૩૮ વર્ષના સ્ટૅન્ડઅપ કૉમેડિયન ઝાકિર ખાને ગયા રવિવારે વર્લ્ડ-ફેમસ મૅડિસન સ્ક્વેર ગાર્ડનમાં હાઉસફુલ શો કરીને એક ઇતિહાસ સરજી નાખ્યો છે
અમેરિકાના મૅડિસન સ્ક્વેર ગાર્ડનમાં હિન્દી સ્ટૅન્ડઅપ કૉમેડી શો માટે ૧૮,૦૦૦ની હાઉસફુલ મેદની.
૩૮ વર્ષના સ્ટૅન્ડઅપ કૉમેડિયન ઝાકિર ખાને ગયા રવિવારે વર્લ્ડ-ફેમસ મૅડિસન સ્ક્વેર ગાર્ડનમાં હાઉસફુલ શો કરીને એક ઇતિહાસ સરજી નાખ્યો છે. હિન્દી ભાષામાં કૉમેડી સાંભળવા માટે આવેલી હકડેઠઠ મેદનીને હળવીફૂલ કરી નાખી. દિલ્હીની ગલીઓથી ન્યુ યૉર્કના ડ્રીમ ડેસ્ટિનેશન સુધીની છલાંગ વચ્ચેનો સંઘર્ષ પણ જાણવા જેવો છે
તેણે ટાઇમપાસ કરતાં નક્કી કર્યું કે જેમાં સૌથી વધુ મજા આવે છે એ કૉમેડી લખવી. નક્કી કર્યા પછી કૉમેડી લખવાનું શરૂ કર્યું. લખેલી કૉમેડીને કોઈ પ્રૉપર રીતે પ્રેઝન્ટ કરી નહોતું શકતું એટલે તેણે પોતે જ વિડિયો બનાવવાના શરૂ કર્યા. આ એ દિવસોની વાત છે જે દિવસોમાં યુટ્યુબ ભારતમાં નવું-નવું હતું અને ઇન્ટરનેટ પણ છુકછુક ગાડીને બદલે એક્સપ્રેસની દિશામાં આગળ વધવા માંડ્યું હતું.
ADVERTISEMENT
વિડિયો જોઈને કેટલાક લોકોએ તેને કહ્યું કે સારું કામ કરે છે, યુટ્યુબ પર તારે આ વિડિયો મૂકવા જોઈએ. ભારતમાં બેસ્ટ કૉમેડિયન તરીકે પ્રસ્થાપિત થયેલા કપિલ શર્માએ જ્યારે તેને પૂછ્યું ત્યારે તેણે જે જવાબ આપ્યો હતો એ જવાબ સાંભળીને તમે હેબતાઈ જશો. જેની વાત કરીએ છીએ તેને કપિલે પૂછ્યું હતું કે વિડિયો બનાવવાનું મન કેવી રીતે થયું? અને જવાબ મળ્યો હતો, ‘મેં તો વિચાર્યું પણ નહોતું. લોકોએ મને કહ્યું કે તારે વિડિયો અપલોડ કરવા જોઈએ અને મેં અપલોડ કરવાનું શરૂ કરી દીધું. બસ, આટલું જ.’
યુટ્યુબ પર શરૂ થયેલા એ વિડિયોને રિસ્પૉન્સ મળ્યો અને એ રિસ્પૉન્સ એવો રહ્યો કે ટાઇમપાસ તરીકે શરૂ થયેલી એ ઍક્ટિવિટીએ સારંગીવાદક બનવા માગતા તે યંગસ્ટરના રૂપમાં દેશને એક એવો સ્ટૅન્ડઅપ કૉમેડિયન આપ્યો જેણે હજી હમણાં જ અમેરિકા આખાને ગજવવાનું કામ કર્યું.
