, ભવિષ્યમાં કેવી વાર્તાઓ કહેવી છે?
એક એનિમેશનન પ્રોજેક્ટ પુરો થઇ રહ્યો છે જે રોમાનિયાના એક બંદર પર બનેલી ઘટના છે, ફ્રેન્ચ સ્ટાઇલનો અને એક્ઝોટિક પ્રકારનો પ્રોજેક્ટ છે. હું પતાવી રહ્યો છું તેનો મને આનંદ છે. મને લાગે છે કે મને ચોવીસ કલાકની વાર્તાઓમાં બહુ રસ પડે છે કારણકે મેં આ પહેલાં એક ડોક્યુમેન્ટરી પર કામ કર્યું હતું તેમાં એક ઘરના ડેમોલિશનની વાત હતી, જેનો ચોવીસ કલાક મેં ડોક્યુમેન્ટરીમાં લીધા હતા. કદાચ મારી વાર્તાઓમાં એ એક કડી છે, દરેક દિવસ અસાધારણ હોય છે, તેની આગવી રીતે. દિવસને અંતે તમારો પણ અંત થાય અને પછી તમે બીજા દિવસે ફરી જન્મતા હો છો. મેં આ પહેલાં ટીવી માટે પણ ઘણું કામ કર્યું છે પણ ડિરેક્ટર તરીકે મેં ‘ન્યુ યર ધેટ નેવર કેમ’ બનાવવાનો નિર્ણય લીધો.
તમારી ફિલ્મને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે?
મને ઘણા મેસેજિઝ આવે છે એટલે કોઇ એખ પ્રતિસાદ કહેવો મુશ્કેલ છે. જ્યારે કોઇ તમારી ફિલ્મ જોવા માટે સમય કાઢે, સિનેમામાં જાય એ પણ બહુ મોટી પ્રસંશા છે. અત્યારે મારી ફિલ્મ (આ ઇન્ટરવ્યુ લેવાયો તે વખતનો સંદર્ભ) ઇઝરાયલમાં ચાલી રહી છે, મને ગાઝાના સંજોગોને કારણે જરા પૂર્વગ્રહ હતો પણ બીજી તરફ મને જાણવા મળ્યું કે ફિલ્મને બહુ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોઢાની મુઠ્ઠી વાળું શાસન હોય ત્યારે શું પરિસ્થિતિ હોય તે સમજવામાં દર્શકોને આ ફિલ્મ મદદ કરી રહી છે. મારી ફિલ્મ સાથે હું નોર્ધન યુરોપ પણ ટ્રાવેલ કરીશ, ડચ રિપબ્લિકમાં પણ તેને બહુ સારો પ્રતિભાવ મળ્યો. માર્ચના અંતે તે ફ્રાંસમાં લૉન્ચ થશે અને તેને લઇને હું બહુ ઉત્સુક છું.
તમારી ફિલ્મમાં ફ્રેમિંગની પસંદગી, જુનો સ્ટુડિયો ખડો કરવાની જહેમત એ બધા વિશે વાત કરશો?
આ વાર્તાઓ માટેનો આખો સેટ અપ ખડો કરવો અઘરો હતો કારણકે તે પિરિયડ પિસ છે. પાંત્રીસ વર્ષમાં બુખારેસ્ટ અને રોમાનિયા બહુ બદલાયા છે, ખાસ કરીને જે રીતે તે દેખાય છે તેમાં બહુ ફેર છે. સંસ્થાકિય માનસિકતામાં ફેર નથી પણ બાકી બહુ ફરક છે એટલે ટીવી સ્ટુડિયો ક્રિએટ કરવો અઘરું કામ હતું. ટેકનિકલી પણ એવું સેટ અપ જોઇતું હતું જે કામ પણ કરતું હોય, ફંકશનલ હોય એટલે તેમાં ઘણી મહેનત લાગી.
આ ફિલ્મ બનાવ્યા પછી તમારામાં શું બદલાયું?
