બધી જ સ્ત્રીઓ જુદી છે, બધી જ ડિલિવરી પણ જુદી છે. જોકે આજે નૉર્મલ ડિલિવરી ઓછી થવાનું એક મહત્ત્વનું કારણ સ્ત્રીઓના શરીરમાં આવેલો બદલાવ છે જે અવગણી ન શકાય.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઘણા લોકો આજની તારીખે નૉર્મલ ડિલિવરીનો દુરાગ્રહ રાખી રહ્યા હોય છે અને જે મમ્મીઓને સિઝેરિયનથી બાળક આવ્યું હોય તેને અફસોસની નજરે જોતા હોય છે. ઘણી જગ્યાએ આ ચર્ચાનો વિષય બની જાય છે કે પહેલાં દરેક સ્ત્રીને નૉર્મલ ડિલિવરી થતી, આજની તારીખે એવું કેમ થતું નથી. આ વૈજ્ઞાનિક રીતે આજે સમજીએ.
સમયની સાથે આજે સ્ત્રીઓનાં શારીરિક સ્ટ્રક્ચર ઘણાં બદલાયાં છે. પહેલાંની સ્ત્રીઓના પેલ્વિસ એકદમ બ્રૉડ હતા. ઓવલ અને સર્ક્યુલર શેપના. એટલે બાળક ખૂબ સરળતાથી બહાર આવી જતું. હવે એ જગ્યા જ સાંકડી થઈ ગઈ છે. એનું કારણ બદલાતી લાઇફ-સ્ટાઇલ તથા એક્સરસાઇઝ અને હાડમારીનો અભાવ છે. બીજું એ કે એક સમયે ગર્ભવતી સ્ત્રીઓનું આટલું ધ્યાન નહોતું રખાતું જેટલું આજે રખાય છે એટલે બાળકો સાવ દૂબળાં-પાતળાં જન્મતાં નથી. બાળકો એકદમ ભરાવદાર હોય અને ખાસ કરીને એકદમ મોટા માથાનાં હોય. પેલ્વિસની જગ્યા નાની અને બાળકો મોટા માથાનાં હોય તો આમાં નૉર્મલ ડિલિવરી જ કરવી છે એવો આગ્રહ બાળક અને માના જીવનને રિસ્ક પર જ મૂકે છે. જે સ્ત્રીઓનાં કદ-કાઠી લાંબાં છે અને જેમણે ખૂબ એક્સરસાઇઝ કરીને શરીરને કસાયેલું રાખ્યું હશે તેમને વાંધો નથી આવતો, પણ તેની દેખાદેખીએ કોઈ છોકરી આવીને કહે કે મારે પણ તેની જેમ નૉર્મલ ડિલિવરી જ કરવી છે તો એવું ન થઈ શકે. બધી જ સ્ત્રીઓ જુદી છે, બધી જ ડિલિવરી પણ જુદી છે. જોકે આજે નૉર્મલ ડિલિવરી ઓછી થવાનું એક મહત્ત્વનું કારણ સ્ત્રીઓના શરીરમાં આવેલો બદલાવ છે જે અવગણી ન શકાય.
ADVERTISEMENT
ઘણા લોકો કહે છે કે પહેલાંની સ્ત્રીઓ તો કેટલાં બાળકો પેદા કરતી અને એ બધાં બાળકો નૉર્મલ ડિલિવરીમાં જ પેદા કરતી. આજની સ્ત્રીઓ એટલી હિંમતવાળી નથી રહી. પહેલાં ડિલિવરી સમયે વધુ પડતું બ્લીડિંગ થવાને કારણે કેટલીયે સ્ત્રીઓ મરી જતી. કેટલાંય બાળકો છે જે જન્મ લેતાં જ મરી જતાં. એક સ્ત્રીનાં ઍવરેજ પાંચ-સાત બાળકો હોય તો એમાંથી એક-બે કોઈ ને કોઈ કારણોસર મૃત્યુ પામ્યાં જ હોય. આ રિસ્ક-ફૅક્ટર એ સમયે નૉર્મલ ગણાતું. જોકે સાયન્સ જ્યારે આટલું આગળ વધી ગયું હોય ત્યારે પણ આપણે નૅચરલના નામે લોકોને મરવા દઈએ એવું તો ન થઈ શકેને? હું એવું જરાય નથી કહેતી કે નૉર્મલ ડિલિવરી કરશો તો મરી જશો. એવું નથી જ. જો તમારી પ્રેગ્નન્સી એકદમ નૉર્મલ હોય, તમે એકદમ ફિટ હો, કોઈ કૉમ્પ્લિકેશન ન હોય તો આજે પણ ગાયનેકોલૉજિસ્ટ નૉર્મલ ડિલિવરી જ સજેસ્ટ કરે છે; પરંતુ જો કોઈ પણ પ્રકારનું રિસ્ક-ફેક્ટર જોડાયેલું હોય, જે આજે ઍડ્વાન્સ સાયન્સ સાથે આપણે પહેલેથી જ સમજી શકીએ છીએ જે પહેલાંના સમયમાં શક્ય જ નહોતું તો પછી પહેલાંની સ્ત્રીઓ ફક્ત નૉર્મલ ડિલિવરી જ કરતી હતી એ રીતે રિસ્ક લઈને બાળકને જન્મ આપવાનો શું તર્ક બંધ બેસે છે એ પણ સમજવું જોઈએ.