હા, આપણે વાત કરીએ છીએ ઝાકિર ખાનની. હા, એ ઝાકિર ખાનની જેણે ન્યુ યૉર્ક શહેરના મૅડિસન સ્ક્વેર ગાર્ડનમાં પહેલો શો કર્યો, જે જોવા માટે ૧૫,૦૦૦થી વધારે લોકો આવ્યા. ઝાકિર પહેલો હિન્દીભાષી કૉમેડિયન છે જેણે મૅડિસન સ્ક્વેર ગાર્ડનમાં શો કર્યો હોય અને બિનઅમેરિકન પહેલો એવો આર્ટિસ્ટ છે જેની મેડિસન સ્ક્વેર પર હાઇએસ્ટ ટિકિટો વેચાઈ હોય અને પોતાના આ દોઢ કલાકના શો પછી હાજર રહેલી ઑડિયન્સને હસાવી-હસાવીને રીતસર પેટમાં દુખાડી દીધું હોય. શો દરમ્યાન એક તબક્કો તો એવો હતો કે લોકોએ ઊભા થઈ-થઈને ઝાકિરને કહેવું પડતું હતું કે હવે હસાતું નથી, હવે બસ કર અને એ પછી પણ એવી હાલત હતી કે ઝાકિર માઇક પર આવે અને લોકો ફરી હસવા માંડે. આ એ જ ઝાકિર છે જેને યુટ્યુબ પર આપણે ‘સખ્ત લૌંડા’ના ઉપનામ સાથે જોતા આવ્યા છીએ, આ એ જ ઝાકિર છે જે એક તબક્કે એવું વિચારતો થઈ ગયો હતો કે તેનું આ પૃથ્વી પર આવવું બેકાર છે!
ઇન્દોરથી થઈ શરૂઆત
૧૯૮૭ની ૨૦ ઑગસ્ટે મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં જન્મેલા ઝાકિર ખાનની ફૅમિલી મૂળ રાજસ્થાની. પપ્પા ઇસ્માઇલ ખાન મ્યુઝિક-ટીચર અને મમ્મી કુલસુમ ગૃહિણી. મુસ્લિમ ખાન ફૅમિલીએ રાજસ્થાનની પાણીની તંગી અને બેકારીને કારણે રાજસ્થાન છોડ્યું અને ઇન્દોરમાં સેટલ થઈ. ઝાકિરના દાદા ઉસ્તાદ મોઇનુદ્દીન ખાન દેશના પ્રસિદ્ધ સારંગીવાદક. સંગીતના વાતાવરણ વચ્ચે ઝાકિરનું બાળપણ પસાર થયું અને આ જ કારણે ઝાકિર માત્ર ૪ વર્ષની ઉંમરથી સારંગી વગાડતાં શીખી ગયો હતો. બાય ધ વે, કહેવાનું રહી ગયું કે ઝાકિર ખાનનું નામ તેના દાદાએ તબલાવાદક ઝાકિર હુસૈનના નામ પરથી પાડ્યું છે. ઉસ્તાદ મોઇનુદ્દીન ખાન એટલે કે આપણા ઝાકિર ખાનના દાદા ઝાકિર હુસૈનના બહુ મોટા ફૅન એટલે જ્યારે દીકરાના ઘરે દીકરો આવ્યો ત્યારે દાદાએ હુસૈનસાહેબનું નામ જ પૌત્રને આપ્યું.
ઇન્દોરની સેન્ટ પૉલ હાઈ સ્કૂલમાં ભણનારો ઝાકિર સારંગીમાં વિશારદ થવાનો હતો. હા, કૉમેડીના ફીલ્ડમાં આવતાં પહેલાં ઝાકિરની ઇચ્છા સંગીતની દુનિયામાં આગળ વધવાની હતી અને એટલે જ તેણે સિતારમાં ડિપ્લોમા કોર્સ જૉઇન કર્યો, પણ દાદાના દેહાંત પછી તેણે કૉલેજ અને સારંગી બન્ને છોડી દીધાં. ઝાકિર કહે છે, ‘કલા શીખી ન શકાય. જો એ તમારામાં હોય તો એમાં પાસા પડી શકો, પણ ક્યાંક બહારથી કલાને લાવી તો ન જ શકાય.’