દરેક કામ કર્યા પછી તમારામાં કંઇ બદલાય એ જરૂરી નથી હોતું પણ તમે નસીબદાર હો તો તેની તમારા પર અસર થાય. તમારું કામ તમારી પાસેથી કાં તો કંઇ લઇ લે અથવા તમને કંઇ આપે. આ ફિલ્મે મારા સ્વાસ્થ્ય પર અસર કરી અને પૈસા પણ સારા એવા એમાં રોકાયા પણ મને જે મળ્યું છે તે એ તમામ બાબતો કરતાં કંઇગણું વધારે છે. દર્શકોની પ્રસંશા, કાળજી અને પ્રેમ અઢળક મળ્યા છે. એ વિચાર માત્ર કે સ્વંતત્રતા શું છે, સન્માન શું છે અને સત્તાધીશોનો – સ્ટેટનો તેમાં શું ફાળો છે અને જિંદગીમાં વ્યક્તિગત હેતુ શું છે – આ બધા પર હું સંવાદ શરુ કરી શકું છું એ જ મારે માટે બહુ મોટી બાબત છે અને મને લાગે છે કે મેં સારું કામ કર્યું છે. હું આ ફિલ્મ સાથે ઘણું બધું ટ્રાવેલ કરી રહ્યો છું અને તે પણ બહુ મોટો રિવોર્ડ છે.
તમે કેવી ફિલ્મો જુઓ છો, તમારા ગમતા ડાયરેક્ટર્સ કોણ છે?
હું ઘણા બધા ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મો જોઉં છું, મને એક્ઝોટિક દેશોની એક્ઝોટિક ફિલ્મો જોવાનું ગમે છે પણ મોટે ભાગે ફેસ્ટિવલ્સમાં જ આ ફિલ્મો જોવા મળે છે. હું તેમને એક્ઝોટિકનું લેબલ આપું છું કારણકે અમને બહુ બધી ફિલ્મોનું એક્સેસ નથી, જેમ કે ભારતીય ફિલ્મો પણ હવે મારા કેટલાક મિત્રો જે મને સૂચવે છે એ ફિલ્મો હું જોઉં છું. નસીબજોગે હવે મુબી જેવા પ્લેટફોર્મ્સ છે જ્યાં ઘણી જુદી જુદી ફિલ્મો જોવા મળે છે. મને ઇમિર કુસ્તુરિકા (Emir Kusturica) ની ફિલ્મો બહુ જ ગમે છે અને એવા તો ઘણાં ડાયરેક્ટર્સ જેમનું કામ મને ગમે છે.
ટ્રેકિંગ, પ્રવાસ અને વાંચનના શોખીન બોગદાન મુરેશાનુ ભારતની બીજી મુલાકાત લેવા તત્પર છે. તેમણે વાતચીતના અંતે ઉમેર્યું કે, ‘ મને હંમેશા એ બાબતનું આશ્ચર્ય થાય છે કે અમારી સંસ્કૃતિથી સાવ જુદી સંસ્કૃતિના લોકો પણ ફિલ્મ પ્રત્યે ગજબનો હુંફાળો પ્રતિભાવ આપે છે. કોઇ એક સર્જન સાથે અલગ અલગ મન અને વિચારના લોકો કેવી રીતે જોડાતા હોય છે એ બહુ અદ્ભુત લાગણી છે. અંતે આ વાર્તા તો રોમાનિયા નામના કોઇ એક સ્થળની છે, 1989માં ઘટેલી ઘટના પણ છતાં ય લોકો તેની સાથે જાતને સાંકળી શકે છે. હું હંમેશા બાલઝાકે જે કહ્યું હતું તે યાદ રાખું છું કે તમારે યુનિવર્સલ થવું હોય તો તમારા ગામની વાર્તા કહો. આ જ બાબત કદાચ બહુ હ્યુમન છે. છતાં ય જેટલી પ્રસંશા અને પ્રતિભાવો મળ્યા છે તેનાથી મને સુખદ આશ્ચર્ય હંમેશા થયું છે. હું બહુ કૃતજ્ઞતા અનુભવું છું. આ ફિલ્મ બનાવ્યા પછી હું વધુ કૃતજ્ઞ બન્યો છું એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. મને એ સમજાયું છે કે સફળતા એક એવી ચીજ છે જે તમને આપવામાં આવે છે, કદાચ કોઇ તેને લાયક નથી હોતું પણ લોકો થકી તમે તે મેળવો છો. ’

