‘સૈયારા’ ફેમ અનીત પડ્ડા ‘હુંકાર : ધ રોર’માં ૧૭ વર્ષની મીનુ રાવતના પાત્રમાં જોવા મળશે. શક્તિશાળી નેતા પર સતામણીના આરોપથી શરૂ થતી આ વાર્તા તપાસ, કોર્ટ અને મીડિયાની મોટી લડાઈ સુધી પહોંચે છે.
અનીત પડ્ડા
‘સૈયારા’થી લાઇમલાઇટમાં આવેલી અનીત પડ્ડા હવે એકદમ નવા રોલમાં જોવા મળવાની છે. અનીત નવી ડ્રામા સિરીઝ ‘હુંકાર : ધ રોર’માં આવી રહી છે અને એનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. આ સિરીઝ એક એવા આરોપની આસપાસ ફરે છે જે એક શક્તિશાળી સિસ્ટમ પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દે છે. આ સિરીઝની સ્ટોરી ૧૭ વર્ષની મીનુ રાવતની આસપાસ ફરે છે જેનું પાત્ર અનીત પડ્ડા ભજવી રહી છે. મીનુ ‘બાપજી’ના નામથી જાણીતા લીડર પર સતામણીનો આરોપ લગાવે છે અને પછી બાપજી વિરુદ્ધ મોટી તપાસ શરૂ થાય છે. ટીઝર પરથી સ્પષ્ટ થાય છે કે એક આરોપથી શરૂ થતી આ વાર્તા ટૂંક સમયમાં મોટી લડાઈમાં ફેરવાઈ જાય છે. આ મામલો પોલીસ પછી કોર્ટ અને મીડિયા સુધી પહોંચે છે અને રાષ્ટ્રીય સ્તરે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે.
સોશ્યલ મીડિયા પર આ સિરીઝનું ટીઝર શૅર કરતાં અનીતે લખ્યું, ‘પ્રસ્તુત છે એક નાની એવી વસ્તુ, જેનું શૂટિંગ મેં ‘સૈયારા’ પહેલાં કર્યું હતું. ‘હુંકાર’ છેલ્લા કેટલાક સમયથી મારી સફરનો એક ભાગ રહી છે અને મને ખુશી છે કે આખરે હું એને આપ સૌ સાથે શૅર કરી રહી છું. હવે ઇન્સાફની રાહ નહીં જોવાય, બસ સત્યનો ‘હુંકાર’ ગુંજશે. ‘હુંકાર : ધ રોર’ પચીસ સપ્ટેમ્બરથી માત્ર જિયો હૉટસ્ટાર પર સ્ટ્રીમ થશે.’