ફૅમિલીની ઇચ્છા હતી કે ઝાકિર બિઝનેસ કરે, પણ ઝાકિરને બિઝનેસમાં કોઈ ઇન્ટરેસ્ટ નહોતો. સિતાર પડતી મૂકીને તેણે બાયોટેક્નૉલૉજી જૉઇન કર્યું. જોકે તેનું મન તો એમાં પણ લાગ્યું નહીં. ઝાકિર કહે છે, ‘એક પણ કામ એવું નહોતું જે મને સતત બેસાડી રાખી શકે, સિવાય કે વાર્તા કરવી કે જોક ક્રૅક કરવા.’
હા, ઝાકિરને જોક બનાવવાનો શોખ હતો અને એ શોખને તેણે શોખ તરીકે જ જોયો હતો. ઝાકિર કહે છે, ‘હું કોઈ એવી વાત કરું તો લોકો બોલે કે આ કેવી કૉમેડી કરે છે અને મને નવાઈ થાય કે આ કૉમેડી શું છે?’
કૉમેડી શું છે એ સમજવા માટે બારેક વર્ષની ઉંમરના ઝાકિરે પોતાની સ્કૂલની બુક્સ વેચીને એક દુકાને જઈને કૉમેડીની બુક્સ ખરીદી. એ તેણે વાંચી તો ઝાકિર હેબતાઈ ગયો. ઝાકિર કહે છે, ‘એમાં જે વાત હતી એ વાત તો હું રૂટીનમાં બધા સાથે કરતો.’
હા, ઝાકિર નાનપણથી પોતે જ જોક બનાવે અને બધાની સાથે વાત કરતી વખતે એ જોકને એમાં ટાંકી લે. ઝાકિર કહે છે, ‘જોક કહીએ, લોકો આપણા જોક પર હસે. આ સારી વાત કહેવાતી, પણ આવો કોઈ પ્રોફેશન હોય એવું તો કોઈએ વિચાર્યું પણ નહોતું. મેં જ્યારે યુટ્યુબના વિડિયો બનાવવાના શરૂ કર્યા ત્યારે પણ મારા મનમાં તો એક જ વાત હતી કે મારે લોકોને હસાવવા છે, હસાવીને ખુશ કરવા છે, વાહવાહી મેળવવી છે. હું આ કહું ત્યારે મારી જ ફૅમિલી મને કહે પણ ખરી કે એ બધું બરાબર, પણ તું જીવન જીવવા માટે શું કરીશ?’
ઝાકિર પણ એ દિશામાં ગંભીરતા સાથે વિચારતો જ હતો.
સફર હવે દિલ્હીની
બહુ ઓછા લોકોને ખબર છે કે એક તબક્કે ઝાકિરને મન થયું હતું કે તે રેડિયો પ્રોડ્યુસર બને અને એના માટે તેણે દિલ્હી જઈને રેડિયો મૅનેજમેન્ટનું ભણવાનું શરૂ પણ કરી દીધું હતું. રેડિયો મૅનેજમેન્ટ પૂરું કર્યા પછી ઇન્ટર્નશિપ માટે ઝાકિર જયપુર આવ્યો, પણ છ મહિનાની એ ઇન્ટર્નશિપમાં કંઈ વળ્યું નહીં. અરે, છેલ્લા મહિને તો તેની પાસે મકાનનું ભાડું ચૂકવવાના પણ પૈસા નહોતા અને મકાનમાલિકે ભાડું માફ કર્યું, સાથોસાથ તેને દિલ્હી જવાના પૈસા પણ ચૂકવ્યા. ઝાકિર કહે છે, ‘કુદરતે તમારા માટે કંઈક જુદું લખ્યું હોય તો ત્યાં સુધી લઈ જવાની જર્ની પણ તમારી એ જ નક્કી કરે. બસ, તમારે એના પર ભરોસો રાખવાનો અને આગળ વધતા જવાનું.’
