૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં હાર્યા બાદ સ્મૃતિ ઈરાની ફરીથી મનોરંજનજગતમાં સક્રિય થયાં હતાં. આ પરિવર્તન વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમણે કામ માટે કોઈની રાહ જોવાને બદલે પોતે જ ફોન કરવાનો નિર્ણય લીધો હતો.
સ્મૃતિ ઈરાની
એકતા કપૂરની લોકપ્રિય સિરિયલ ‘ક્યોંકિ...સાસ ભી કભી બહૂ થી 2’ ૨૦૨૫ના જુલાઈમાં શરૂ થઈ હતી અને આજે એનો છેલ્લો એપિસોડ આવવાનો છે. આ સિરિયલમાં તુલસી વીરાણીની ભૂમિકામાં ફરી જોવા મળેલાં સ્મૃતિ ઈરાનીએ પોતાના આગળના પ્લાનિંગ વિશે વાત કરતાં કહ્યું હતું કે તેમને સામેથી કામ માગવામાં જરાય શરમ આવતી નથી અને ૨૦૨૪માં કોઈના ફોનની રાહ જોવાને બદલે તેમણે પોતે જ ફોન કરીને કામ માગ્યું હતું.
૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં હાર્યા બાદ સ્મૃતિ ઈરાની ફરીથી મનોરંજનજગતમાં સક્રિય થયાં હતાં. આ પરિવર્તન વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમણે કામ માટે કોઈની રાહ જોવાને બદલે પોતે જ ફોન કરવાનો નિર્ણય લીધો હતો.
ADVERTISEMENT
પોતાના આ અભિગમ વિશે વાત કરતાં સ્મૃતિએ કહ્યું હતું કે ‘મને ખરેખર ગર્વ છે કે મેં પોતે ફોન કર્યો હતો. કામ માગવામાં મને શરમ શા માટે આવવી જોઈએ? મેં મારી વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત જ તકો માગીને કરી હતી. જો સફળતા મળ્યા પછી ફરીથી તક માગવી મને મારી પ્રતિષ્ઠાની વિરુદ્ધ લાગવા લાગે તો એનો અર્થ એ થયો કે સફળતાએ મને અહંકારી બનાવી દીધી છે. મેં જાહેર જીવનમાં મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે અને મેં ફોન કરીને ‘શું મારા માટે કોઈ કામ છે?’ એવું પૂછવાનો અનુભવ પણ કર્યો છે. હું મારા આ બન્ને અનુભવોને સમાન સહજતાથી સ્વીકારું છું. હોદ્દો વ્યક્તિને સત્તા અને અધિકાર આપી શકે છે, પણ એનાથી વ્યક્તિમાં હક જમાવવાની ભાવના ન ઊભી થવી જોઈએ. કામ કરવામાં ગૌરવ છે અને ફરીથી શરૂઆત કરવાની તૈયારીમાં પણ મોટી તાકાત રહેલી છે.’
૨૦૨૪ પછી હું કોઈના ફોનની રાહ જોઈ શકી હોત, પણ મેં એવું કર્યું નહીં. એમ જણાવતાં સ્મૃતિએ કહ્યું હતું કે ‘મેં પોતે ફોન કર્યો. કદાચ એ ક્ષણે મેં માત્ર અભિનય જ પાછો નહોતો મેળવ્યો, પણ મારી અંદરની એ યુવાન સ્ત્રીને પણ ફરી શોધી હતી જેને ક્યારેય એવું લાગ્યું નહોતું કે ફરીથી શરૂઆત કરવામાં શરમ અનુભવવી જોઈએ. ક્યારેક ફરીથી શરૂઆત કરવાની ક્ષમતામાં ટોચ પર ટકી રહેવાની ક્ષમતા કરતાં પણ વધારે આત્મવિશ્વાસ હોય છે. હવે હું ઍક્ટિંગના દરવાજા બંધ કરવા નથી ઇચ્છતી. રાજકીય જવાબદારીઓ જાહેર જીવન પ્રત્યેની પ્રતિબદ્ધતાનો ભાગ હતી, જ્યારે અભિનય એક એવી કળા છે જેનો અભ્યાસ મેં થોડા સમય માટે છોડી દીધો હતો, પણ એના પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઓછો થયો નહોતો.’
