નવી સીઝનમાં જૂના હોસ્ટ દિવંગત ફારુખ શેખની જગ્યા લેશે આર. માધવન
આર. માધવન અને ફારૂક શેખ
૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં ફારુક શેખ દ્વારા હોસ્ટ કરવામાં આવતો લોકપ્રિય ટૉક-શો ‘જીના ઇસી કા નામ હૈ’ હવે નવા અંદાજમાં પરત ફરી રહ્યો છે. અગાઉ ઝી ટીવી પર પ્રસારિત થતો આ શો હવે ઝી5 પર ‘જીના ઇસીકા નામ હૈ 2.0’ નામથી સ્ટ્રીમ થશે અને એના હોસ્ટિંગની જવાબદારી આર. માધવન સંભાળશે. જોકે આ વેબ-શોની સ્ટ્રીમિંગ તારીખ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ નવી જવાબદારી વિશે વાત કરતાં આર. માધવને કહ્યું હતું કે ‘આજે આપણે જેમને પસંદ કરીએ છીએ તેમના જીવન વિશે ઘણી માહિતી સરળતાથી મળી જાય છે. તેઓ શું કરે છે, ક્યાં જાય છે અને શું શૅર કરે છે એ બધું જાણીએ છીએ; પણ તેઓ ખરેખર કેવા છે એ ભાગ્યે જ જાણી શકીએ છીએ. એટલા માટે ‘જીના ઇસી કા નામ હૈ’ આજે પણ પણ રસપ્રદ છે. મૂળ શોમાં ફારુક શેખે એવી જગ્યા ઊભી કરી હતી જ્યાં નિખાલસ અને માનવીય વાતચીત થતી હતી. ત્યાં સેલિબ્રિટીની જાહેર છબી નહીં પણ તેની પાછળની વ્યક્તિને ઓળખવાનો પ્રયાસ થતો હતો. આ પરંપરાને આગળ વધારવી મારા માટે ગૌરવની સાથે મોટી જવાબદારી પણ છે.’