દિલ્હી પાછા આવેલા ઝાકિરની લાઇફમાંથી સ્ટ્રગલ દૂર થવાનું નામ નહોતી લેતી અને હાથમાં નોકરી નહોતી. ફૅમિલી પાસેથી પૈસા મગાવી શકાય એવી ઝાકિરની કોઈ ક્ષમતા નહીં અને ફૅમિલીની પણ કોઈ એવી ત્રેવડ નહીં. ઝાકિરને અહીં ફરીથી એ જ વાત યાદ આવી જે વાતે તેણે નાનપણમાં સૌકોઈને ઇમ્પ્રેસ કર્યા હતો. જોક. ઝાકિર કહે છે, ‘દિલ્હીમાં ખર્ચો નીકળતો રહે એવા હેતુથી મેં ફ્રીલાન્સિંગ શરૂ કર્યું અને ઍડ્વર્ટાઇઝમેન્ટથી માંડીને જિંગલ પર હાથ અજમાવવાનો શરૂ કર્યો. સાથોસાથ નાટકોમાં ઍક્ટિંગ પણ શરૂ કરી. ઍક્ટિંગમાં ટ્રાવેલિંગ બહુ રહેતું એટલે મેં નક્કી કર્યું કે હું નાટકો લખીશ, પણ નવા માણસને નાટક કોણ આપે? એટલે મેં જાણીતા રાઇટરો માટે ઘોસ્ટ રાઇટિંગ શરૂ કર્યું. લોકોને મારા રાઇટિંગમાં મજા આવતી. આ જ એ તબક્કો જેમાં મને પહેલી વાર મારા એક ફ્રેન્ડે કહ્યું કે તું તારા ટાઇમપાસ વિડિયોના આઇડિયાને જ માઇક પર કેમ નથી લઈ આવતો? બસ, સ્ટૅન્ડઅપની દિશાનું એ મારું પહેલું સ્ટેપ.’
સ્ટૅન્ડઅપની દિશાનું સ્ટેપ સાહેબ, સક્સેસ નહીં.
ચલ ફૂટ અહીંથી
ઝાકિરે પહેલી વાર દિલ્હીમાં સ્ટૅન્ડઅપ માટે ટ્રાય કરી, જેમાં તેને ઑર્ગેનાઇઝરે બે મિનિટ આપી હતી અને ૪૦ જ સેકન્ડમાં ઑડિયન્સે તેને હુટ-આઉટ કર્યો એટલે કે ઝાકિરનો હુરિયો બોલાવ્યો અને ખાનસાહેબે સ્ટેજ પરથી ઊતરી જવું પડ્યું. ઝાકિર કહે છે, ‘મારા લુકની પણ બહુ નેગેટિવ કમેન્ટ થઈ. બહુ ડિસ્ટર્બિંગ એ સિચુએશન હતી, પણ એવું તો થયા કરે એવું મન હું સતત મનાવતો રહ્યો અને આગળ પ્રયાસ કરતો રહ્યો. જોકે મેં શોમાં પહેલો જે ચેન્જ કર્યો તે એ કે મેં શોમાં મારી જ કૉમેડી કરવાનું શરૂ કરી દીધું અને પછી મેં શોમાં મારા ફ્રેન્ડ્સને બેસાડીને તેમની મજાક કરવાનું ચાલુ કર્યું. એને લીધે બન્યું એવું કે લોકોની કનેક્ટિવિટી વધી અને તેમને મજા આવવા માંડી. મને યાદ છે કે એક વાર મેં એક છોકરીને મારા શોની સાથે જોડીને કૉમેડી કરી લીધી. બધા બહુ હસ્યા. શો પૂરો થયો અને તે છોકરી મારી પાસે આવી. મને એમ કે હવે મર્યા; પણ ના, તે છોકરી મને થૅન્ક્સ કહેવા આવી હતી. હું સમજી ગયો કે હવે સમય બદલાવા માંડ્યો છે.’
દિલ્હીની આ જર્નીમાં તેણે સફળતા તો જોઈ, પણ સાથોસાથ નવું આકાશ પણ જોવા મળ્યું. એ આકાશ એટલે મુંબઈ. ઝાકિર ખાનના વિડિયો જોઈને તેને મુંબઈથી રાઇટર-પ્રોડ્યુસર તન્મય ભટ્ટે રાઇટિંગનું કામ સોંપ્યું અને ઝાકિર ખાને યુટ્યુબના મોસ્ટ પૉપ્યુલર શો ‘On Air with AIB’ માટે સ્ક્રિપ્ટ-રાઇટિંગ શરૂ કર્યું. ઝાકિર કહે છે, ‘અગાઉ હું એક વખત મુંબઈ આવી સ્ટ્રગલ કરીને નીકળી ફરી દિલ્હી આવી ગયો હતો. એ સમયે તો એવા દિવસો જોયા હતા કે વડાપાંઉ પણ મારા માટે સપનું હોય. ત્યારે મુંબઈ છોડતી વખતે મેં નક્કી કર્યું હતું કે હવે આ શહેરમાં ત્યારે જ આવવું જ્યારે તમને કોઈ ઓળખતું હોય, તમારા પર કોઈને ભરોસો હોય.’
‘On Air with AIB’ માટે કામ શરૂ કર્યા પછી ઝાકિર ખાને પાછું વળીને જોયું નહીં. રાઇટર બનવા માંડેલા ઝાકિરની લાઇફમાં એ પછી એક કૉન્ટેસ્ટમાં ઇન્ડિયાના બેસ્ટ સ્ટૅન્ડઅપ કૉમેડિયનનો અવૉર્ડ જીતવાની તક આવી. વર્ષ હતું ૨૦૧૨. ઝાકિર કહે છે, ‘એ શો પછી મને ફરી થયું કે હું આ કામ કરી શકીશ. બાકી મેં તો મન મનાવી લીધું હતું કે આપણે રાઇટર તરીકે કદાચ ચાલીશું અને એવી જ રીતે આપણે હવે જીવવાનું છે, પણ સ્ટૅન્ડઅપ કૉમેડિયનના અવૉર્ડની સાથોસાથ મને દેશભરમાં ૧૦ શો મળ્યા અને એ ૧૦ શોએ મારામાં કૉન્ફિડન્સ ભરવાનું કામ કર્યું.’
અલબત્ત, ઝાકિરે આ વખતે ડબલ શિફ્ટમાં કામ કર્યું. હા, દિવસમાં વીસ-વીસ કલાક તે કામ કરવા લાગ્યો. તેણે યુટ્યુબના પોતાના કૅરૅક્ટર ‘સખ્ત લૌંડા’ને પણ જીવતું રાખવા એના માટે કામ કર્યું તો સાથોસાથ શો પણ કર્યા અને રાઇટિંગ પણ અટકાવ્યું નહીં. ઝાકિર કહે છે, ‘જે વારંવાર હાર્યું હોય તે જીતની ક્ષણ હાથમાં આવ્યા પછી સહેજ પણ પાછો ન પડે. બસ, મારી સાથે પણ એ જ થયું.’
કૉમેડિયન ઉપરાંત અૅક્ટિંગ પણ કરી
ઝાકિરને આજે માત્ર કૉમેડિયન તરીકે જોનારાઓને યાદ કરાવવાનું કે આ ઝાકિર ખાન છે જેણે ઍમૅઝૉન પ્રાઇમ પર ‘હક સે સિંગલ’, ‘કક્ષા ગ્યારવીં’, ‘તથાસ્તુ’, ‘મનપસંદ’, ‘દેલુલુ એક્સપ્રેસ’ લખી છે તો ‘ચચ્ચા વિધાયક હૈં હમારે’ વેબસિરીઝની ત્રણ-ત્રણ સીઝન લખી છે અને એમાં ઍક્ટિંગ પણ કરી છે. આ ઉપરાંત ‘કૉમિકિસ્તાન’ અને ‘વન માઇક સ્ટૅન્ડ’ નામના બે રિયલિટી શોમાં જજ અને મેન્ટર પણ રહી ચૂક્યો છે. આ ઉપરાંત સોની ટીવી પર તેના જ નામથી શરૂ થયેલા અને પહેલા જ વીકમાં સુપરફ્લૉપ થઈ ગયેલા શો ‘આપકા અપના ઝાકિર’નો હૉસ્ટ પણ રહી ચૂક્યો છે.
લવ અનેક, મૅરેજ એક પણ નહીં
ઝાકિર વિના સંકોચે સ્વીકારે છે કે તેને પ્રેમ સેંકડો સાથે થયો છે, પણ એ પ્રેમ મૅરેજ સુધી પહોંચે એ પહેલાં જ બ્રેકઅપ થઈ જાય છે. ઝાકિર કહે છે, ‘પૉસિબલ છે કે મારા સ્ટાર્સ એવા હોય.’
પોતાના પહેલા પ્રેમ વિશે વાત કરતાં ઝાકિરે કહ્યું હતું કે ‘એ દિવસોમાં હું સ્કૂલમાં ભણતો હતો અને ઇન્દોરમાં આવેલી જીન્સની એક બહુ જાણીતી બ્રૅન્ડની કંપનીના શોરૂમમાં તે છોકરી કામ કરતી હતી. એ પ્રેમ મને ક્યારેય ભુલાશે નહીં, કારણ કે એ મારી લાઇફનો પહેલો પ્રેમ હતો.’
આગળ જે સ્ટાર્સ એટલે કે ગ્રહની વાત થઈ એને જ રિપીટ કરીએ. ઝાકિરના અબ્બાના એક ભાઈબંધે નાનપણમાં ઝાકિરનો હાથ જોઈને કહ્યું હતું કે તમારો દીકરો મ્યુઝિકના ફીલ્ડમાં આગળ નહીં વધે, પણ તે જે કામ કરશે એ બોલવાનું કામ હશે અને માઇક પર બોલતો હશે. ઝાકિર કહે છે, ‘એ સમયે તો પપ્પાને દુખ થયું હતું કે હું મ્યુઝિકના ફીલ્ડમાં આગળ નહીં વધું, પણ પછી તેમનો અફસોસ નીકળી ગયો.’
રહ્યો છે વિવાદનો મધપૂડો
ઝાકિર ખાને વિવાદ ઊભો કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. પાંચેક વર્ષ પહેલાં તેણે છોકરીઓ પર મજાક કરતો એક એવો વિડિયો બનાવ્યો જેમાં એવું સાબિત થતું હતું કે છોકરીઓ પોતાનો ખર્ચ ઉપાડવા માટે જ બૉયફ્રેન્ડ રાખે છે. આ વિડિયોનો વિવાદ દિલ્હીમાં થતાં તેણે માફી માગવી પડી હતી.
કપિલ શર્માના શોમાં આવતાં સ્ત્રીપાત્રોની મજાક કરતો પણ તેણે વિડિયો બનાવ્યો હતો, જેને લીધે કપિલ શર્મા અને મહિલાઓ અતિશય નારાજ થઈ અને ઝાકિરે એ વિડિયો ડિલીટ કરવો પડ્યો.
૩ વર્ષ પહેલાં સનાતન ધર્મ અને મહાદેવ પર ઝાકિરે કમેન્ટ કરી ત્યારે તો વિવાદ એ સ્તરે વધી ગયો કે ઝાકિરે ત્રણ મહિનાના બધા જ શો કૅન્સલ કરી નાખવા પડ્યા હતા. એ વિડિયો બદલ પણ ઝાકિરે માફી માગી હતી.
રૉયલ ઍલ્બર્ટ હૉલની સિદ્ધિ
ઝાકિરની અમેરિકાના ન્યુ યૉર્ક શહેરના મૅડિસન સ્ક્વેરની સિદ્ધિની જે વાતથી આપણે શરૂઆત કરી એવી જ સિદ્ધિ તેણે ૨૦૨૩માં લંડનના રૉયલ ઍલ્બર્ટ હૉલમાં મેળવી લીધી છે. ૨૦૨૩માં ત્યાં કરેલો શો પણ અમેરિકા જેટલો જ સુપરહિટ રહ્યો હતો. ઝાકિર ખાન પહેલો એશિયન (ઑબ્વિયસ્લી, ભારતીય પણ) કૉમેડિયન છે જેણે રૉયલ ઍલ્બર્ટ હૉલમાં શો કર્યો હોય.

